Editorial

હવામાન પરિવર્તન રોકવામાં નહીં આવે તો ઉનાળો છ મહિના ચાલશે: પરિણામો ભયંકર આવી શકે

આ વર્ષે ફેબ્રુઆરી મહિનો હજી તો પૂરો પણ નહીં થયો અને દેશના અનેક વિસ્તારોમાં ગરમી શરૂ થઇ ગઇ. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ આ વખતે આપણા ગુજરાતમાં ઉનાળો બેસી ગયો હોવાનું જણાઇ આવતું હતું અને ગરમી વહેલી શરૂ થઇ ગઇ હોવાની ચર્ચાઓને ટેકો આપે તેવા એક અભ્યાસનાં તારણો હાલમાં બહાર પડ્યાં છે જે સૂચવે છે કે જો હવામાન પરિવર્તનને રોકવામાં નહીં આવે તો દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાઓ વહેલા બેસવા માંડશે અને લાંબા ચાલશે. દેખીતી રીતે આની વિપરીત અસરો ખેતી, માણસોના આરોગ્ય અને પર્યાવરણ પર થશે એમ આ અભ્યાસ જણાવે છે.

જો હવામાન પરિવર્તનને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુઓ વર્ષ ૨૧૦૦ સુધીમાં છ મહિના સુધી ચાલુ રહી શકે છે, જેની ખેતી, માનવ આરોગ્ય અને પર્યાવરણ પર દૂરગામી અસરો થઇ શકે છે એમ એક અભ્યાસમાં જણાયું છે.

જીઓફીઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે મેડિટરેનિયન પ્રદેશ અને તિબેટિયન ભૂખંડે તેમના ઋતુચક્રમાં સૌથી મોટાં પરિવર્તનો અનુભવ્યાં છે. સંશોધકોએ એ બાબતની નોંધ લીધી છે કે ૧૯પ૦ ના ગાળામાં ઉત્તર ગોળાર્ધમાં આગાહી કરી શકાય અને વ્યાજબી કહી શકાય તે રીતે ચાર ઋતુઓ આવી છે. અલબત્ત, હવામાન પરિવર્તન હવે ઋતુઓની લંબાઇ અને તેમની શરૂ થવાની તારીખોમાં નાટ્યાત્મક અને અનિયમિત ફેરફારો લાવી રહ્યું છે અને જો હવામાનનું આવું જ પરિદ્શ્ય ચાલુ રહેશે કે જે હાલમાં છે તો તે ફેરફારો ભવિષ્યમાં વધુ તીવ્ર બની શકે છે એમ તેમણે જણાવ્યું હતું.

ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળાઓ વધુ લાંબા અને વધુ ગરમ બની રહ્યા છે જ્યારે શિયાળાઓ વધુ ટૂંકા અને વધુ ગરમ બની રહ્યા છે એમ ચાઇનીઝ સાયન્સ એકેડેમીના નિષ્ણાત એવા આ લેખના લીડ ઓથર યુપિંગ ગુઆને જણાવ્યું હતું. ઉત્તર ગોળાર્ધમાં ચાર ઋતુઓની લંબાઇ અને તેમની શરૂઆતની બાબતમાં થયેલા ફેરફારો માપવા માટે સંશોધકોએ ૧૯પ૨ થી ૨૦૧૧ સુધીના ઐતિહાસિક દૈનિક હવામાન ડેટાનો ઉપયોગ કર્યો હતો.

આ સંશોધન ટીમે ભવિષ્યમાં ઋતુઓ કઇ રીતે બદલાશે તેની આગાહી કરવા માટે પ્રસ્થાપિત હવામાન પરિવર્તન મોડેલોનો ઉપયોગ કર્યો હતો. આ અભ્યાસમાં જણાયું હતું કે ૧૯પ૨ થી ૨૦૧૧ સુધીમાં સરેરાશની રીતે ઉનાળામાં ૭૮ થી ૯પ દિવસોનો વધારો થયો છે, જ્યારે શિયાળો ૭૬ થી ૭૩ દિવસ સંકોચાયો છે. વસંત અને પાનખર ઋતુઓ પણ અનુક્રમે ૧૨૪ થી ૧૧પ દિવસ અને ૮૭ થી ૮૨ દિવસ ટૂંકી થઇ છે.

આ મુજબ વસંત ઋતુ અને ઉનાળો વહેલા શરૂ થાય છે અને પાનખર તથા શિયાળો મોડા શરૂ થાય છે. જો હવામાન પરિવર્તનને રોકવાના કોઇ પણ પ્રયાસો વિના આ જ પ્રવાહ ચાલુ રહેશે તો ૨૧૦૦ના વર્ષ સુધીમાં શિયાળો બે મહિના કરતાં ઓછો સમય ચાલશે અને પરંપરાગત વસંત અને પાનખરની ઋતુઓ પણ સંકોચાશે એમ સંશોધકોએ આગાહી કરી છે.

આ આગાહી ખરેખર ભયંકર છે. જો કાળઝાળ ઉનાળો લાંબો ચાલે તો જ્યાં સખત ગરમી પડે છે તેવા પ્રદેશો, વિસ્તારોમાં માણસો અને અન્ય પ્રાણીઓના આરોગ્ય પર વિપરીત અસર થઇ શકે છે. ખેતી પર તો ચોક્કસ આની હાનિકારક અસર થાય. પર્યાવરણીય અસરો પણ નોંધપાત્ર થઇ શકે. કાળઝાળ ઉનાળો છ મહિના સુધી ચાલે તે કલ્પના જ ઘણા માટે ધ્રુજાવનારી પુરવાર થઇ શકે છે.

આ જે અભ્યાસ થયો છે તે ઉત્તર ગોળાર્ધને અનુલક્ષીને થયો છે પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં પણ સ્થિતિ કંઇ બહુ સારી નથી. એન્ટાર્કટિકા ખંડનો બરફ પણ પીગળી જ રહ્યો છે અને મહત્ત્વની વાત એ છે કે ઉત્તર ગોળાર્ધમાં મોટું ઋતુ પરિવર્તન દુનિયાની મોટા ભાગની વસ્તીને અસર કરી શકે છે કારણ કે આખી દુનિયામાં જેટલી વસ્તી છે તેમાંથી ૮૮ થી ૯૦ ટકા વસ્તી તો ઉત્તર ગોળાર્ધમાં જ વસે છે અને આ રીતે આ અભ્યાસનાં તારણો લગભગ સમગ્ર માણસ જાત માટે ચેતવણીસૂચક છે.

અભ્યાસમાં જણાવેલી એ બાબત ખૂબ મહત્ત્વની છે કે જો હવામાન પરિવર્તનને રોકવામાં નહીં આવે તો આ પરિણામો આવી શકે છે. જો હવામાન પરિવર્તનને રોકવામાં આપણે સફળ રહીએ તો આ સ્થિતિ ટળી જઇ શકે છે પરંતુ માણસ જાત હવામાન પરિવર્તનને રોકવા માટે અને પ્રદૂષણ ઘટાડવા માટે પૂરતી ગંભીર છે ખરી? સાચી વાત તો એ છે કે સામાન્ય લોકોની તો વાત છોડો, વૈશ્વિક નેતાઓમાં પણ આ બાબતે ગંભીરતાનો અભાવ વ્યાપક છે.

પ્રદૂષણને નાથવાના પ્રયાસો થાય છે ખરા, પણ તે ખૂબ ટાંચા પડે છે. ગરમીના અને વિષમ હવામાનના એક પછી એક વિક્રમો સર્જાતા જાય છે, લોકો હેરાન થાય છે અને હવામાન સહેજ સુધરે કે બધું ભૂલી જવાય છે. સ્થિતિ આ જ હદે બગડતી રહી તો ભયંકર પરિણામો આવી શકે છે.

કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને વિશ્વમાં વનીકરણ વધારવાની દિશામાં ઘણું થઇ શકે તેમ છે, પરંતુ માણસ જાત તે માટે પૂરતા પ્રયાસો જ કરતી નથી. જો હજી પણ ચેતીશું નહીં તો ભયંકર હવામાન અને ઋતુચક્રિય હોનારતોનો સામનો કરવો પડશે એમ આપણે ઉપર ચર્ચેલા અભ્યાસનાં તારણો સ્પષ્ટ સૂચવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top