Columns

પંકજકુમાર પટેલનું જૂઠાણું

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 16 મે, 2022ના દિવસે ગુજરાતના ‘પંકજકુમાર પટેલ વિરુદ્ધ એટર્ની જનરલ’ના કેસમાં પંકજકુમારની અરજી કે એણે ભૂલથી પોતે અમેરિકન સિટિઝન છે એવું જણાવ્યું હતું, આથી એને માફ કરી દેવો જોઈએ, એ અમાન્ય રાખી છે. વર્ષ માં પંકજકુમાર પટેલ અને એમની પત્ની જ્યોત્સ્નાબહેન અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસ્યાં હતાં. વર્ષ 2007 માં તક મળતાં પંકજકુમાર પટેલ અને જ્યોત્સ્નાબહેને એમનું ઈલ્લિગલ સ્ટેટસ એડ્જસ્ટ કરીને લિગલ બનાવવાની અમેરિકાના ઈમિગ્રેશન ખાતાને અરજી કરી હતી.

અમુક સંજોગોમાં અમેરિકાના ઈમિગ્રેશન ખાતાને એવી સત્તા આપવામાં આવી છે કે તેઓ એમને યોગ્ય લાગે તો અમેરિકામાં ગેરકાયદેસર એટલે કે ઈલ્લિગલી રહેતા પરદેશીઓનો વસવાટ કાયદેસરનો કરી શકે છે. પંકજકુમાર અને એમની પત્નીની એમનો ગેરકાયદેસરનો વસવાટ કાયદેસરનો કરવાની અરજી તપાસતાં ઈમિગ્રેશન ઓફિસરને જાણવા મળ્યું કે પંકજકુમારે જ્યોર્જિયા સ્ટેટમાં ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે અરજી કરી હતી. એ અરજીપત્રકમાં સવાલ પૂછવામાં આવ્યો હતો, ‘તમે અમેરિકન સિટિઝન છો?’ એ સવાલના જવાબમાં એમણે ‘હા’ ભણી હતી.

આ જૂઠાણાના કારણે ઈમિગ્રેશન ઓફિસરે એમની એડ્જસ્ટમેન્ટ ઑફ સ્ટેટસની અરજી નકારી હતી.  આ નિર્ણય વિરુદ્ધ પંકજકુમારે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલમાં એમણે એવું જણાવ્યું હતું કે ‘ડ્રાઈવિંગ લાઈસન્સની અરજી કરતાં ફોર્મમાં જે સવાલ પૂછવામાં આવ્યો હતો એના જવાબમાં જે ‘હા’ જણાવ્યું હતું એ ભૂલથી જણાવ્યું હતું.’અમેરિકાની સુપ્રીમ કોર્ટના સાત જજોની બેન્ચે ‘તમે ભૂલથી નહીં, પણ જાણીજોઈને હું અમેરિકન સિટિઝન છું એવું ડ્રાઈવિંગ લાઈસન્સની અરજી કરતાં જણાવ્યું હતું.

એ તમારી ભૂલ નહોતી, પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે તમે જૂઠાણું આદર્યું હતું.’ આવું ઠરાવીને પંકજકુમારની સ્ટેટસ ઍડ્જસ્ટ કરવાની અરજીને નકારી કાઢી હતી.  અમેરિકા જૂઠાણાં પ્રત્યે ભયંકર નફરત ધરાવે છે. તેઓ જૂઠાણાં બિલકુલ ચલાવી નથી લેતા. એમના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન ઉપર એક પરસ્ત્રી જોડે આડા સંબંધો હોવાનો આક્ષેપ મુકાયો હતો. એમણે એ નકાર્યો હતો પણ જ્યારે સોગંધ ઉપર એ વાત પૂછવામાં આવી ત્યારે એમણે સાચું બોલીને એમના એ સંબંધનો એકરાર કર્યો હતો. અમેરિકાની પ્રજાએ સચ્ચાઈ બદલ એમના પ્રેસિડન્ટને માફ કરી દીધા હતા. પંકજકુમાર પટેલે પણ સાચું બોલીને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે પોતે અમેરિકન સિટિઝન છે એવું જણાવ્યું હોત.

એ બદલ માફી માગી હોત તો કોર્ટે કદાચ એમને માફ કરીને એમની સ્ટેટસ એડ્જસ્ટ કરવાની, ઈલ્લિગલમાંથી લિગલ બનવાની અરજી મંજૂર કરી હોત.  અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં એવી અનેક સવલતો છે, જે તમને તમે કરેલ ભૂલ સુધારવાની તક આપે છે. તમે જો ઈમિગ્રેશનની બાબતમાં કંઈ ખોટું કર્યું હોય, જૂઠું બોલ્યા હોવ, સાચી હકીકત છુપાવી હોય, છેતરપિંડી આચરી હોય અને તમારા ઉપર અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી ગઈ હોય તો એ દેશના કાયદાઓમાં ‘વેવર’ એટલે કે માફીનો પ્રબંધ છે.

માફી માગીને, ખોટું બોલ્યા હતાં, સાચી બાતમી છુપાવી હતી, જૂઠાણાનો આશરો લીધો હતો એ કબૂલ કરો અને હવે તમારી ચાલચલગત સારી છે, ભવિષ્યમાં તમે ખોટું નહીં આચરો એવી ખાતરી આપો અને વેવરની અરજી કરો તો તમને એ દેશના કાયદા હેઠળ માફી મળી શકે છે.  તમે જ્યારે બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો ત્યારે ઈમિગ્રેશન ઓફિસરને તમને ત્યાં વધુમાં વધુ છ મહિના રહેવાની પરવાનગી આપવાની સત્તા છે. જરૂર પડતાં અમેરિકાના કાયદાઓમાં એવી સગવડ છે કે તમને આપવામાં આવેલો સમય અરજી કરીને લંબાવી શકો છો અને વધુમાં વધુ બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકામાં એક વર્ષ રહી શકો છો. 

એક પ્રકારના બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા બાદ ત્યાં બીજા પ્રકારના વિઝા ઉપર જે કાર્ય કરી શકાય એ કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થાય તો ઈમિગ્રેશનના કાયદામાં ‘સ્ટેટસ ચેન્જ’ કરવાની જોગવાઈ છે. નોન-ઈમિગ્રન્ટ તરીકે થોડા સમય માટે અમેરિકામાં દાખલ થયા હોવ અને પછી અમેરિકામાં કાયમ રહેવાની, ઈમિગ્રન્ટ બનવાની તક સાંપડે, કાયદેસર ઈમિગ્રન્ટ બની શકો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ‘ઈમિગ્રેશન ઍન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’માં ‘સ્ટેટસ ઍડ્જસ્ટ’કરવાની છૂટ આપવામાં આવી છે. તમારા લાભ માટે તમારાં અમેરિકન સિટિઝન ભાઈ યા બહેને ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એમાં તમારાં બાળકોને ડિપેન્ડન્ટ તરીકે દર્શાવ્યાં હોય, પણ વર્ષો પછી એ પિટિશન કરન્ટ થાય ત્યારે તમારાં બાળકોની ઉંમર એકવીસ વર્ષથી વધુ થઈ ગઈ હોય અને તેઓ તમારા ડિપેન્ડન્ટ કહેવડાવી શકે એમ ન હોય.

આવા સંજોગોમાં ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ હેઠળ તમારા બાળકની ઉંમરમાંથી અમુક સમય બાદ કરવાની સગવડ છે. જો પિટિશન એપ્રૂવ્ડ થયું હોય, પણ એની હેઠળ મળી શકતા વિઝા હજુ કરન્ટ થયા ન હોય એ દરમિયાન પિટિશનરનું મૃત્યુ થાય તો ‘સબ્સ્ટિટ્યુશન’ ની અરજી કરીને અમેરિકામાં રહેતાં તમારાં અમુક અન્ય સગાંઓ એ મૃત પિટિશનરની જગા લઈ શકે છે અને તમને એ પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થઈ શકે છે. અમેરિકામાં તમને રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થયા બાદ ત્યાં ૧૮૦ દિવસ વધુ રહો તો અમેરિકામાં છોડ્યા પછી ત્રણ વર્ષ સુધી તમને કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પુન: પ્રવેશ આપવામાં આવતો નથી. જો તમારો ગેરકાનૂની વસવાટ એક વર્ષથી વધુનો હોય તો આ પ્રતિબંધ દસ વર્ષનો થઈ જાય છે. આ ‘ત્રણ-દસ વર્ષના પ્રતિબંધ’માંથી પણ અમુક કારણસર અરજી કરતાં છુટકારો મેળવી શકાય છે. 

અમેરિકા દેશ સત્યનો જેટલો આગ્રહી છે એટલો જ એ અસત્ય બોલનારા અને આચરનારાઓને જો પશ્ર્ચાત્તાપ થાય અને તેઓ માફી માગે તો એમને માફી આપવાની ઉદ્દારતા પણ ધરાવે છે. પંકજકુમાર પટેલની જેમ તમે ‘હું અમેરિકન સિટિઝન છું’ એવું જૂઠાણું કદીયે દર્શાવતા નહીં. જો એ ભૂલ કરી હોય તો તુરંત જ માફી માગજો. કવિ કલાપીની પંક્તિઓ યાદ છે ને?…
‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે…’

Most Popular

To Top