Comments

એક ઉલ્કા ત્રાટકે ને આ અનુપમ પૃથ્વી વિનાશ પામે તો?

જે શાશ્વત છે તેને ઓળખવા જાગૃત રહીએ  હમણાં સાયન્સ ક્રિકશન દર્શાવતી એક શોર્ટ ફિલ્મ વાયરલ થઈ છે. પ્રારંભે  સૅટલાઈટથી સમગ્ર પૃથ્વી દેખાડવામાં આવે છે અને ક્રમશઃ કૅમેરો ટેલીફોકસ થતાં થતાં  અમેરિકાના ન્યૂયોર્ક શહેર ઉપર સ્થિર થાય છે. ન્યૂયોર્ક શહેરના રસ્તાઓ ઉપર વાહનોની ભીડ-ભાડનું દૃશ્ય હતું કોઈ વાહનનો અકસ્માત થાય તો લાલ લાઈટથી દર્શાવવામાં આવતું. પૂરા એક અઠવાડિયા સુધીનાં દૃશ્યો દોઢ મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં  આવતાં. ટી.વી.નાં સ્ક્રીન ઉપર વાહનોની વણજારનાં જાળાં વચ્ચે લાલ-લાલ ટપકાંઓ  ફુટતાં હોય તેવું દર્શાવવામાં આવ્યું.

વાહનોની આવન-જાવન અને અકસ્માતોથી રંગાતા ન્યૂયોર્ક સીટીનું દૃશ્ય પછીથી આકાશગંગામાં પરિભ્રમણ કરતા તારા, ગ્રહો અને ઉલ્કાઓનાં બ્રહ્માંડમાં પરિવર્તિત થાય  છે અને જ્યારે ઉલ્કાઓ પરસ્પર અથડાય છે ત્યારે પણ પ્રકાશપુંજ પથરાતો દેખાય છે. વર્ષ ૨૦૨૦ના ૩૬૫ દિવસનાં બ્રહ્માંડનું દર્શન ૪ મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં આવતાં જાણે બ્રહ્માંડમાં પણ ન્યૂયોર્ક સિટીનાં વાહનોની દોડધામ અને અકસ્માતો પ્રકારનાં દૃશ્યો સમરૂપ રીતે જોવા મળે છે. આ રીતે હકીકતોનો આધાર લઈ ત્રીજા દૃશ્યમાં ફિલ્મકાર પૃથ્વીના ગ્રહ તરફ આવી રહેલ અને સંભવતઃ ડિસેમ્બર ૨૦૨૭માં પૃથ્વી સાથે અથડાવવાની શકયતા ધરાવતાં ઉલ્કાના આગમની કાલ્પનિક સ્થિતિ એનિમેશનરૂપે દૃશ્ય બતાવી કહે છે કે રોડ અકસ્માત જેટલી જ સહજ સ્વરૂપની આ અવકાશી ઘટના પૃથ્વીવાસીઓ ઉપર બને તો શું થાય?

ફિલ્મકારે એક સાયન્સ ફ્રિક્શન તરીકે વિષય વસ્તુને પસંદ કર્યું હોઈ સુપર કમ્પ્યૂટર અને અવકાશ વિજ્ઞાનીઓની મદદથી આવી રહેલ ઉલ્કાનાં કદ, પ્રવેગ અને ગુરુત્વાકર્ષણબળની ગણતરી કરી ચોથા દૃશ્યમાં દેખાડે છે કે પૃથ્વીનાં ચુંબકીય વાતાવરણમાં ઉલ્કાનો પ્રવેશ થતાં પ્રથમ ૬૦ ક્લાક દરમિયાન પૃથ્વી ઉપર ચક્રવાત પવન સાથે દરિયાઈ તોફાન ઉદ્દભવે છે. જવાળામુખી સક્રિય થતાં ધરતીકંપના આંચકાઓ શરૂ થવા  લાગે છે. પૃથ્વી તરફ આગળ વધતી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે પછી ૩ર  મિનિટમાં આકાશ સૂર્ય જેટલા ઉજાસથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં ૧૮ થી રર ડિગ્રી તાપમાનનો વધારો થઈ જાય છે. ઉલ્કા પૃથ્વી ઉપર પટકાતાં તો ધૂળનાં કાળાં  વાદળોમાં બધું ઢંકાઈ જાય છે. ટી.વી. ઉપર લગભગ ૧૧ સેકન્ડ માટે કાળું ધાબું  દર્શાવવામાં આવે છે.

૫૦ દિવસનાં અંતરાલ પછી સેટલાઈટ કૅમેરા ફરી સક્રિય થતાં ફિલ્મકાર પૃથ્વી દર્શાવે છે. પણ ઠેર-ઠેર માત્ર ઈંટ, પથ્થરનાં ઢગલાં દેખાય છે. દરિયાનાં ગરમ પાણીથી  મૃત્યુ પામેલ જળચરનાં કાંઠે આવેલ ઢગ દર્શાવાય છે. ઉષ્ણતામાનનાં ફેરફારથી ફુંકાએલ  હરીકેને જંગલોને ઉજ્જડ કર્યાના અને દુગ્ધ પ્રાણીઓની લાશો દેખાડવામાં આવે છે. ફિલ્મનાં અંતિમ દૃશ્યમાં ફિલ્મકાર પૃથ્વી સાથે અથડાયેલ ઉલ્કા પછીનાં વરસાદનાં લીધે જમીનમાં પડી રહેલ બીજને પુનઃ અંકુરિત થતાં શીળા પવનમાં લહેરાતા અને આકાશી ભૂરા રંગનાં શાંત દરિયાની સપાટી ઉપર વહેતી જેલીફિશ દર્શાવી એક  પથ્થર ઉપર ચોંટીને બેઠેલા તમરાનો પડઘાતા અવાજ સાથે ફિલ્મ પૂરી કરે છે.

પૃથ્વી ઉપર બ્રહ્માંડની કોઈ ઉલ્કા અથડાય પૃથ્વી ઉપરનાં અનુપમ સૌંદર્ય ‘સુજલાં. . સુફલાં. . મલયજ શીતલામ. . . ‘કાવ્યમાં જીવસૃષ્ટિ અને પ્રકૃતિની જે એકરૂપતા દર્શાવી છે તૂટી જશે અને ફરી નવ નિર્માણ પ્રારંભાશે. પરંતુ ‘સૂવા (મરેલા)ની સંગાથે કોલ જાતુ નથી રે’ તેમ ભજનિકો જ્યારે ગાય છે ત્યારે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત  છે કે પૃથ્વીના નાશ પછી માણસની પદવી, મિલકત, સંબંધ, સંપ્રદાય, જાતિ જેવી જે  કંઈ બાબતો જે વ્યક્તિના નામ આસપાસ ગોઠવાય છે તે સઘળી અર્થહીન બની જશે.

આ યાદી સ્મશાનવત્ શાંતિ અને ભય પમાડનારી છે. બ્રહ્માંડનું પ્રદર્શન કરનાર ઍસ્ટ્રોનોમર વૈજ્ઞાનિક છે. આથી શું બચશે, તેવો સવાલ  પણ તરતો મૂકે છે. કબીર સાહેબે માટીનું વાસણ તૂટી જતાં ફરી માટી, તેમ દરિયાનો પરપોટો ફૂટી જતાં ફરી દરિયા સ્વરૂપની શાશ્વતતા દોહરામાં મૂકી છે. ઉપનિષદમાં તપસ્વીઓ ઊડતી હિમશીલાની વાત કરી દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તેમ જણાવે છે. ગીતાકાર કૃષ્ણે તો માનવશરીરને ઊર્જા સ્વરૂપે જાણી સૂક્ષ્મ અને કારણરૂપ શરીરને પણ સ્પષ્ટ કરી બતાવ્યું છે. વેદાંત નેતિ નેતિ કહે છે. અર્થાત શરીર નથી, પ્રાણ નથી, મન બુદ્ધિ કે અહંકાર નથી, આત્મા તો આ સર્વના ચાલક કે પ્રેરક ચૈતન્યરૂપ છે. ચૈતન્ય  સ્વરૂપે પ્રગટ થતું ઊર્જાનું સ્વરૂપ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી. સ્ત્રી કે પુરુષ કે માતા-પિતા નથી. ચૈતન્ય સૂક્ષ્મતમ છે, સર્વવ્યાપી છે. પૃથ્વીના પરિઘથી પરે છે. તે ફિલ્મકારનો તાર્કિક સંદેશ કથાનક બની સ્પષ્ટ થાય છે.

તું પૌરાણિક કથા અનુસાર ઉદ્દાલક આરુણિ પોતાના પુત્ર શ્વેતતુને કહે છે, ‘તત ત્વમસિ-તે આત્મા જે પૂર્ણ છે તે તું છો.’ સંસારની ઉપાધિઓ-વ્યવહારો મણિમાળાના મણકા જેવાં રંગેરંગ અને આકારમાં અલગ ભાસે છે. પણ એજ સૂત્રથી. એક અધિષ્ઠાનથી પરોવાયેલ છે. વેદ તેને પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કહીને ઉર્જાના સાર્વત્રિક વ્યાપને જ માન્ય રાખે છે. ઉપનિષદ કહે છે સર્વનાશ થાય, પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિનો અંત આવી જાય તે પછી પણ આત્માર્થી બચે છે. બુદ્ધ, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ

જેવી વિરલ વ્યક્તિઓ સદેહે શરીર અને સંસારના નાશવંત સ્વરૂપથી ઉપર ઊઠી આત્મ  તત્વની સનાતન સ્થિતિને દર્શાવી છે. વિજ્ઞાન જણાવે છે કે મહાવિનાશ પછી જે બચશે  તે કેવળ ઊર્જા હશે. ગીતાકાર શ્રીકૃષ્ણએ કહ્યું છે: બ્રહ્નેવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના. (૨.૪, શ્લોક-૨૪) બ્રહ્મકર્મમાં સ્થિર રહેનાર યોગીઓને મળનાર ફળ પણ બ્રહ્મ જ છે. ઈશ્વરને ઊર્જા સ્વરૂપે સમજવાનાં સંસ્કાર કેળવણી આપણી સંસ્કૃતિમાંથી મળે છે. પરંતુ જગતના ધર્મો અને સંપ્રદાયોએ અનુકૂલન અર્થે વ્યાખ્યાચિત કરાયેલ સત્ય અને પૃથ્વીના નાશ પછી પણ છેવટે બચનાર સ્વર્ગ, હેવન કે જન્નતની ચિત્રાવલી ભ્રામક છે. ત્યારે સાધકોએ ચિંતન કરતા રહી જવાબ શોધવો જ રહ્યો કે આખરે શું બચશે? મુમુક્ષુ તરીકે પ્રયત્ન કરતા રહીએ અને જે અંતે બચવાનું છે તેને જ પાસે રાખી બાકીનું અત્યારથી છોડતા જઈએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top