Columns

સૌથી બળવાન શું?: આત્મબળ

એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને ટુકડે ટુકડા કરી શકે છે.’ તો શિષ્યે ફરી પ્રશ્ન કર્યો: ‘લોખંડ કરતાં શ્રેષ્ઠ શું?’ બુધ્ધે જવાબ આપ્યો: ‘અગ્નિ, જે લોખંડને ગાળી નાખે છે.’ ‘તો અગ્નિ કરતાં શ્રેષ્ઠ પાણી છે, જે અગ્નિને ઠારી શકે છે,’ એમ બુધ્ધે જવાબ આપ્યો. હજુ શિષ્યને સંતોષ થતો નહતો, એણે પૂછ્યું: પાણીથી શ્રેષ્ઠ શું? તો બુધ્ધે કહ્યું: પાણીથી શ્રેષ્ઠ વાયુ છે. જે જળની પણ દિશા બદલી નાખે છે.’ અને વાયુથી બળવાન, શિષ્યની જીજ્ઞાસા ચીલુ જ હતી બુધ્ધે કહ્યું, વાયુથી બળવાન છે, મનુષ્યનું આત્મબળ, જે વાયુને પણ વશ કરી છે આત્મબળ સૌથી મહાન છે’ અને શિષ્યને સંતોષ થયો. એને શીખ મળી ગઈ હતી આત્મબળ એ માનવીની આંતરીક તાકાત છે, મનની શક્તિ છે, આત્માની શક્તિ છે ઋગ્વેદમાં કહ્યું છે કે, હે, મનુષ્ય તારી પાસે આત્મબળ નામની પ્રબળ શક્તિ છે. તેનો ઉપયોગ કર, તારા નિશ્ચયને કોઈ મિટાવી નહીં શકે. તું અડગ રહીશ, તો કોઈ મુશ્કેલીઓ તને ડગાવી નહીં શકે. હે, મનુષ્ય તું સૂર્યથી પણ બળવાન છે.’ કહ્યું છે કે,‘હજારો યોધ્ધાની તાકાત સામે મનુષ્યનું આત્મબળ જીત મેળવે છે.’

જે સૈન્ય પાસે આત્મબળ હશે, એ જીતી શકે છે, જેણે આત્મબળ ખોયું એની હાર નિશ્ચિત સમજવી. આ આત્મબળ શું છે એની ઘણાને ખબર નથી હોતી એટલે એને નિરાશાના વાદળો, સંકટ સમયે ઘેરી લે છે. અને એ હાર સ્વીકારી લે છે, કહો કે પરિસ્થિતિ સામે ઘૂંટણિયે ટેકી દે છે. એ સંકટની સ્થિતિ જોઈ પરિણામ જાતે જ નક્કી કરી લે છે, એ માની બેસે છે કે, સ્થિતિ સામે લડવું મુશ્કેલ છે, અને એથી એ પોતે જ પોતાની હારને નિમંત્રણ આપે છે. આપણે જોયું છે કે, રમતમાં એકાદ ખેલાડી છેલ્લે છેલ્લે એવું રમી જાય કે આખી બાજી પલટાવી દે છે, હારની અણી પર આવેલી રમતને જીતમાં બદલાવી નાખે છે આ છે તેનું આત્મબળ, આ છે તેની કાબેલિયત.

ગીતામાં શ્રી કૃષ્ણનો અર્જુનને અપાતો બોધ, એનું આત્મબળ જાગૃત કરવા માટેનો છે. કૃષ્ણ અર્જુનનું આત્મબળ જાગૃત કરે છે, એને યુધ્ધની સાચી સમજ આપે છે, લડવું એ ક્ષત્રિયનું કર્તવ્ય છે. જીત કે હારની પરવા કર્યા વિના તું યુધ્ધ કર. આ સંદેશ જીવનમાં પણ દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં ઉપયોગી છે.  હિમાલયના શિખરો સર કરનાર, કે ચંદ્ર પર જનાર માણસ જ છે, એણેય તકલીફો વેઠી હશે, પણ પડનારી મુશકેલીઓ. જાણવા છતાં ત્યાં જવા તૈયાર થનારનું આત્મબળ પ્રસંશનીય છે. એક પ્રાર્થનામાં કહ્યું છે,‘હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરો કી જયસે પહેલે, ખુદ વિજય કરે…’ અહીં મનની શક્તિ માટે જ પ્રભુને પ્રાર્થના કરી છે.’ મન મજબૂત તો સબ સલામત.’ મનને ન ડગવા દો, નિરાશા આવે તો ખંખેરીને, તમારા આત્મબળને ઢંઢોળો, જીત તમારી નિશ્ચિત છે.
-દુર્ગેશ ઉપાધ્યાય

Most Popular

To Top