Health

તમે કેટલું જાણો છો એક દર્દીના હકો વિશે?

આપણે જ્યારે પણ તબીબને બતાવવા જતા હોઈએ છીએ કે હોસ્પિટલમાં દાખલ હોઈએ ત્યારે એક દર્દી તરીકે કે દર્દીના સંબંધી તરીકે એ દર્દીને કયા કયા હકો મળે છે એ અંગે આપણને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. આજકાલ તમે કોર્પોરેટ હોસ્પિટલમાં જાઓ તો લગભગ દરેક વોર્ડ પ્રમાણે ત્યાં પોસ્ટર દ્વારા કે કોઈ પણ અન્ય માધ્યમ દ્વારા દર્દીઓને મળતા હકો વિશે ટૂંકમાં માહિતી આપેલી હોય છે. જેમ કે ક્યારેક લિફ્ટમાં પણ પોસ્ટર લગાવેલું હોય છે જેથી તમે જ્યારે લિફ્ટમાં જાઓ છો તો એ લિફ્ટના તમારા 2 કે 1 મિનિટના સમયગાળા દરમિયાન તમે એના પર ઊડતી નજર ફેરવો તો એ વાત તમારા ધ્યાન પર આવે કે એક દર્દી કે સંબંધી તરીકે તમને શું શું હકો મળવાપાત્ર હોય છે.

એક અત્યંત સામાન્ય વાત કરીએ તો ઘણી વાર લિફ્ટમાં લખેલું હોય છે કે ડૉક્ટરોએ કે સ્ટાફના વ્યક્તિઓએ કોઈ પણ દર્દી વિશે જાહેરમાં વાત નહીં કરવી. એનું કારણ એક માત્ર એટલું જ છે કે કોઈ પણ દર્દી વિશે જાહેરમાં વાત કરીને એ દર્દી વિશે તમે અન્યને માહિતી પહોંચાડી નહીં શકો. વ્યક્તિની પોતાની એક પ્રાઇવસી હોય છે. એ કોન્ફિડેન્સીયાલીટી જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.

દુનિયામાં દરેક સરકારે પોતપોતાના નિયમો તો રાખ્યા જ છે પરંતુ ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા તમે જ્યારે સરકારી હોસ્પિટલોમાં જાઓ છો કે ખાનગી હોસ્પિટલમાં જાઓ છો ત્યારે તમને કયા કયા હકો મળવાપાત્ર હોય છે એ વિશેના નિયમો બહાર પાડવામાં આવે છે .જેને ચાર્ટર ઓફ પેશન્ટ રાઇટ્સ કહેવામાં આવે છે .આ અંગે કાયદાકીય ઘણા દસ્તાવેજો ઉપલબ્ધ છે. એ દસ્તાવેજો અંગે વધુ ચર્ચામાં ના પડતા આપણે એ જોઈએ કે આ ચાર્ટરમાં કયા કયા હકોનો સમાવેશ થાય છે. આપણે એ પણ નોંધવું કે આ એક જ અંકમાં આપણે જે મહત્ત્વના હકો છે એ અંગે વાત કરીશું નહીં કે ચાર્ટરમાં સમાવાયેલા તમામ હકો વિશે!

જાણકારી મેળવવા માટેનો અધિકાર:
દરેક દર્દીને એની માંદગી અંગે, એના નિદાન અંગે, એ કોઈ પણ પ્રકારના રિપોર્ટ કઢાવવા માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ તથા એનો કઈ રીતે ઈલાજ થશે એ અંગેની તમામ જાણકારી મેળવવા માટેનો હક હોય છે. દર્દીની સાથે સાથે તેમના સંબંધીને પણ આ કાળજી અને ઈલાજ હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા કઈ રીતે કરવામાં આવશે એ અંગે જાણકારી મેળવવાનો સંપૂર્ણ હક રહે છે.
રિપોર્ટસ અને રેકોર્ડ મેળવવા માટેનો હક:
દરેક પેશન્ટ કે એના દર્દીને તેઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે અસલી કાગળો કે એની કોપી જેમ કે કેસ પેપર કે એમના રિપોર્ટ વગેરે અંગે જાણકારી મેળવવાનો કે એ કાગળો મેળવવા અંગેનો હક રહેલો છે.

ગોપનીયતા તથા માનવીય ગૌરવ અંગેનો હક:
કોઈ પણ દર્દીની ગોપનીયતા જળવાઈ રહે તે માટેનો હક અર્થાત્ સાદી ભાષામાં વાત કરીએ તો દરેક વ્યક્તિને એમની પ્રાઇવસી અને સમ્માન જળવાઈ રહે એ અંગે સંપૂર્ણ હક છે. આ હક એટલે કે જે તબીબ છે જેમણે દર્દીને તપાસ્યા છે કે જે પણ સ્ટાફ છે જેઓ એમના સંપર્કમાં છે અને સારવાર કરી રહ્યા છે તેઓ દર્દીની બીમારી અંગેની વાતચીત જાહેરમાં કે અન્ય દર્દીઓ કે વ્યક્તિ જોડે નહીં કરે એ અંગે દર્દીને સંપૂર્ણ હક રહેલો છે. આ હક અંગે તમામ ડૉક્ટરો, સ્ટાફ વગેરેને સમયાંતરે ઉજાગર કરતા રહેવામાં આવતા હોય છે અને તેઓ ચોક્કસપણે આ નિયમ પાળતા જ હોય છે પરંતુ દર્દીને એવું લાગે તો દર્દી આ અંગે પણ તબીબ જોડે ચર્ચા 100% કરી શકે. વળી, સ્ત્રી દર્દીને એક પુરુષ ડૉક્ટર દ્વારા શારીરિક પરીક્ષણ દરમિયાન એક સ્ત્રી વ્યક્તિને ઊભી રાખવાનો પણ હક રહેલો છે.

બીજો અભિપ્રાય લેવાનો હક:
દરેક દર્દીને બીજો અભિપ્રાય લેવાનો હક મળે છે. દરેક દર્દી એમની ઇચ્છા અનુસાર યોગ્ય નિષ્ણાત પાસે બીજો મત / પરામર્શ મેળવી શકે છે.
દર્દીને ખર્ચ અંગે પારદર્શકતા જાણવાનો અધિકાર:
દરેક દર્દીને હોસ્પિટલમાં જ્યારે તેઓ દાખલ થતા હોય છે એ દરમિયાન સંપૂર્ણ બિલ અંગેની માહિતી તથા જેતે ખર્ચ અંગેની જાણકારી દાખલ થતી વખતે જાણવાનો હક રહેલો છે. દર્દી દાખલ થતા પહેલાં આશરે અંદાજિત ખર્ચ શું આવશે એ અંગે જાણકારી લેવા માટે હક ધરાવે છે.

કોઈ પણ જગ્યાએથી દવાઓ ખરીદવાનો કે પરીક્ષણ કરાવવા અંગેનો અધિકાર:
દરેક દર્દી કે એમના સંબંધીને એ પસંદગી કરવાનો હક રહેલો છે કે તેઓએ ક્યાંથી ટેસ્ટ કરાવે કે ક્યાંથી તેઓ દવા ખરીદે. કોઈ પણ પ્રકારની ફાર્મસીમાંથી તેઓ દવા ખરીદવા માટે સ્વતંત્ર છે અને એ જ પ્રમાણે લેબોરેટરી અંગે પણ જે NABL દ્વારા પ્રમાણિત લેબોરેટરી છે તેવી કોઈ પણ લેબોરેટરીમાંથી તેઓ ટેસ્ટ કરાવવા માટે છૂટ ધરાવે છે.
ક્લિનિકલ ટ્રાયલમાં જોડાયેલ દર્દીઓને રક્ષણ અંગેનો હક:
ટ્રાયલમાં કે સંશોધનમાં જોડાયેલા દર્દીઓને રક્ષણ મેળવવા અંગેનો હક રહેલ છે. કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલમાં જોડાતા દર્દીઓને પ્રોટોકોલ તથા ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસની GCH ગાઇડલાઇન્સ હેઠળ આ હકો પ્રાપ્ત છે.

દર્દીઓના શિક્ષણ અંગેનો હક:
દર્દીઓને તેમની પરિસ્થિતિ અને તંદુરસ્ત જીવનશૈલી, તેમના અધિકારો અને જવાબદારીઓ, દર્દીને સંબંધિત અધિકૃત રીતે આધારભૂત આરોગ્ય વીમા યોજનાઓ, ચેરીટેબલ હોસ્પિટલોના કિસ્સામાં સંબંધિત હક અને તેનું નિવારણ કેવી રીતે મેળવવું, તે અંગેના મુખ્ય તથ્યો અને હકીકતો વિશે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. વળી દર્દીઓને આ શિક્ષણ તેઓ જે ભાષા સમજે છે તે ભાષામાં જાણવાનો અને મેળવવાનો સંપૂર્ણ હક રહે છે.

ફીડબેક આપવાનો કે નિવારણ મેળવવાનો હક:
દરેક દર્દીને કે તેમના સંબંધીને યોગ્ય ફીડબેક આપવાનો, સેવાઓ માટે એમનો અભિપ્રાય આપવાનો કે કોઈ પણ એમની ફરિયાદ હોય તો તે એમને હોસ્પિટલના ડૉક્ટર કે હોસ્પિટલના સ્ટાફને જણાવવા અંગેનો હક રહેલ છે. ટૂંકમાં આવા અન્ય ઘણા હકો છે જે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં કે ખાનગી હોસ્પિટલમાં દર્દીને પૂરા પાડવામાં આવે છે અને સૌથી મહત્ત્વના આ તમામ હકોમાં ગોપનીયતા જાળવી રાખવા અંગેનો હક ખૂબ જ મહત્ત્વનો છે. દર્દીને એમની કોઈ પણ પ્રકારની બીમારી અંગે અન્ય દર્દી સાથે કે જાહેરમાં કોઈ પણ સ્ટાફ વાત ન કરે એનું ધ્યાન રાખવા માટેનો હક દર્દી પાસે રહેલો છે એટલે હવેથી ક્યારેય તમે કોઈ પણ દવાખાનામાં જાઓ તો તમને આટલું તો ખબર હશે જ કે તમને કેટલા હકો પ્રાપ્ત થાય છે અને એ માટે તમે સરકારની અધિકૃત વેબસાઈટ પરથી પણ આ અંગેના ચાર્ટસના તમામ હકોનું અધ્યયન ચોક્કસ કરી શકો.

Most Popular

To Top