Business

તમારા પોતાના નામે રજીસ્ટર્ડ હોય એવું સાહસ કયું ?

એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના પાણીમાં ડૂબકી લગાવશે એ જો નર હશે તો રાજા અને નારી હશે તો રાણી બની જશે. આ વાત સાંભળીને વાંદરા એ સીધી છલાંગ લગાવી, એ પાણીની બહાર આવ્યો ત્યારે ખરેખર રાજા બની ગયો હતો. એને આજુબાજુમાં નજર કરી પણ ક્યાંય એને એની રાણી ના દેખાણી એટલે એને ઉપર જોયું તો ઝાડ પર વાંદરી એમની એમ જ બેઠી હતી. એને પૂછ્યું કે, ‘એલી તે કેમ કૂદકો ના માર્યો?? તો વાંદરી કહે કે મને એમ થયું કે કદાચ હું રાણી ના બની હોવ તો?? …. રાણી ના બની હોત તો કઈ નહીં પણ વાંદરીમાંથી તો ના મટી જાત ને!!!

આપણને પણ આમ જ ઘણીવાર આવા  ‘તો’ નડતા હોય છે. જો હું નાપાસ થયો તો?? જો પેલી મને ના પાડશે તો??  જો પેમેન્ટ નહિ આવે તો?? જો આ ધંધો નહિ ચાલે તો?? હું હારી જઈશ તો?? આવા કેટલાય તો છે કે જે આપણને આગળ વધતા અટકાવી રાખે છે. સાહસ વિના સિદ્ધિ નહિ વરે !! આપણે સાહસ જ નથી કરતાં , હારવા કે પાડવાની બીકે. પણ એના વગર છૂટકો જ નથી. ઘુંટણ છોલાવ્યા વગર કોણ ચાલતા શીખ્યું છે? આપણને ખબર જ છે કે રસ્તા પર વાહનોના એકસિડન્ટ થાય છે. કેટલાંય લોકો ના જીવ જાય છે, તો પણ આપડે વાહનો ચલાવવાનું બંધ કરી દઈએ છીએ ??

તો પછી બીજા લોકો આ આ કામ કે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને તેઓ નિષ્ફળ ગયા હતા એટલે મારે એ ના કરવું જોઈએ એવું શું કામ માની લેવું જોઈએ?? આફ્ટર કોરોના હવે જયારે લગભગ બધું જ ઓલમોસ્ટ ખુલી ગયું છે, રેગ્યુલર જેવું થવા માંડ્યું છે ત્યારે ઘણા બધા સ્ટાર્ટ અપ પણ થવા લાગ્યા છે. દરેક કામ આપણા પહેલા કોઈક એ કરી જ લીધું હોઈ છે. એ સફળ કે નિષ્ફળ ગયા હોઈ એનો અર્થ એ નથી કે આપણી સાથે પણ એવું જ કંઈક થશે. આપણી પહેલા પણ કેટલાય લોકો દશમું, બારમું, ડિગ્રી ભણીને ગયા જ છે તો શું આપડે જેમને ઓળખતા હોઈએ એવું જ આપણું પરિણામ આવે છે?? નહીં ને!! તો પછી શું કામ માની લઈએ કે આ મગન ખોટમાં ગયો એટલે છગન પણ ખોટમાં જ જશે!!

દોસ્તો!! હું કોઈ જ પ્રકારના મોટિવેશન કે પછી ય હોમ કરીને ગમે ત્યાં કૂદી જાઓ એમ નથી કહેતો. જોયા જાણ્યા વગર ગમે ત્યાં ઘુસી જવું એ તો ખરેખર મુર્ખામી જ કહેવાય. સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ એ સ્ટાર્ટ અપ હોય કે સંબંધ. પણ મારે એટલું જ કહેવું છે કે લાઈફ ઇઝ લાઈક લેબોરેટરી. જ્યાં સીધા જવાબો નથી મળતા, ત્યાં પ્રયોગો જ કરવા પડે છે. આપડે આપણા જીવન સાથે રોજેરોજ એક્સપેરિમેન્ટ કરતા જ રહે પડશે. નહીંતર તો આપડે આપડે આપણી સીમાઓ બાંધીને બેસી જઇશુ. આપણે જ આપણી ડેડલાઈન નકકી કરી ને રાખી દઇશુ. એના કરતાં એક ડગલું વધવાનું તો દૂર પણ એવું વિચારી પણ નહિ શકીયે.

ડીયર દોસ્તો!! આપડે આપણી જાત પર જ પ્રયોગો કરવાના છે જ્યાં સુધી આપણે અખતરા નહીં કરીયે ત્યાં સુધી આપડે ફક્ત ધારણા બાંધીશુ કે આ આપડાથી થશે કે નહિ થશે!! લોકો શું કહેશે?? બીજા શું વિચારશે? અરે છોડો!! હારી ગયા તો શું થઈ ગયું?? એટલીસ્ટ કશુંક શીખવા તો મળ્યું. જો આમ ના કરાઈ એમ ધારીને ઘેર જ બેસી રહેવાથી કઈ જ મળવાનું નથી. હું તો મારા વિદ્યાર્થીઓને પણ કહેતો કે, જેમને નથી આવડતું એનો ઓપ્શન છે, પણ જેમને નથી જ કરવું એનું કોઈ જ સોલ્યુશન નથી. જાતે પડશું તો જાતે ઉભા થવાની હિમ્મત આવશે. નહીંતર દર વખતે કોઈનો સહારો લેવાની ટેવ પડી જશે જે કાયમી હાથ-પગ હોવા છતાં આપણને પાંગળા બનાવી દેશે. સ્વતંત્ર દેશમાં ગુલામ તરીકે જીવીશું આપડે અને એક અફસોસ તો કાયમી રહી જશે કે સાલું, આપડે પ્રયત્નો જ ના કર્યા. શરુ કર્યું હોત તો કરી બતાવ્યું હોત. અમારા સુરતના કવિ કિરણસિંહ ચૌહાણની મને ગમતી પંક્તિ ,

  •          ‘દિવસે વિકસે ને રાતે વિકસે,
  •           વાત તો વાતે-વાતે વિકસે.
  •           ‘ને દ્રોણ હવે કરો અર્જુનની ચિંતા,
  •            આ એકલવ્ય તો જાતે-જાતે વિકસે.’

આપડે આપડી જાતને વિકસાવવી જ પડશે. નહીંતર ભવિષ્યમાં આપડે કોઈ વાત માટે હર વખત બીજાઓના જ દાખલાઓ દેવા પડશે. આપડો પોતાનો કહી શકાય એવા સાહસના નામે કંઈ જ રજીસ્ટર નહીં હોય.

Most Popular

To Top