Business

“સર્વકર્તા તો એક પરમાત્મા”

આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને ભોગવનાર ચક્રવર્તી રાજા મહીપતિનાથને ત્યાં ઘણાં સમય બાદ રાજકુમારનો જન્મ થયો, જે “પ્રબુદ્ધ” નામે પ્રખ્યાત થયો. ખૂબ જ લાડકોડમાં ઉછરેલા તેણે એક વાર અમુક બાળકોને‘થુલું’  (એક પ્રકારની અતિ તુચ્છ ધાનનો ખોરાક)ખાતાં નિહાળ્યાં. તે બાળકો સ્થિતિએ ઘણાં જ ગરીબ હતાં. આ વસ્તુને નિહાળી રાજકુમારે બાળ બુદ્ધિવશ જીદ કરી કે“મારે થુલું ખાવું છે.”રાજા, રાણી સૌ વિચારવા લાગ્યા કે જે રાજકુમારને રાજશાહી ભોજન અને ૫૬ પકવાનોનો થાળ આપવો ઘટે, પણ એ આવી નગણ્ય વસ્તુ માટે રડે છે. વળી આ તો રાજ-દરબારની પ્રતિષ્ઠાને પણ ન છાજે માટે ભલે જીદ કરે….એમ તેને વશ ન થયા.મિત્રો! જેમ રાજકુમાર રાજાના ખોળે ઉછરીને પણ ક્ષુલ્લક વસ્તુ માટે રોકકડ ને કાકલુદી કર્યા કરે છે તેમ જ આપણી સ્થિતિ પણ અબુદ્ધ પ્રબુદ્ધ જેવી જ છે.આ જ આપણું અજ્ઞાન છે. ભક્તને માટે ભગવાનને ભૂલીને બીજું જે કાંઈ ઇચ્છવું તે આવી કાકલુદી જ છે. ભગવાનનો આવો અપરંપાર મહિમા ગાતાં શ્રી કૃષ્ણ કહે છે-

  • “एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय।
  • अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥”(૭/૬)
  • “मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय।
  • मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥”(૭/૭)

અર્થાત્ “હે અર્જુન ! અખિલ પૃથ્વીની ઊત્પત્તિ, સ્થિતિ ને પ્રલયને હું જ કરું છું. મારાથી પર કોઈ તત્ત્વ જ નથી. જેમ તંતુમાં મણિઓ ગુંથાયેલા છે તેમ સર્વ જગત મારામાં રહેલું છે.” જેમ રાજાની અપાર સત્તાને જાણ્યાં વિના રાજકુમાર આક્રંદ કરે તેવી જ રીતે મનનાં આવેગોથી આવિષ્ટ થઈ અર્જુને પ્રથમ અધ્યાયમાં આર્તનાદ પોકારેલો કે, “હે ભગવાન ! સ્વજનોને હણીને કેવી રીતે સુખી થવાશે?”(૧/૩૭) તો ‘ધર્મ નાશ થતાં કુળ નાશ થશે.’(૧/૪૦) ‘અરે, આપણે કેવું મોટું અનર્થ, પાપ કરવા ભેગા થયા છીએ.’(૧/૪૫) મોહિત થવાથી પાર્થ ભુલી ગયો છે કે “ધર્મનું સ્થાપન કરનારા, પાપ-પુણ્યનું ફળ નક્કી કરનારા અને ભક્તોને સદા સુખી જ કરનાર કૃષ્ણ તો મારી સાથે છે.”

તેથી જ ભગવાન તેને નિશ્ચિંત કરવા અને પોતાને થયેલ અદ્ભુત પ્રાપ્તિ જણાવતાં આ ઉચ્ચારે છે. આધુનિક સમયમાં મહાવિચક્ષણ પુરુષોની યાદીમાં મૂર્ધન્ય કહી શકાય એવા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે; “પ્રત્યેક સર્જનના સર્જક માત્ર પરમાત્મા જ છે, જે આ સુંદર પૃથ્વી પર દરેકને તક આપે છે. તેમાંથી જ હું છું, જેણે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે ભગવાનની કૃપા અને તેની ઇચ્છાથી જ થયું છે. ભગવાને અસાધારણ શિક્ષક અને મિત્રો દ્વારા મારી સહાય કરી જેનો હું આભાર પ્રગટ કરું છું. ખરેખર, રોકેટને મિસાઈલ જેવા તમામ કાર્યના કર્તા પરમાત્માજ છે.

જેઓએ એક નાના વ્યક્તિને નિમિત્ત બનાવ્યો, જેનું નામ છે કલામ.” ઘણાં પોતાના પરમાણું સમાન પ્રયત્નને જ પર્વત ગણાવી સ્વશ્લાઘા કરતા હોય છે જ્યારે મહાપુરુષો તો પોતાના પર્વત સરીખા પુરુષાર્થને પરમાણુથી પણ તુચ્છ ગણી માત્ર પ્રભુકૃપાને જ સિદ્ધિનું મૂળ ગણાવે છે. જે વાત ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે. તદુપરાંત “ભલે ભગવાન જ સર્વ કારણ હોય પરંતુ કાર્ય કરવામાં આળસ, પ્રમાદ ત્યજી પ્રચંડ પુરુષાર્થ તો અવશ્ય કરવો જ.” ઘણીવાર આવો મહિમાનો વિચાર અકર્મણ્યતા લાવી દે છે. પરંતુ મહાપુરુષો આપણને આમાં બેલેન્સ કરતા શીખવાડે છે.

તારીખ ૨૦/૦૭/૧૯૮૫ ના દિવસે લંડનમાં સુવર્ણતુલા દરમ્યાન વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનમાં અને વિચારોમાં સદા કેન્દ્ર સ્થાને રાખેલા ભગવાન અને ગુરુની વાત કરતાં કહ્યું કે “આ અક્ષરપુરુષોત્તમ સંસ્થાની સેવા એ મારી શક્તિ બહારની વાત છે ! પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને વંદન – તેમની કૃપા અને આશીર્વાદ છે તો તેના લીધે તમારી સામે ઊભો છું. ભગવાનની કૃપા-મરજી વગર કંઈ થતું નથી…” તેઓની જીવન સરગમના પ્રત્યેક સૂરમાં “ભગવાન જ કર્તા છે.” એ તો જરૂર સંભળાય જ છે પરંતુ સમગ્ર વિશ્વમાં કરેલા પ્રચંડ પુરુષાર્થને આજે કોણ નથી જાણતું?  આમ ભગવાનને સર્વકર્તા માનીને આળસ કરીને બેસી રહેવું એ ભગવાનનો મહિમા જાણ્યો ન કહેવાય. માટે કાર્ય કરતા જ જાઓ.  એક પછી બીજું, ત્રીજું…. સફળતા અને નિષ્ફળતા ભગવાન પર છોડી દો.

Most Popular

To Top