Charchapatra

નવા વર્ષની ઉજવણીને શરાબ સાથે શું સંબંધ?

આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જ્ઞાતિના, દરેક સંપ્રદાયના પ્રજાજનો, પોતાનો ધર્મ પાળી શકે છે અને પોતાનો તહેવાર કે પર્વ રાજીખુશીથી મનાવી શકે છે. પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી એક અલગ અને નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે, કોઈ પણ પર્વ કે તહેવારની ઉજવણીના ભાગરૂપે શરાબનું સેવન અનિવાર્ય બની ગયું છે. નવી પેઢીનાં યુવક અને યુવતીઓને દારૂ વગર પાર્ટી કરવી કે તહેવારની ઉજવણી કરવી અધૂરી લાગે છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં નવું વર્ષ, નૂતન વર્ષ કે બેસતું વર્ષ કારતક સુદ એકમના દિવસે ગણાય છે.

આપણી સંસ્કૃતિના નવા વર્ષની ઉજવણીને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી. હવેની નવી પેઢીમાં ખાસ કરીને, આપણું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાવા લાગ્યું છે અને ડિસેમ્બર મહિનાની થર્ટી    ફર્સ્ટની રાતે ૧૨ વાગ્યા પછી ઝગમગતી આંખોને આંજી દે એવી ઝગમધાટ રોશનીમાં ખુલ્લી સડક ઉપર કુમળી વયનાં તેમજ યુવાન વયનાં યુવક તથા યુવતિઓ, કાન ફાડી નાંખે એવા ડીજેના સથવારે, એકબીજાની કમરમાં હાથ નાંખીને, સમાજની પરવા કર્યા વગર ખુલ્લેઆમ વિચિત્ર ઢબના ડાન્સ કરે છે, જાહેરમાં ફટાકડા ફોડે છે, એકબીજાને આલિંગન આપે છે, એકબીજાને અવનવી ગિફ્ટ આપે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

આ બધું તો ઠીક છે, પરંતુ થર્ટી ફસ્ટની રાતે દેશી તથા વિદેશી દારૂનો દોર આખી રાત  ચાલુ રહે છે અને યુવાધન છાકટું બની જાય છે. આના ભાગરૂપે ક્યારેક યુવતીઓની છેડતી, પજવણી,અશ્લીલ મજાક,અભદ્ર ચેનચાળા કે બળાત્કાર સુધીના બનાવો બનવાના સંજોગો ઊભા થાય છે. પશ્ચિમની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ કરતાં તદ્દન વિપરીત છે, છતાં, આપણે બધાં એનું આંધળું અનુકરણ કરીએ છીએ. હકીકતમાં ડિસેમ્બર મહિનામાં વિદેશોમાં વધારે પ્રમાણમાં ઠંડીનું જોર વધે છે એથી ઠંડીથી રક્ષણ મેળવવા તથા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે તેઓ શરાબનો આશરો લે છે.

જ્યારે આપણી તો આબોહવા જ ગરમ છે, તેથી શરાબનું સેવન કરવાથી શરીરને હાનિ જ થાય છે. તહેવારોની ઉજવણીને દારૂ કે શરાબ સાથે કાંઈ લેવાદેવા છે જ નહીં, છતાં, હવે તો કોઈને કોઈ નાનું કે મોટુ પર્વ, ઉત્સવ, તહેવાર, પ્રસંગ, પાર્ટી, વિગેરેમાં અગાઉથી જ શરાબની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. પહેલાં તો મદિરા કે શરાબનું સેવન અમુક  જ્ઞાતિજનો જ કરતાં હતાં, પરંતુ હવે તો ભદ્ર સમાજના વ્યક્તિઓ પણ દરેક પ્રસંગે શરાબનું સેવન કરે છે. વાત આટલેથી અટકતી નથી, પરંતુ આજની આધુનિક અને ભદ્ર સમાજની સુશિક્ષિત યુવતીઓ તથા મહિલાઓ પણ સિગારેટનો કસ અને શરાબની ચુસ્કી લેતાં અચકાતી નથી. વાસ્તવમાં કોઈ પણ પ્રસંગની ઉજવણીને શરાબ સાથે કાંઈ નિસ્બત કે લેવાદેવા જ નથી, છતાં “ પીનેવાલો કો પીને કા બહાના ચાહિયે” એ ન્યાયે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલ, યુવા પેઢી અને હિંદુ સંસ્કૃતિ ભવિષ્યમાં શું કરવટ બદલશે એ તો આવનારો સમય જ બતાવશે.
હાલોલ-યોગેશભાઈ આર. જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top