Comments

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ ફરી શરૂ થયું છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કઈ દિશા પકડશે?

ભારતનો રૂપિયો માંદગીને બિછાને પડ્યો છે. એવા અહેવાલ છે કે ભારતીય રિઝર્વ બેંક રૂપિયો લપસતો લપસતો ડૉલર સામે ૧૦૦ની સપાટી પાર ન કરી જાય એ માટે ખૂબ મોટા જથ્થામાં ડૉલર વેચી રહી છે. આની સીધી અસર ભારત પાસે ઉપલબ્ધ વિદેશી હૂંડિયામણ પર થાય, પરંતુ ધારણાઓથી વિપરીત વિદેશી હૂંડિયામણ બજારમાં મુખ્ય ચલણો સામે ડૉલર આશરે ૦.૦૪ ટકા વધ્યો છે. છેલ્લા એક મહિનામાં તેમાં લગભગ ૧.૦૩ ટકાનો વધારો નોંધાયો છે.

ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારી ફેલાશે એવો ભય સેવાતો હતો. તેને ખોટો પાડતાં ૨૦૨૬ના મે મહિનામાં અમેરિકામાં લગભગ ૨,૪૫,૦૦૦ નોકરીઓ ઉમેરાઈ છે ને આમ છતાંય બેરોજગારીનો દર ૩.૮ ટકા ઉપર સ્થિર રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે અમેરિકાની મુખ્ય નોકરીદાતા કંપનીઓએ જે છટણી કરી છે તેનો આંકડો ગણતરીમાં લીધો નથી. ડૉલરની વૈશ્વિક બજારમાં મજબૂતી, અમેરિકાના અર્થવ્યવસ્થાના આંતરિક પ્રવાહોને જોતાં ફુગાવો ન વધે તે હેતુથી મજબૂત રોજગાર બજારનું કારણ ધ્યાને ફેડરલ રિઝર્વ દ્વારા જેની અપેક્ષા હતી તે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.

૧૦ જૂને અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ પાછું સળગ્યું હોવાના સમાચાર છે. અત્યાર સુધી રિઝર્વ બેંકના પ્રયાસોને કારણે ભારતીય રૂપિયાએ મજબૂતાઈનું જે વલણ દાખવ્યું હતું તે વિશ્વબજારમાં ક્રુડ ઓઇલના વધી રહેલા ભાવને કારણે તેમજ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી પોતાનું મૂડી રોકાણ પાછું ખેંચી રહ્યા હોવાને કારણે અન્ય આંતરરાષ્ટ્રીય મુખ્ય ચલણો અને ખાસ કરીને અમેરિકન ડૉલરની સામે રૂપિયો ફરી એક વાર ગગડ્યો હતો. આ એવા સમયે થયું જ્યારે રૂપિયાએ છેલ્લા કેટલાક સમયગાળામાં હાંસલ કરી હતી તેના કરતાં વધુ મજબૂતાઈ હાંસલ કરી સારો દેખાવ કર્યો હતો.

અમેરિકામાં રોજગારી વધી રહી હોવાના અહેવાલો આવ્યા તે સામે વૈશ્વિક બજારમાં વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ તેમજ ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારશે એ બધાં કારણોસર રૂપિયાએ ફરી પાછું પોતાનું સ્થાન ગુમાવ્યું અને ૦.૮ ટકા નબળો પડીને છેલ્લા ચાર અઠવાડિયાનો મોટામાં મોટો ઘટાડો નોંધાવ્યો. આમ રિઝર્વ બેંકે રૂપિયાને ડૉલર સામે મજબૂત બનાવવા માટે કરેલા પ્રયાસ ઝાઝા સફળ નીવડ્યા નહોતા. અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ અને યુદ્ધ તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારમાં મજબૂતાઈ પકડી રહેલો ડૉલર બંને કારણોને લઈને રૂપિયો પાછો ગગડ્યો હતો.

ક્રુડ ઓઇલની વાત કરીએ તો અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ ૪% વધ્યા હતા. આની પાછળ ઇઝરાયેલ દ્વારા લેબનોન પર હુમલાઓની તીવ્રતા વધારવામાં આવી તે ઉપરાંત હોર્મુઝમાંથી વળી પાછો મુક્ત ટ્રાફિક શરૂ થાય તે આશા પડી ભાંગી તે કારણ પણ ગણી શકાય. ભારત પોતાની મુખ્ય જરૂરિયાતો માટે આયાત ઉપર આધાર રાખતો દેશ છે અને તેમાં પણ દેશની ઊર્જા જરૂરિયાતનો ૮૦% કરતાં વધારે હિસ્સો આયાતથી મેળવવામાં આવે છે એટલે રૂપિયો ઘસાય અને ડૉલર મજબૂત થાય તો ઊર્જાના ભાવ વધે જેની સાર્વત્રિક અસર ભાવવધારા અને મોંઘવારી પર થાય.

આનાથી ઉલટું અમેરિકામાં મે મહિનામાં નોકરીઓની સંખ્યા વધી એટલે ફેડના દર ઘટવાની આશા ભાંગી પડી જેને કારણે ઘરઆંગણે પણ ડૉલરને નબળો પાડે તેવાં પરિબળો હેઠાં પડ્યાં. ડૉલર સારો એવો મજબૂત બની ગયો. આમ અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં ડૉલર મજબૂત બન્યો છે. જ્યારે ભારતીય રૂપિયો, જાપાનીઝ યેન અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ઘસાયાં છે.

આ પરિસ્થિતિમાં ભારત માટે વિશેષ મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય, કારણ કે ભારત ક્રુડ ઓઇલ અને સંલગ્ન પેદાશો જેમાં ખાવાનું તેલ પણ આવી જાય, મોટા પાયે આયાત પર આધારિત છે. દુનિયામાં શસ્ત્રોની સૌથી મોટી આયાત ભારત કરે છે. જો અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ લાંબુ ચાલે અને ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૫૦ ડૉલરથી વધી જાય તો ભારતીય અર્થવ્યવસ્થા માટે એ એક મરણતોલ ફટકો હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top