Business

ઓનલાઇન માથાકૂટ

ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને  એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ જેમ ઘરનું ખાઈ ખાઈને કંટાળી જાય પછી એને બહારનું ખાવાનું મન થાય એમ ઘરમાં જ માથાકૂટ કરી કરીને કંટાળ્યા પછી બહારના સાથે માથાકૂટ કરવાનું મન થાય. એમાંય વરાયટીઝ તો જોઈએ ને! અહીં માથાકૂટનો અર્થ ‘ઝઘડો- લડાઈ ‘ એવો કરવાનો નથી. અહીં માથાકૂટને એક પ્રકારની ભેજામારી તરીકે જ લેવાની છે. જો કે ભેજામારી કરવામાં પણ ભેજાની જરૂર પડે છે. માથાકૂટમાં ભેજાની પણ જરૂર નહીં.

અમારા એક મિત્રે મને કહ્યું,  ‘આ વખતે તમારો હાસ્યલેખ વાંચી શક્યો નથી’  પછી તેણે ખુલાસો કરતા કહ્યું કે મારા મિત્ર મનુ માથાકૂટ સાથે whatsapp પર માથાકૂટ કરવામાં જ ટાઈમ જતો રહ્યો તેથી લેખ વાંચી શકાયો નથી. અમારા આ મિત્રને મનુ માથાકૂટ સાથે સોશ્યલ મીડિયા પર કાયમ માથાકૂટ ચાલતી હોય છે. અલબત્ત અમારા મિત્રને તો મનુ એક સાથે જ લમણાઝીંક હોય  પણ મનુ માથાકૂટને તો અનેક સાથે માથાકૂટ ચાલતી હોય છે. ‘માથાકૂટ’ એ મનુની સરનેમ નથી મનુની મૂળ સરનેમ તો મનુ ‘ખેતરીયા’ છે પણ જે તેની અડફટે ચઢે તેની સાથે મનુ માથાકૂટ કરતો હોવાથી ગામના લોકો એમ જ માને છે કે માથાફૂટ જ મનુની સરનેમ છે.

મેં મિત્રને સજેશન કર્યું કે જો તમે દરરોજ આ રીતે નિયમિત ધોરણે ફોન પર માથાકૂટ કરતાં હો તો પછી ઓનલાઈન માથાકૂટનું આયોજન કરો ને! હવે તો ઓનલાઇન શિક્ષણ અપાય છે, પ્રવચનો યોજાય છે, કવિ સંમેલન, મુશાયરા, હાસ્યના કાર્યક્રમો, મોટીવેશનના સેમિનાર, ભક્તિ સત્સંગના કાર્યક્રમો વગેરે ઓનલાઇન યોજાય છે તો  ‘ઓનલાઇન માથાકૂટ’ નું આયોજન કેમ ન થઈ શકે? જો એમ થશે તો જે લોકો માથાકૂટથી વંચિત છે તેવા વંચિતોને સીધો લાભ મળશે. વળી  દેશ-વિદેશમાં વસતાં લોકો, ભારત દેશના ખૂણે ખૂણે વસેલા લોકો પણ ઓનલાઇન માથાકૂટનો લાભ લઈ શકશે. ઓનલાઇન માથાકૂટને કારણે તેના ઘરમાં માથાકૂટ ઓછી થશે તેમ છતાં માણસમાં માથાકૂટ કરવાની શક્તિ ડેવલપ થશે.

પરણેલાઓએ આ શક્તિ પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે કારણ કે લગ્નજીવનનું બીજું નામ જ માથાકૂટ છે એટલે જે માથાકૂટમાં ઝીંક ઝીલી શકે છે તે જ લગ્નજીવનમાં ઝીંક ઝીલી શકે અને તેનું લગ્નજીવન લાંબું ટકે છે કારણ કે વિદેશમાં લગ્નજીવન અરસપરસના મેચિંગ પર આધારિત છે જ્યારે આપણે ત્યાં માથાકૂટ પર આધારિત છે. કેટલાક લોકો એવા સરળ સ્વભાવના હોય છે કે અનિવાર્ય હોવા છતાં તે માથાકૂટ કરી શકતા નથી. જ્યારે કેટલાક એવા બરડ સ્વભાવના હોય છે કે જ્યાં માથાકૂટની  જરા પણ શક્યતા ન હોય ત્યાં પણ માથાકૂટ ઊભી કરી શકે છે.    

આમ તો મનુ માથાકૂટ એ ફરતિયાળ માણસ. પગ વાળીને બેસે નહીં કોઈ ને બેસવા દે નહીં. કામ હોય કે ન હોય પણ તે જુદા જુદા લોકોને મળવા જાય. મળવાનો ઉદ્દેશ એક જ સાવ મફતમાં માથાકૂટ કરવા મળે. કારણ હોય તો તે માથાકૂટ કરે અને કારણ ન હોય તો પણ માથાકૂટ કરી શકે. એને માથાકૂટ માટે કોઈ ચોક્કસ સમયની જરૂર નહીં. એ તો નરણા કોઠે ય માથાકૂટ કરી શકે અને મધરાતે ય માથાકૂટ કરી શકે. એમ કરવાથી મનુનું મગજ ફેશ થાય અને સામેવાળાનું ક્રેક થાય. મનુનો મૂળભૂત ઉદ્દેશ માથાકૂટ કરીને પાંચ- પચ્ચીસ લોકોની વચ્ચે પોતાની જાતને જ્ઞાની સાબિત કરવાનો હોય છે. આમ તો તેની ગણતરી પ્રાચીન અવશેષમાં થાય છે પણ તે દૃઢપણે માને છે કે હું આ બધાથી કંઈક વિશેષ છું. આ વિશેષતા સાબિત કરવાની તેની મથામણ હોય છે એટલે પછી ગામમાં જ્યાં લોકો બેઠા હોય ત્યાં તે જાય પરંતુ લોકો ત્યાંથી હિજરત કરી જાય. જાણકારો એવું કહે છે કે આ જગતમાં એક જ વ્યક્તિ એવી હતી જેની સામે મનુ માથાકૂટ કરવાની હિંમત નહોતો કરતો. એ હતા તેના પરમ અપૂજ્ય પિતાશ્રી! કહેવાય છે કે પારિવારિક મુદ્દે અને માથાકૂટના મુદ્દે એમ બંને રીતે તે મનુના બાપ હતા.  પિતાનો વારસો એક માત્ર મનુને જ મળ્યો હતો.

આ કોરોનાકાળમાં મનુ માથાકૂટ લોકોની વચ્ચે જઈ શકતો નહીં અને માથાકૂટ કર્યા વિના એને ખાવું ભાવતું નહીં એટલે હવે તેણે whatsapp, fb  પર માથાકૂટ શરૂ કરી છે. જ્યારે કોરોનાકાળ પહેલાં તે ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને પ્રકારની માથાકૂટ કરતો પણ હવે કોરોનાને કારણે ઓફલાઈનને ઝાઝો અવકાશ નથી. નહીં તો ઓફલાઈન માથાકૂટમાં તો જેમ એક કૂતરો બીજા કૂતરાના મોંમાંથી હાડકું ઝૂંટવીને જુદી જ દિશામાં લઈ જાય પછી કૂતરા લડે એ રીતે મનુ ચર્ચાના મુદ્દાને સામેવાળાના મોંમાંથી ઝૂંટવી તેને આડે પાટે ચડાવી માથાકૂટ ઊભી કરે. આજકલ તે  કોઈ જાતના આયોજન વિના ઓનલાઇન માથાકૂટ કરતો રહે છે.            

માથાકૂટ માટે રાજકારણ અને અધ્યાત્મ એ બંને મનુના માનીતા વિષયો છે. આ બે વિષયો પર તે છીછરું જ્ઞાન ધરાવે છે. ઊંડું તો એકેયમાં ધરાવતો નથી છતાં તે દુનિયાના, બ્રહ્માંડના કોઈ પણ મુદ્દા પર કલાકો સુધી માથાકૂટ કરી શકે છે.  મનુ પાસેથી હું એક વાત શીખ્યો કે કોઈ પણ મુદ્દા પર કલાકો સુધી  લાંબી ચર્ચા (એટલે કે માથાકૂટ) કરવા માટે તેનું જ્ઞાન હોવું જરૂરી નથી કારણ કે જ્ઞાની માથાકૂટ કરતો નથી અને માથાકૂટવાળો જ્ઞાનની પરવા કરતો નથી. અલબત્ત મનુને એવો પ્રબળ આત્મવિશ્વાસ છે કે આ પૃથ્વી પર એક માત્ર પોતે જ એવો જીવ છે જે કોઈ પણ વિષયનું ગહન જ્ઞાન ધરાવે છે.

મારા મિત્રે જ્યારે મને પ્રથમવાર ‘મનુ માથાકૂટ’ નો પરિચય કરાવ્યો ત્યારે તેણે મને ખાસ ચેતવણી આપી કે આમની સામે ભૂલેચૂકે ય કોઈ મુદ્દે દલીલ કરવી નહીં. નહીં તો મુદ્દો સાઈડમાં રહી જશે અને દલીલો આખો દિવસ ચાલશે. મિત્રને ઓનલાઇન માથાકૂટના આયોજનનું સજેશન કરતા મેં કહ્યું કે હવે લોકો કવિ સંમેલનો, મુશાયરા, બોધ-ઉપદેશ, મોટીવેશનથી કંટાળ્યા છે. તેના માટે ઓનલાઇન માથાકૂટ એકદમ નવો કોન્સેપ્ટ બની રહેશે વળી આ ઓનલાઇન માથાકૂટમાં સાસુવહુ, નણંદભાભી, સસરોજમાઈ, બાપ-દીકરો, નોકર-શેઠ, મકાનમાલિક અને ભાડૂઆત અને લેણદાર- દેણદાર એવા વિવિધ લોકો જોડાઈને યથાશક્તિ માથાકૂટ કરી શકશે. આવા લોકોને માથાકૂટ કરવા માટે એકદમ યોગ્ય પાત્રો મળશે તો આડોશીપાડોશી સાથે મફતની માથાકૂટમાં તેમની વેડફાતી શક્તિ બંધ થશે.

મિત્રે પ્રશ્ન કર્યો કે ઓનલાઇન માથાકૂટનું આયોજન તો કરીએ પણ પછી મનુ માથાકૂટ સામે ટક્કર ઝીલે એવા ઉમેદવાર તો જોઈએ ને! મેં કહ્યું કે હું શોધી આપીશ. મારી પાસે મનુ સામે મૂકવા જેવા મૂળજીભાઈ છે. મૂળજીભાઈએ ઘણાના મૂળિયાં કાઢી નાખ્યાં છે. તે એક આધેડ વયની વ્યક્તિ છે જે જગતના કોઈ પણ મુદ્દા પર લાંબા સમય સુધી કોઇ પણની સામે માથાકૂટ કરી શકે છે. હા, તેમાં ફક્ત તેની પત્ની અપવાદરૂપ છે. તેની સાથે માથાકૂટ કરતા નથી. આ મિત્ર માથાકૂટને ‘ચર્ચ’ જેવું રૂપકડું નામ આપે છે.

મિત્રે મને પૂછ્યું કે માથાકૂટ કરવાથી મગજશક્તિ વિકાસ પામે કે વિનાશ?! મેં કહ્યું એ બાબત જેતે વ્યક્તિ પર નિર્ભર છે. અમુક લોકો માથાકૂટથી કાયર હોય છે. થોડી ઘણી માથાકૂટ કરે ત્યાં જ થાકી જાય છે. આવા લોકોના મગજનો વિનાશ થાય છે જ્યારે અમુક લોકો જેમ માથાકૂટ કરે તેમ તેના મગજની ધાર નીકળે છે. અમુક લોકો માથાકૂટ કરે પછી તેણે ચા પીવી પડે જ્યારે મનુ અને મૂળજીભાઈ જેવા લોકો ચા ન પીવી પડે તે માટે માથાકૂટ કરે છે. માથાકૂટમાં તેને ચાથી સવાયો કાંટો ચડે છે. માથાકૂટના મુદ્દે મનુ ઉગ્રવાદી છે. તે કોઇ પણ વિષયની ઉગ્ર ચર્ચા કરે છે. તેનાથી ઊલટું મૂળજીભાઈ શાંત ચિત્તે માથાકૂટ કરી સામેવાળાનું ચિત્ત અશાંત કરી દે છે. સામેવાળાનું મગજ હાલી જાય પણ મૂળજીભાઈના પેટનું પાણી ય હાલતું નથી.

મૂળજીભાઈ પાસે એક ખૂબી છે તે કોઈ પણ સીધીસાદી વાતને ગજબની ગૂંચવી શકે છે. પછી એ ઉકેલવાના મુદ્દે એકબીજા સાથે શાંતિથી અખંડ દલીલો કરે છે. જેમ કુશળ ક્લાસિકલ ગાયક ગાતી વખતે એક રાગમાંથી બીજા રાગમાં સહજતાથી જઈ શકે છે એ રીતે મૂળજીભાઈ મૂળ વિષયને ચાતરીને અનેક વિષયોમાં આંટો મારી શકે છે અને દરેક મુદ્દા પર માથાકૂટ કરી શકે છે એટલે ઓનલાઈન માથાકૂટ કાર્યક્રમમાં મૂળજીભાઈ એવી નિરાંતે માથાકૂટ કરશે કે મનુ માથાકૂટનું માથું ફરી જશે. મૂળજીભાઈ તેને મૂળ મુદ્દો જ ભૂલાવી દેશે એટલે ભાવકોને ઓનલાઇન માથાકૂટ માણવાની મજા પડી જશે. મૂળજીભાઈનું કામકાજ નદી જેવું છે. નદી માટે જલન માતરી સાહેબ લખે છે કે…

 કેવા શુકને આપી હશે, વિદાય નદીને પર્વતે,
 નિજ ઘરથી નીકળી નદી, પાછી ફરી નથી.

કંઇક એવી જ રીતે મૂળજીભાઈ જે મુદ્દાથી માથાકૂટ શરૂ કરે પછી વિષયાન્તર દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિહાર કરતાં રહે છે. પણ મૂળ મુદ્દા પર પાછા આવતા નથી. આમ દર્શકોને વિષય વૈવિધ્યવાળી માથાકૂટ માણવા મળશે અને બમણો આનંદ થશે. વિદ્વાનોના વક્તવ્યમાં પણ જે વક્તા વિષયવાસના છોડીને વિહાર કરે છે અને મૂળ વિષય પર ક્યારેય પાછા ફરતા નથી તે લોકોની નજરમાં વિદ્વાન તરીકેનું સ્થાન પામે છે. બીજું કે ઓનલાઈન માથાકૂટમાં રસ ધરાવતાં સૌ કોઈ આમાં જોડાઈ શકશે. ઓનલાઇન માથાકૂટ શરૂ કરવાનો ચોક્કસ સમય હશે પણ પૂરું કરવાનો નિશ્ચિત સમય નહીં હોય કારણ કે માથાકૂટ ક્યારે પૂરી થાય તે  ચોક્કસ હોતું નથી. માથાકૂટનો કાર્યક્રમ આયોજક ધારે ત્યારે પૂરો ન કરી શકે. વળી ભાવકો પણ એવું ઇચ્છતા હોય કે ઓનલાઈન માથાકૂટનો કાર્યક્રમ વધુને વધુ લાંબો ચાલે એટલે આ કાર્યક્રમ અનંત છે. –:: ગરમાગરમ ::- અમારી વખતે બળવંત એવો વિદ્યાર્થી હતો કે તે જે શિક્ષક પાસે ભણતો તેની સાથે ય ભણ્યો હતો.

Most Popular

To Top