Business

‘નીઓવાઇઝ’ ધૂમકેતુની શોધ કયારે થઇ?

‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા માટે રવાના કરવામાં આવેલું. આ અવકાશયાને આ એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ કયારે મેળવ્યા? ફેબ્રુઆરી વર્ષ ૨૦૧૯ માં આ અવકાશયાને આ એસ્ટરોઇડની જમીનમાં ખાડો પાડીને તેની જમીનના નમૂનાઓ મેળવ્યા હતા. આ એસ્ટરોઇડ ૨યુગુનો પટ આશરે ૧ કિ.મી. છે. આ અવકાશયાન આ એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવીને તેમને પૃથ્વી પર તપાસ માટે લાવશે. આ નમૂનાઓનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ પ્રાચીન સમયમાં કાર્બનિક દ્રવ્યની રચના કેવી રીતે થઇ હતી, તે જાણવા માંગશે. નાસાના વિજ્ઞાનીઓ એસ્ટરોઇડ ‘એપોફીસ’ બાબતે શું જણાવે છે? તેઓ જણાવે છે કે એસ્ટરોઇડ એપોફીસ તરફથી આવનારાં ૧૦૦ વર્ષોમાં આપણી પૃથ્વીને કોઇ પણ પ્રકારનું નુકસાન થવાની સંભાવના નથી.

આ એસ્ટરોઇડ ૩૩૫ મીટરનો પટ ધરાવે છે. ૫ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ આ એસ્ટરોઇડ પૃથ્વીથી કેટલો દૂર રહીને પસાર થઇ ગયો? આ દિવસે તે આપણી પૃથ્વીથી ફકત ૧ કરોડ ૭૦ લાખ કિ.મી. દૂર રહીને પસાર થઇ ગયો! આ એપોફીસ એસ્ટરોઇડ સૂર્યની આસપાસનું તેનું પરિભ્રમણ કેટલા સમયમાં પૂરું કરે છે? તે સૂર્યની આસપાસનું તેનું પરિભ્રમણ આપણી પૃથ્વીના ૩૨૪ દિવસોમાં પૂરું કરે છે. હાલમાં વિજ્ઞાનીઓ ‘એપોફીસ’ એસ્ટરોઇડ વિશે કયા નિર્ણય પર આવ્યા? તેઓ નિર્ણય પર આવ્યા છે કે એપોફીસ એસ્ટરોઇડ હવે પછીનાં ૧૦૦ વર્ષો સુધી પૃથ્વી સાથે કોઇ પણ પ્રકારની અથડામણમાં આવી શકે તેમ નથી. એસ્ટરોઇડ પટ્ટામાં એસ્ટરોઇડોની કુલ સંખ્યા ૯ લાખ ૫૮ હજાર ૫૬૮ છે. જો કે દરરોજ નવાં શોધ સંશોધનોને કારણે આ સંખ્યામાં વધારો થતો રહે છે. ‘નીઓવાઇઝ’ ધૂમકેતુની શોધ કયારે થઇ? તેની શોધ ૨૦ મી માર્ચે ૨૦૨૦ ના રોજ થઇ હતી. આ એવો પ્રકાશમયી ધૂમકેતુ છે, જેને બાયનોકયુલરની મદદ વગર પણ જોઇ શકાય. અત્યાર સુધીમાં બધું મળીને કુલ ૪૩૪૩ ધૂમકેતુઓ શોધવામાં આવ્યા છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

જાપાનના હાયાબુસા ૨ અવકાશયાને એસ્ટરોઇડ ર્‌યુગુની જમીન પર ઉતરાણ કર્યું

જાપાનનું હાયાબુસા ૨ અવકાશયાન પૃથ્વી પર ઉતરાણ કરવાની અણી પર છે. આ અવકાશયાનને એસ્ટરોઇડ ર્‌યુગુની જમીનના નમૂનાઓ એકઠા કરીને તેમને પૃથ્વી પર લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ નમૂનાઓનું પૃથ્વી પરની પ્રયોગશાળામાં વિજ્ઞાની પૃથકકરણ કરીને તેમનો અભ્યાસ કરનાર છે. આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ર્‌યુગુની દિશામાં રવાના કરવામાં આવ્યું હતું. અવકાશમાં મોકલાયા બાદ જૂન, વર્ષ ૨૦૧૮ માં આ અવકાશયાન આ એસ્ટરોઇડની નજીક પહોંચ્યું હતું. ત્યાર પછી આ એસ્ટરોઇડની જમીન પર ઉતરાણ કરનાર લેન્ડર યાને એસ્ટરોઇડ ર્‌યુગુની જમીન પર ઉતરાણ કર્યું હતું. આ એસ્ટરોઇડની જમીન પર રમણભ્રમણ કરનાર બે ‘રોવર યાન’ ને પણ તૈયાર રાખવામાં આવ્યા હતા.

એસ્ટરોઇડ ર્‌યુગુ કેવોક એસ્ટરોઇડ છે

આ એસ્ટરોઇડ ર્‌યુગુ ડાયમંડ આકારનો એપોલો ગૃપમાં આવેલો અવકાશી ખડક છે. તેનો વ્યાસ (પટ) આશરે ૧ કિ.મી. છે. હાલમાં તે આપણી સૂર્યમાળાના ત્રીજા ક્રમના ગ્રહ પૃથ્વીની અને ચોથા ક્રમના ગ્રહ મંગળની પરિભ્રમણ કક્ષાઓ વચ્ચે રહીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે. આનો અર્થ એ કે આ એસ્ટરોઇડ આપણી પૃથ્વી માટે ભયરૂપ એસ્ટરોઇડ છે. જો કે વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે આ એસ્ટરોઇડને કારણે હાલમાં આપણી પૃથ્વીને કોઇ ભય નથી. આ હાયાબુસા ૨ અવકાશયાન આ એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવીને પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને પહોંચાડનાર છે. તે નમૂનાઓનો અભ્યાસ કરીને આ વિજ્ઞાનીઓ પ્રાચીન સમયમાં કાર્બનિક દ્રવ્યની રચના કેવી રીતે થઇ હતી, તે જાણવા માંગશે. આ ર્‌યુગુ જેવા એસ્ટરોઇડોનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ એ જાણવા માંગશે કે સૂર્યમાળાના ગ્રહોની રચના કઇ રીતે થઇ હતી.

એસ્ટરોઇડ એપોફીસ પૃથ્વીની અત્યંત નજીકથી પસાર થઇ ગયો

તાજેતરમાં અમેરિકાની અવકાશ અને સંશોધન સંસ્થા ‘નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન નાસાના વિજ્ઞાનીઓએ પૃથ્વીને ભયરૂપ એવા એક એસ્ટરોઇડ ‘એપોફીસ’ તરફથી આવનારાં ૧૦૦ વર્ષોમાં આપણી પૃથ્વીને કોઇ પણ પ્રકારનું નુકસાન થવાની શકયતા નથી, એમ જણાવ્યું છે. આ એપોફીસ એસ્ટરોઇડ સાપેક્ષ રીતે કદમાં મોટો છે અને તે ૩૩૫ મીટરનો પટ ધરાવે છે.

આ એસ્ટરોઇડને ૧૯ મી જૂન, વર્ષ ૨૦૦૪ ના રોજ શોધી કાઢવામાં આવ્યો હતો. આ પછી નાસાના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જોવામાં આવેલા બધા એસ્ટરોઇડોમાં આ એપોફીસ એવો એસ્ટરોઇડ છે કે જેના તરફથી આપણી પૃથ્વીને સૌથી વધારે ભય છે.હાલમાં ૫ મી માર્ચ વર્ષ ૨૦૨૧ ના રોજ એસ્ટરોઇડ આપણી પૃથ્વીની કંઇક વધારે નજીકથી પસાર થઇ ગયો હતો. આ વખતે તેનું પૃથ્વીથી અંતર ૧ કરોડ ૭૦ લાખ કિ.મી. હતું. તેના આ આગમન દરમ્યાન આ એસ્ટરોઇડની સૂર્યની આસપાસની પરિભ્રમણ કક્ષાનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓએ રડાર અવલોકનોનો ઉપયોગ કર્યો હતો.

આ એસ્ટરોઇડ એપોફીસ કેવોક એસ્ટરોઇડ છે?

આ ‘૯૯૯૪૨ એપોફીસ’ એસ્ટરોઇડને સંભવિત રીતે આપણી પૃથ્વી માટે જોખમી એસ્ટરોઇડ માનવામાં આવે છે. તેનો વ્યાસ ૩૭૦ મીટર છે. વર્ષ ૨૦૦૪ માં તેની આપણી પૃથ્વી સાથેની સંભવિત અથડામણની આગાહીએ પૃથ્વીવાસીઓને ચિંતામાં મૂકી દીધા હતા. આ એસ્ટરોઇડ તેનું સૂર્યની આસપાસનું એક પરિભ્રમણ આપણી પૃથ્વીના ૩૨૪ દિવસોમાં પૂરું કરે છે. આ એસ્ટરોઇડને ત્રણ વિજ્ઞાનીઓ ડેવીડ જે થોલન, રોય એ ટૂકરે અને ફેબ્રીઝીઓ બર્નાર્ડની બનેલી ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. જો કે આ એસ્ટરોઇડ વર્ષ ૨૦૬૮ માં આપણી પૃથ્વી સાથે અથડામણમાં આવે, તેની સંભાવના નહિવત્  છે, એમ આ વિજ્ઞાનીઓ જણાવે છે. પણ ત્યાર પછી આ એસ્ટરોઇડની સૂર્યની આસપાસની અતિશય ચોકસાઇભરેલી પરિભ્રમણ કક્ષાનો પૃથકકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. તે પછી મળેલાં અવલોકનો વિજ્ઞાનીઓને એ નિર્ણય પર આવવામાં મદદરૂપ થયા હતા કે હવે પછી ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી આ એસ્ટરોઇડ આપણી પૃથ્વી સાથે અથડામણમાં આવે તેવી કોઇ સંભાવના નથી!

એસ્ટરોઇડ પટ્ટામાં હાલમાં એસ્ટરોઇડોની સંખ્યા કેટલી છે?

હાલમાં એસ્ટરોઇડ પટ્ટામાં રહેલા એસ્ટરોઇડોની કુલ સંખ્યા ૯ લાખ ૫૮ હજાર ૫૬૮ છે. જો કે નવા નવા એસ્ટરોઇડોની શોધ દૈનિક ધોરણે થતી જ રહે છે. જો એક વાર કોઇક એસ્ટરોઇડ આપણી પૃથ્વી તરફ દિશાબધ્ધ થયા પછી જયારે તે પૃથ્વીને જરાયે નુકસાન કર્યા વગર પરત ચાલ્યો જાય તો ત્યાર પછી આવનારા કોઇક સમય દરમ્યાન તેની પૃથ્વી તરફ પરત આવવાની સંભાવના અગાઉ કરતાં વધી જાય છે કારણકે અગાઉ તેના આપણી સૂર્યમાળામાં દિશાબધ્ધ થયા પછી પરત ફરવા બાદ તેને ‘ગ્રેવીટેશનલ કીક’ (ગુરુત્વાકર્ષણિય) ધકકો પ્રાપ્ત થાય છે.

Most Popular

To Top