Charchapatra

શાળાઓની ઈતર પ્રવૃત્તિઓ ક્યાં ગઈ?

જુના જમાનાની શાળાઓમાં પાઠયપુસ્તકો સિવાય ઘણી પ્રવૃત્તિ ચાલતી. વાદ સભાઓ યોજાતી જેમાં વિદ્યાર્થીઓની જાહેરમાં પ્રવચન કરવાની હિંમત ખુલતી, લાયબ્રેરીઓ ચાલતી, નવલકથાઓ, શિકારકથા, સાહસકથા, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, કનૈયાલાલ મુન્શીની નવલકથાઓ વંચાતી, ટેબલ ટેનીસ કેરમ, શતરંજ જેવી રમતો રમાતી, એ માટે ટેબલો રખાતા અને સ્પર્ધાઓ યોજાતી. ઘણાં વિદ્યાર્થીઓ આઉટડોર ગેમ્સમાં નામ ઉજાળતા અને પ્રગતિ કરતા. શાળાએ તો વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ કરવો જોઈએ. 2) ઘણી શાળાઓમાં સંગીતના પ્રોગ્રામ થતા અને વિદ્યાર્થીઓને ગાવાની, સંગીતના સાઝ વગાડવાની મજા આવતી. ઘણી શાળાઓમાં નાટકો યોજાતા, તેના રીહર્સલ થતા ઘણી શાળાઓમાં ચિત્રકામની પરીક્ષાઓ જેવી કે એલીમેન્ટરી. ઈન્ટરમીજીયેટ યોજાતી અને પોતાનું કૌશલ્ય બતાવવાની તક વિદ્યાર્થીઓને મળતી. (3) પરંતુ લાગે છે , એ જમાનો વિતી ગયો. આચાર્યો અને ટ્રસ્ટીઓને પાઠય પુસ્તકોના ભણતર સિવાય આવી પ્રવૃત્તિમાં કોઈ રસ જ નથી. આ માટે અઠવાડિયે મલ્ડ બેજ પિરિયડ ફાળવવાના હોય, તે પણ તેઓ કરતા નથી. પરિણામે વિદ્યાર્થીઓ ઘણું ગુમાવે છે. (4) મ્યુની. કમિશનરશ્રી અને સરકારી શિક્ષણાધિકારીઓ શાળાના સંચાલકોને સુચના આપી આવી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે. તો ભણતર લેખે લાગશે.
સુરત     – સુમનભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top