Business

માસ્ક પહેરવા બેસું તો…

એક ચહેરેપે કઈ ચહેરે લગા લેતે હૈં લોગ’—એવી પંક્તિ એકાદ વર્ષ પહેલાં સુધી ફિલ્મી ફિલસૂફીવાળી લાગતી હતી. કેમ કે, ત્યાં સુધી માસ્ક નામની ચીજ રોજબરોજના જીવનમાં દાખલ થઈ ન હતી. એપ્રનની જેમ માસ્ક પણ ડૉક્ટરો સાથે સંકળાયેલી ચીજ હતી. કેટલાક હાઇજીનપ્રેમીઓ ચહેરા પર માસ્કની જેમ રૂમાલ બાંધે તો ચોખલીયા ગણાતા હતા.

ચહેરાને અને સૌંદર્યને ગરમીથી બચાવવા માટે બહેનોએ આંખોથી નીચેનો આખો ચહેરો ઢંકાઈ જાય એવા દુપટ્ટા બાંધવાનું શરૂ કર્યું ત્યારે ‘બુકાની’ શબ્દનો અર્થ બદલાયો. નવાં બુકાનીધારીઓ બહારવટું કરવા માટે નહીં, ફક્ત ઘરની બહાર નીકળવું હોય તો પણ બુકાની બાંધતાં થયાં. તેમ કોરોના આવ્યો ત્યારથી માસ્ક ઓપરેશન થિયેટરમાં જ નહીં, સરેઆમ રસ્તા પર દેખાવા લાગ્યા. આ માસ્ક ‘ચહેરે પે ચહેરા’ જેવા ભલે ન હતા, પણ તે નાક નીચેનો આખો ચહેરો ઢાંકી દેતા હોવાથી, ચહેરો છુપાવવાનું કામ તો અસરકારક રીતે કરતા હતા. તેનાથી દેણદારોને તે આશીર્વાદરૂપ લાગ્યા. પરંતુ થોડા સમયમાં તેમને સિક્કાની બીજી બાજુનો અનુભવ થયો. પહેલાં લેણદારને દૂરથી જોઈને રસ્તો બદલી શકાતો હતો, પણ માસ્ક પહેર્યા પછી લેણદારો છેક નજીક આવી જાય ત્યાં સુધી તેમની ઓળખ થતી ન હતી અને ખ્યાલ આવે ત્યારે રસ્તો બદલી નાખવાનો સમય રહેતો ન હતો.

શરૂઆતમાં તો સીધાસાદા, ડાહ્યાડમરા, બેરંગ માસ્ક આવતા હતા પણ માસ્ક એકદમ જતા રહેવાના નથી એવો ખ્યાલ આવ્યા પછી તેમાં વૈવિધ્ય શરૂ થયું. શોખીનો રંગીન માસ્ક પહેરવા લાગ્યા. ‘મહામારી ભલે ને રહી, લગ્ન તો કરવાં જ પડે’ એવો ઉત્સાહ ધરાવતાં લોકો અને તેમના પ્રસંગમાં મહાલવા જતાં ફેશનપ્રેમીઓ નવાં ડીઝાઇનર્સ કપડાંની સાથે એ જ કાપડમાંથી માસ્ક પણ સીવડાવવા લાગ્યાં. મેચિંગ માસ્કની પરંપરા ઊભી થઈ. શક્ય છે કે કોઈ અભિનેતા-અભિનેત્રીને તેમની પાસે રહેલાં વસ્ત્રો વિશે પૂછવામાં આવે તો તે મોહક હાસ્ય કરીને કહે, ‘પહેલાં મેં ગણતરી રાખી હતી, પણ હવે મારી પાસે એટલા મૅચિંગ માસ્ક છે કે તેની ગણતરી નથી રહી.’

આપત્તિમાંથી અવસર શોધી કાઢનાર ગુજરાત સરકારે માસ્કને જનહિતની સાથોસાથ ‘જર-હિત’નો મુદ્દો બનાવી દીધા. (‘જર, જમીન અને જોરુ’માં આવે છે તે ‘જર’ એટલે કે રૂપિયા) આર્થિક રીતે મંદીગ્રસ્ત ગણાય એવા એક વર્ષમાં ગુજરાત સરકારે નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવાના દંડ લેખે રૂ. ૨૪૭ કરોડ જેવી તોતિંગ રકમ ખંખેરી લીધી. લોકોએ ઝાઝો વિરોધ કર્યો હોત તો સરકારે કદાચ તેને ‘માસ્ક ઇકૉનૉમી’ જેવું કોઈ નામ આપી દીધું હોત.

નાગરિકોએ માસ્ક પહેરવા જોઈએ તેમાં બેમત નથી પરંતુ હેલ્મેટની જેમ માસ્કનો પણ અવનવાં કારણસર વિરોધ થતો રહ્યો છે. માસ્ક બુકાનીની જેમ બાંધવાનો નથી હોતો પણ તેના બંને છેડે રહેલી ઇલાસ્ટિકની દોરી કાને ભેરવવાની હોય છે. કેટલાકને લાગે છે કે એ દોરી કાનને સતત ખેંચાયેલી અવસ્થામાં રાખે, તો તેમના કાન આગળ તરફ લચી પડે અને લાંબા ગાળે તેમના કર્ણસૌંદર્યનો અસ્ત થઈ જાય. કેટલાકની દલીલ હોય છે કે માસ્કથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એમ તો હેલ્મેટ પહેર્યા પછી ગુંગળામણ અનુભવતા અને ‘બહારનું સંભળાતું બંધ થઈ જાય છે’ એવી દલીલ કરનારા પણ હોય છે પરંતુ તેમાં સચ્ચાઈ કરતાં પ્રતિકારની ભાવના વિશેષ કારણભૂત હોય છે.

માસ્ક પહેરેલો હોય અને ન હોય—એ બંને સ્થિતિમાંથી માસ્ક વગરની સ્થિતિ સ્વાભાવિક અને સગવડદાયક છે પરંતુ માસ્ક ફૅશન માટે નહીં, સલામતી માટે પહેરવાનો હોય ત્યારે ‘શ્વાસ લેવામાં તકલીફ પડે છે’ એવી ફરિયાદ, સરકારને માફક આવે એવી ભાષામાં કહીએ તો, માસ્કને બદનામ કરવાનું કાવતરું છે. છતાં, દંડથી ખિસ્સું રુંધાય એના કરતાં માસ્કથી શ્વાસ રુંધાય એ વિકલ્પ ઘણા લોકો અપનાવે છે.

(કારણ કે શ્વાસ ખરેખર રૂંધાતો નથી હોતો. પણ માસ્કવિરોધીને એવું માનવું ગમે છે.) આવા સંજોગોમાં માસ્ક પહેરવા છતાં તે ન પહેર્યા જેવો વરતાય, તેના માટે અવનવા રસ્તા શોધી કાઢવામાં આવે છે. ઘણા ચશ્માધારીઓ જેમ ચશ્માનો ખપ ન હોય ત્યારે તે ચશ્મા માથે ચડાવી દે છે, તેમ ઘણા માસ્કધારીઓ માસ્ક પહેરેલો રાખીને, તેને નાક-મોં પર રાખવાને બદલે દાઢી અને ગળા સુધી ઉતારી દે છે. એમ કરવાથી માસ્ક પહેરવાની ‘ગુંગળામણ’ વેઠ્યા વિના માસ્ક પહેરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, તેનાથી વાઇરસ સામે રક્ષણ નથી મળતું, પણ એવી પરવા કેટલાને હોય છે?

ઘણા લોકો એક કાન પર માસ્ક લટકાવીને ફરે છે. તેનાથી જોનારને સ્પષ્ટ સંદેશો મળે છે કે આ ભાઈ કે બહેનને માસ્ક સામેનો વાંધો પૂર્વગ્રહપ્રેરિત નહીં પણ સૈદ્ધાંતિક છે. કેટલાક જનોઈધારીઓને માસ્કની દોરી કાન પર ચડાવતી વખતે જનોઈ કાન પર ચડાવવાની ક્રિયા યાદ આવી શકે છે. લાંબી દાઢી ધરાવનારા સજ્જનો અને અન્ય પ્રકારના લોકોની માસ્ક પહેરતી વખતે કસોટી થતી હશે કેમ કે તેમની ઘટાદાર દાઢીમાં માસ્ક ક્યાંય ખોવાઈ શકે છે. જોનારને માસ્કપ્રદેશ ક્યાં પૂરો થયો અને દાઢીપ્રદેશ ક્યાંથી શરૂ થયો તેનો ખ્યાલ એક નજરે આવતો નથી. કોરોનાયુગનું સાહિત્ય તો રચાયું છે ને રચાશે, સાથોસાથ માસ્કસંહિતા, માસ્કમહિમ્નસ્તોત્ર કે માસ્કસહસ્ત્રસમસ્યા જેવાં સર્જનો થાય તો માસ્કયુગનો મહિમા ભાવિ પેઢી જાણી શકે.

Most Popular

To Top