Columns

આત્મસન્માનથી જીવીશું

એક સાઇકલ રીક્ષાચાલક ખૂબ મહેનત કરે. વહેલી સવારથી મોડી રાત સુધી સાઇકલરીક્ષા ચલાવે અને ઘર ચલાવે.તેનો એકનો એક દીકરો ખૂબ હોશિયાર, એટલે રીક્ષાચાલકની ઈચ્છા કે તેને સારી અંગ્રેજી સ્કૂલમાં ભણાવું અને એટલે તે વધુ ને વધુ મહેનત કરે.થાકે નહિ ; હારે નહિ અને કામ કરતો રહે.પત્ની ઘણી વાર કહે, થોડો આરામ કરો, પણ તે માને નહિ. રીક્ષાવાળાની મહેનત રંગ લાવી રહી હતી. દીકરો અંગ્રેજી માધ્યમમાં ભણવા લાગ્યો. મોટો થયો. બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે કમનસીબે રીક્ષાવાળાનો એક ટ્રક સાથે એક્સીડન્ટ થયો અને તેનો એક પગ કાપવો પડ્યો.સાઇકલ રિક્ષાચાલક અને એક પગ કપાઈ ગયો એટલે તો જાણે જીવાદોરી ગઈ; હવે સાઇકલરીક્ષા કેવી રીતે ચલાવશે?

આ પ્રશ્ન તેને પોતાને, પત્નીને, દીકરાને, પરિવારજનોને બધાને સતાવી રહ્યો હતો.જે થોડી બચત હતી તે રિક્ષાચાલકના ઇલાજમાં વપરાઈ ગઈ.તે સાજો થઈ ઘરે આવી ગયો, પણ ખરી કસોટી હતી હવે આગળ શું કરવું? જીવનભર સાઇકલરીક્ષા જ ચલાવી હતી,ભણેલો હતો નહિ. દીકરો અને પત્ની મૂંઝાતાં હતાં. બચત પૂરી થઈ હતી. ઘર ચલાવવા આગળ શું કરવું તેનો રસ્તો શોધવો અને કમાણી કરવી જરૂરી બની ગઈ હતી. રાત્રે જમ્યા બાદ પત્નીએ દવા આપતાં ધીમેથી કહ્યું, ‘મને સીવણ કામ મળે એમ છે.આપણને પૈસાની જરૂર છે એટલે કાલથી જ શરૂ કરી દઈશ.’છોકરાએ કહ્યું, ‘બાબા, તમે ચિંતા નહિ કરતાં, હું સવારે કોલેજ જઈશ,કોઈ ટયુશન શોધીશ અને સાંજના સમયે સાઇકલરીક્ષા પણ ચલાવીશ.રિક્ષાચાલક તેમની વાત સાંભળી રહ્યો, પણ કંઈ બોલ્યો નહિ.

બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જયારે પત્ની અને દીકરો હજી સૂતા હતા ત્યારે રિક્ષાચાલક કાંખઘોડીના આધારે રીક્ષા પાસે ગયો. તેને સાફ કરી તૈયાર કરી અને તેની પર બેસી એક પેડલ પગથી અને એક પેડલ કાંખઘોડીની મદદથી મારવાની કોશિશ કરી રીક્ષા ચલાવવાની મહેનત કરવા લાગ્યો.શરૂઆતમાં ન થયું, પણ થોડી મહેનત બાદ ધીમે ધીમે બરાબર પેડલ મરાવા લાગ્યા.અવાજ સાંભળીને પત્ની અને દીકરો ઊઠી ગયા અને બહાર આવી જોયું તો રિક્ષાચાલક એક પગે રિક્ષા ચલાવવાની સફળ કોશિશ કરી રહ્યો હતો.

પત્ની અને દીકરો તેની મદદે દોડી ગયા.તેની હિંમત અને મક્કમતા જોઇને તેઓ ‘રીક્ષા ન ચલાવો’તેમ બોલી જ ન શક્યા.રીક્ષાવાળાએ કહ્યું, ‘આખી જિંદગી સતત મહેનત કરી છે. મને બેસી રહેવું, કામ ન કરવું, બિચારા બનવું નહીં ગમે, મારું આત્મસન્માન જાળવવા મને કામ કરવા દો અને દીકરા, તારે ભણવાનું છે. રીક્ષા તો હું જ ચલાવીશ’.થોડા દિવસમાં રીક્ષાવાળો કાંખઘોડી છોડી લાકડાના પગ સાથે રીક્ષા ચલાવવા લાગ્યો.પત્ની અને દીકરાએ કહ્યું, ‘અમે તમારી સાથે છીએ અને અમે પણ કામ કરીને સાથે મળી જીવનખર્ચ કમાઈશું અને આત્મસન્માનથી જીવીશું.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top