Business

આ તે કેવો સરવાળો..કેવીક બાદબાકી ?!

ક્યારેક અમુક  ઘટના ન ધાર્યું હોય ને અચાનક બને ત્યારે  એ સુખદ પણ હોય શકે અને દુ:ખદ પણ..  થોડા સમય પહેલાં ‘ઈશિતા’એ એક કિસ્સો વાંચ્યો હતો. અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં વિકટર અમોલ નામની વ્યક્તિ   આમ તો ક્યારેય  લૉટરી – લોટોની  ટિકિટ ખરીદતી નહીં. એક રાતે એના સપનામાં એક ચોક્કસ  ૯ નંબરની લૉટરી ખરીદવાનો ‘આદેશ’ થયો. પહેલી વારના આ સપના પર વિકટરે ખાસ ધ્યાન આપ્યું નહીં. પછીની બે-ત્રણ રાત પણ  વિક્ટરને પેલી  ચોક્કસ નંબરની લૉટરીનાં સપનાં આવતાં રહ્યાં. વિક્ટરે જસ્ટ જિજ્ઞાસા ખાતર-કુતૂહલવશ પેલી  ચોક્ક્સ નંબરની એક અને એની આસપાસના નંબરની પણ બીજી ચાર લૉટરી ટિકિટ ખરીદી લીધી અને જ્યારે લૉટરી ડ્રો થયો ત્યાર એ અવાક થઈ ગયો. સપનામાં આવેલા નંબરવાળી  લૉટરી જ એને લાગી હતી. ઈનામની રકમ હતી પૂરી ચાર લાખ ડોલર અર્થાત  આપણા આશરે રૂપિયા ૨ કરોડ ૯૬ લાખ..!

 ઉમેરવાની જરૂર નથી કે વિકટરે પછી ખાધું- ઘણું બધું પીધું ને પછી મોજથી રાજ કર્યું! જો કે આ જ પ્રકારનું એક સપનું તાજેતરમાં અમેરિકાની જ એક લેડીને આવ્યું. એમાં કોઈ ચોક્કસ નંબરવાળી લૉટરી ટિકિટની વાત નહોતી, પણ વાત જરૂર હતી આર્થિક એટલે કે પૈસાની. ઊંઘમાં એને  જાણે કોઈ કહેતું હોય:  ‘તારો બૅન્ક અકાઉન્ટ ચેક કર.’  બે રાત આવા ભણકારા વાગ્યા પછી પેલી લેડી નામે મૅડી મૅક્ગિવર્ને મોડી રાતે નેટ બેન્કિંગ દ્વારા પોતાનો અકાઉન્ટ ચેક કર્યો તો એને અચરજ વત્તા આઘાત લાગ્યો. એના ખાતામાં બૅલેન્સ બોલતું  હતું :  ૪૯,૯૯૯,૯૯૯,૬૯૭ ડોલર  અર્થાત રૂપિયા ૩,૭૧૩ અબજ  !!

પેલી લેડીને તો ચોરસ ચોરસ ચક્કર આવી ગયા. વહેલી સવારે ઊઘડતી બૅન્કે એ દોડીને સીધી મેનેજર પાસે પહોંચી. પોતાનો અકાઉન્ટ ચેક કરાવ્યો પછી એના ખાતામાં બોલતી રકમ જોઈને બૅન્કવાળા બધા રાતોરાત ડોલરમાં બનેલી એ તાજી અબજપતિ લેડીને અહોભાવથી જોઈ રહ્યા.

લેડી મૅડી મૅક્ગિવર્ને પૂછ્યું : ‘મારા અકાઉન્ટમાં તો હમણાં સુધી માંડ ૭૬ ડોલર હતા એમાં આ અધધધ ધનવર્ષા થઈ ક્યાંથી?!’ ત્યાં એક સ્ટાફરે અકાઉન્ટનો આંક ફરી ચેક કર્યો ને કહ્યું : ‘મૅમ, ધ્યાનથી જુવો, આ તમારા અબજો ડોલરના આંકડાની આગળ આ માઈનસ સાઈન-ચિહ્ન છે..મતલબ એ કે આ રક્મ તમારા ખાતામાં જમા નથી થઈ પણ ઉધારવામાં આવી છે એટલે કે આ અબજોની રકમ બૅન્કને તમારે પરત કરવાની છે!’ આ સાંભળીને મૅડીનું  હૃદય જાણે ધબકતું અટકી ગયું.  ‘યે ક્યા હુઆ..કૈસે હુઆ?’  એની તપાસ પછી  ખુલાસો થયો કે કોઈના ખાતામાં ચોક્કસ રકમથી ઓછી બેલેન્સ હોય તો બૅન્કના આગોતરા સેટ કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આવી ૧૧ આંકડાની કોઈ લાંબી-પહોળી જંગી રકમ પેલા ખાતામાં આપોઆપ જમા થઈ જાય, પરંતુ ખાતેદાર આ રકમ ઉપાડી ન લે એ માટે પેલી જમા થયેલી રકમની આગળ માઈનસ સાઈન (-) સંજ્ઞા ઉમેરાઈ જાય જેથી કોઈ એ રકમ કાઢી ન શકે! મૅડી મૅક્ગિવર્નના કિસ્સામાં એ જ થયેલું.  આ બધો ખુલાસો થયા પછી બૅન્કે સ્વેચ્છાએ પેલા  ૪૯,૯૯૯,૯૯૯,૬૯૭ ડોલર એના અકાઉન્ટમાંથી બાદ કરીને મૅડીને ફરી ૭૬ ડોલરવાળી ‘અબજપતિ’ બનાવી દીધી!

જોગાનુજોગ આ ઘટના બની લગભગ એ જ અરસામાં ફ્લોરિડાની એક મહિલા જ્યુલિયા યોન્કોવસ્કીના ખાતામાં માંડ ૨૦ ડોલર હતા ત્યાં  પણ  રાતોરાત ૯૯,૯૯૮,૫૮૫,૫૧૨ ડોલર ઉમેરાઈ ગયા હતા!

 એક જેલ બદનામ કિંમત ‘ફક્ત’ ૨૮ કરોડ!

 આપણી  આઝાદીના અનેક લડવૈયાઓએ આકરી જેલ સજા ભોગવી છે. એ જેલ કોટડીઓ આજની પેઢીના મુલાકાતીઓ માટે પૂજનીય સ્થળ બની રહ્યાં છે. વિદેશોમાંય આપખુદી શાસકો સામે વિદ્રોહ કરી જેલવાસ ભોગવનારા અનેક છે. એમની પણ કોટડીના મુલાકાતીઓ ઘણા છે. જો કે આ બધા વચ્ચે એક વ્યક્તિએ જ્યાં બે વર્ષ કારાવાસ ભોગવ્યો એ જેલ આજકાલ ચર્ચામાં છે. ‘રીડિંગ ગેઑલ’ તરીકે ઓળખાતું એ જેલસ્થળ  લંડનથી ૪૮ કિલોમીટરના અંતરે છે. જેલસજા ભોગવનારી વ્યક્તિ હતી અતિ પ્રતિભાશાળી સર્જક ઑસ્કર વાઈલ્ડ ! વાર્તા- નવલક્થા-નાટક- કાવ્યો જેવાં  ક્ષેત્રમાં અંગ્રેજી સાહિત્યમાં અનન્ય પ્રદાન કરનારા આ આઈરિશ સર્જક અંગત જીવનમાં છેક છેલ્લે સુધી બહુ બદનામ રહ્યા. ધોખાબાજી- આર્થિક ગોટાળાંથી લઈને આડા સંબંધ અને વધુ પડતા નશા માટે કુખ્યાત આ અવ્વ્લ સાહિત્યકારે છેલ્લે છેલ્લે સજાતીય સંબંધના આરોપસર લંડન નજીકના  ‘રીડિંગ ગેઑલ’  કારાવાસમાં બે વર્ષની સખ્ત સજા ભોગવી. જો કે એ કોટડી વિશે એની લેખનશૈલીના ચાહકો અત્યાર સુધી ખાસ જાણતા ન હતા, પણ  હવે એ કારાવાસ કોટડી સમાચારમાં ચમકી છે કારણ કે ત્યાંના સ્થાનિક સત્તાવાળાએ બદનામ લેખક ઑસ્કર વાઈલ્ડની એ કોટડી લીલામ દ્વારા વેચવા કાઢી છે જેથી ત્યાં આ બદનામ લેખકની હસ્તપ્રતોનું મ્યુઝિયમ બનાવી શકાય.  જે ‘C-C-3’ તરીકે ઓળખાતી  જેલકોટડીમાં સખ્ત સજા ભોગવી એ વખતે ત્યાં રહીને  ઑસ્કર વાઈલ્ડે ૩૩ પાનાંનું એક મહા-કાવ્ય લખ્યું જેમાં એના કારાવાસના અનુભવો આલેખ્યા છે. એ કાવ્ય ‘ધ બલાડ ઓફ રીડિંગ ગેઑલ’ પાછળથી બહુ પંકાયું પણ ખરું. આ બધાં કારણસર આજે એની રીડિંગની જેલકોટડી વેચાતી લેવા માટે ઊંચી ઊંચી રકમ બોલાય છે. હમણાં છેલ્લામાં છેલ્લી એની  ઓફર ૨.૭ મિલિયન પાઉન્ડ અર્થાત આશરે રૂપિયા ૨૮ કરોડની આવી છે પરંતુ સરકારે એને નકારી કાઢતા કહ્યું : ‘ના રે, આવા ધુરંધર સર્જકના નામ સામે તો આ રકમ મગફ્ળીનાં ફોતરાં જેટલી છે!’

(બાય ધ વૅ, આપણા ઝવેરચંદ મેઘાણી- નર્મદ- દલપતરામ જેવા સર્જકોનાં જન્મસ્થળના લૅટેસ્ટ સમાચાર શું છે ?!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આ કયારેક તમારાથી એક નિયમ ભંગ થાય અને એ વાત જાહેરમાં સ્વીકારી માફી માગી લો એટલે એ વાત પૂરી થઈ ગઈ એમ તમે માનતા હો તો તમે ભીંત ભૂલો છો. તાજો દાખલો છે બ્રિટિશ સરકારના હેલ્થ મિનિસ્ટર મેટ્ટ હેનકોકનો. તાજેતરમાં એમણે પોતાની જ ચેમ્બરમાં એની અંગત મિત્ર એવી સિનિયર લેડી સેક્રેટરીને તસતસતું ચુંબન કર્યું. એ બન્નેની અજાણતામાં આ કિસનાં દ્રશ્ય ઑફિસના કલોઝ્ડ સર્કિટમાં ઝડપાઈ ગયાં પછી ‘સન’ નામના તોફાની અડધિયાંમાં એ વાયરલ થઈ જતાં ચોતરફ ઊહાપોહ મચી ગયો. સમય પારખીને મિનિસ્ટરે તરત જ જાહેરમાં માફી માગી લીધી કે ‘કોરોનાના આ કપરા સમયમાં બે વ્યક્તિ વચ્ચે જે અંતર જાળવવું જોઈએ- સોશ્યલ ડિસ્ટન્સનો મેં ભંગ કર્યો છે. સોરી !’ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરે પેલા મેટ્ટ હેનકોકની માફી તો સ્વીકારી લીધી પણ વિપક્ષોએ રાડો મચાવ્યો છે. એ કહે છે: ‘એઈ મિસ્ટર મિનિસ્ટર, કમાલ છો તમે. તમે પરણેલાં છો. તમારી સેક્રેટરી પણ પરણેલી છે છતાંય લગ્નેતર સંબંધ ધરાવો છો ને ઑફિસમાં ખુલ્લેઆમ કિસ કરો છો એ વાત સ્વીકારવાનેબદલે નફ્ફટાઈથી કહો છો: ‘સૉરી, અમે સોશ્યલ ડિસ્ટન્સ ન પાળ્યું !’
અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વપરાતો અક્ષર E છે અને સૌથી ઓછો ઉપયોગ થતો અક્ષર છે Q…!

  • ઈશિતાની એલચી * – દેવું-અગ્નિ-શત્રુ… એ ત્રણેયને ક્યારેય અધૂરાં ન છોડાય . બાકી રહી જાય તો ફરી માથું ઊંચકે. એમને એક વારમાં જ પતાવી નાખવા સારાં…!!

Most Popular

To Top