Business

મનન મંથન એટલે જ અમૃત મંથન

સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો સત્યનું શરણું શોધે છે, કારણ સત્ય આચરણ વગર બધું શુન્ય છે. માનવી શું કે દેવ શું યોગથી સૌ કોઈ અમૃતને ઝંખતું આવ્યું છે. અમર થવા કોણ નથી ઇચ્છતું ? પણ આયુષ્યની યાત્રા લંબાવવાથી કંઈ અમર નથી થવાતું. જે જીવન અમૃતને પામે છે, અર્થાત્ જે પ્રભુ સાથે મનન-મંથન કરી જે આધ્યાત્મિક પ્રેમ અને આનંદ અનુભવે છે તે જીવાત્મા અમર બની જાય છે.

 આપણે જીવાત્માઓ પ્રભુ સાથે મનન-મંથન કરતાં પણ મને કેટલો લાભ મળશે એ પહેલું વિચારે છે. આપણે લાભને વ્યકિતગત બાબત ગણીએ છીએ. એનું કારણ એ છે કે આપણને ગળથૂથીમાંથી જ સ્વાર્થ રૂપી ઝેર પાવામાં આવે છે. અને એકવાર ઝેરની આદત પડી ગયા પછી એ ઝેર જ આપણું જીવન બની જાય છે. પરિણામે આપણા અંગત સ્વાર્થ સિવાયના કોઇ પણ કામનો પ્રતિકાર કરીએ છીએ. લાભ એટલે આપણા સ્વાર્થનો સંતોષ. જીંદગીની સિદ્ધિને આપણે આ પ્રકાર લાભ અને નુકશાનના કાટલાથી તોલીએ છીએ એટલે કયાંથી સાચા અર્થમાં પ્રભુ સાથે મનન-મંથન દ્વારા સીધી જ વાત કરી શકાય. ?

આધ્યાત્મિક અમૃતપાનનો આસ્વાદ અનુભવવો હોય તો સત્યમ્ શિવમ્ સુંદરમના સાંનિધ્યના આધારે, સત્યના આધાર વિના સ્નેહનું કોઈ મૂલ્ય નથી. સત્ય તથા સ્નેહનો સાધક સ્વાભાવિક રીતે જ આનંદનો ઉપાસક બની રહેવાનો આ અલૌકિક આનંદ એક એવું અમૃત બિંદુ છે કે જે જીવન જીવવાની કળા શીખવે છે. જન્મી તો સૌ જાણે છે, પણ જીવી જાણે તે જ સાચો ઉપાસક. આ ધરતી પર એવો કોઇ માનવી હશે ખરો કે જે આનંદનું આચમન કરવા નહિ ઇચ્છતો હોય ? પોતાનું સુખ તો સૌ ઝંખે છે પણ અન્યનું સુખ કોણ ઝંખે છે ? અમૃતનો ઉપાસક જે એમ કરી શકે. પોતામાં રહેલા અહમને જયાં સુધી માનવી ઓગાળતો નથી ત્યાં સુધી માનવી અમૃતનો ઉપાસક બની શકતો નથી. વિકારોરૂપી ઝેરને મન-બુદ્ધિમાંથી જાકારો આપ્યા વિના અમૃતપાન અનુભવી શકાતું નથી.

 વહેલા કે મોડા દરેક માનવીએ પોતાના સારા કે નરસા કર્મનું સરવૈયું માંડવું જ પડે છે. જાત સાથેની છેતરપિંડી ઝાઝો સમય ચાલતી નથી. છળથી બહારના માણસો છેતરાઈ શકે છે, પણ આત્માને અંધારામાં રાખી શકાતો નથી. સત્તા, સંપત્તિ કે પ્રતિષ્ઠા તાત્કાલિક લાભ દર્શાવે છે, કદાચ તેથી જ આપણે એના મોહમાં સપડાઈ જઈએ છીએ. આત્માનું ઊર્ધ્વીકરણ ન કરી શકે એ લાભ શા કામનો ? જિંદગીનો અંત દેખાય ત્યારે જો આપણે કર્મોનું સરવૈયું કાઢવા બેસીએ અને જો આપણે ખોટનો વેપાર કરી બેઠા હોઇએ તો પછી તે સમયે જીવનની ઉધાર બાજુને જમા બાજુમાં પલટાવવાનું મુશ્કેલ બની જાય છે.

 જીંદગીની દરેક ક્ષણ એ જીવતી ક્ષણ છે, પણ તે સાથે તે મૃત્યુની પણ ક્ષણ છે. એમ માનીએ તો લાભ અને નુકશાનને આપણે આપણી આંખો વડે નહીં પણ અન્યની આંખો વડે જોઇશું. આપણને આપણી ભૂલો આવરણ મૂકીને જોવાની ટેવ છે, જયારે બીજાના દોષો માઇક્રોસ્કોપથી જોવાની ટેવ છે. પરિણામે સ્વાર્થના કૂંડાળાની બહાર કદી જઈ શકતા નથી. આ સ્વાર્થના કૂંડાળામાંથી બહાર નીકળવાનો ફકત એક જ માર્ગ છે અને તે છે પ્રભુ સાથે અંતરની આરાધના, સાચા દિલની પ્રાર્થના અને મનન-મંથન દ્વારા મન-બુધ્ધિનો તાર સત્યમ્ શિવમ્ સુંદરમ્ સાથે જોડવો.

તમે પણ અમૃતના ઉપાસક છો. કદાચ તમને એની ખબર નથી. એકવાર અંતરના અરીસામાં જોશો તો તમને તમારો સાચો ચહેરો જરૂર દેખાશે. તો પછી સત્ય તમારા સાથમાં હશે, સ્નેહની તમને હૂંફ હશે. અને તમે આનંદ યાત્રી બની જશો. આનંદનું અમૃત સત્ય અને સ્નેહનું અમૃત આપણાથી એક વેંત પણ દૂર નથી. આપણી પાસે જ છે, આપણામાં જ છે. તો પછી તેને કેમ ન પામીએ !  મિત્રો, ચાલો આપણે પ્રભુ પિતાના સાનિધ્ય સાથે અંતરનો વાર્તાલાપ કરીએ. મનન-મંથન કરીને અમૃત મંથન કરીએ અને એનો આધ્યાત્મિક આનંદ આપણે અનુભવીએ અને આપણા સહ પરિવારને એવો આનંદનો અનુભવ કરાવવા પ્રેરણા સ્ત્રોત બનીએ એવી શુભકામના સાથે ઓમ શાંતિ…

Most Popular

To Top