Columns

મૃગજળના પડછાયા ન હોય તે જાણ્યું અમે

હેલો સર, મારી વાત જગદીશ સોની સાથે થઈ રહી છે?‘  જગદીશ સવારના હજુ  ઓફિસ પહોંચ્યોને તરત અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એટલે જગદીશ સમજ્યો કે કોઈ ક્લાયન્ટનો ફોન હશે, એના બદલે સામેથી એક મીઠો મધુરો સ્વર સાંભળીને એ સમજી ગયો કે કોઈ વીમા કે બેન્ક કે ટ્રાવેલ કંપનીમાથી ફોન છે. ‘જી…હું જગદીશ બોલું છું.‘ અત્યારે બિલકુલ ટાઈમ ન હતો પણ આજે જગદીશને થયું કે આવા ફોન કોલની એને જરુર છે, આજે દક્ષાની તબિયત સારી નથી.

‘સર,  હું પ્રતિક્ષા, રામા ઈન્ટરનેશલ કંપનીમાંથી બોલું છું. આપે લાસ્ટ વીકમાં બુકફેરની મુલાકાત લીધી હતી તેમાં અમારી કંપનીની કુપન ભરી હતી. તો સર લકી ડ્રોમાં આજે આપનું નામ સિલેક્ટ થયું છે. હું આપને અને આપના વાઈફને ડિનર માટે આજે ઇનવાઈટ કરું છું. તમે સાંજે 7 વાગે તમારા વાઈફ સાથે મેરિયટમાં આવી શકો? સર ડિનર સાથે સરપ્રાઈઝ ગિફટ છે.‘ પ્રતિક્ષાનો પ્રોફેશનલ સ્વીટ વોઈસ જગદીશ સાંભળી રહ્યો.

આવા કોલ જગદીશ સામેની ઓફર સાંભળીને તરત ઠૂકરાવી દે. કલાક એ લોકોનું પ્રેઝન્ટેશન સાંભળવાનું, પછી મેમ્બરશીપ થી લઈને જે તે કંપનીમાં જોડાવાનું કે રોકાણ કરવાનું પ્રેશર આપે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં છોકરા છોકરીઓ એટલાં પાવરધા હોય કે તમે એલર્ટ ન રહો તો તમને ચૂનો લગાવી જ દે. વળી ગિફ્ટમાં કાચની છ ચલરણી જેવી કટોરીઓ પકડાવે. એ તો રોડ સાઈડ પર ના ફેરિયા પચાસ રુપિયામાં વેચતાં હોય. એટલે પેટ્રોલના પૈસા વસૂલ ન થાય.

 આજે જે કોલ આવ્યો છે તેમાં પ્લસ પોઈન્ટ એ છે કે ડિનર મેરિયટ જેવી ફાઈવ સ્ટાર હોટેલમાં છે. પહેલાથી જ મન મક્કમ કરી દેવાનું કે આપણે કોઈ મેમ્બરશીપ લેવી નથી. બસ માત્ર ડિનર કરી આવવાનું. એ બહાને દક્ષાને ઘરની બહાર નીકળવા મળશે. છેલ્લા 2 દિવસથી શરદીથી પરેશાન છે. વળી ઊત્તરાયણ પછી અઠવાડિયા માટે મૂડ ઓફ રહે છે. એકના એક ભાઈને પતંગની દોરીથી ગળું કપાઇને મરતાં જોયો હોય એ તો કેમ વિસરાય?

‘ઓકે…આઈ કેન કમ..પણ મારી વાઈફની તબિયત બહુ સારી નથી. તો તમે જરા જલદી પ્રેઝન્ટેશન પતાવી દેશો?‘ ‘સર અમારું પ્રેઝન્ટેશન પોણી કલાકનું હોય છે. પછી તમે જેટલાં સવાલ પૂછો તેટલો સમય વધુ જાય.‘ પેલીએ મોઘમમાં સમજાવી દીધું કે તમે જેટલાં સવાલ પૂછો તેટલો તમારો સમય વધુ જાય. એટલે દક્ષાને કહી જ દઈશ કે આ બધી માથાકૂટમાં પડતી નહી. એનું પ્રેઝન્ટેશન જોઈને શાંતિથી જમવાનો આનંદ લેવાનો.

‘ઓકે… પ્રતિક્ષા, અમે પોણા સાતે મેરિયટ પહોંચી જઈશું.‘ ‘સર, થેન્કયુ એન્ડ વેલકમ, હું તમને 6 વાગે રિમાઇન્ડર કોલ આપીશ.‘ પ્રિતક્ષા પાક્કું કામ કરવા ટેવાયેલી હતી.  ‘દક્ષા, સાંજે 6 વાગે સરસ સાડી પહેરીને તૈયાર થઈ જજે. આપણે સાડા છએ મેરિયટમાં ડિનર માટે જવાનું છે.‘ જગદીશ તો ઘણીવાર માત્ર મજા માટે પણ આવા પ્રેઝન્ટેશનમાં જતો. પણ દક્ષાને બહુ કંટાળો હતો. એટલે આજે કશી ચોખવટ કરી નહીં કે શેના માટે મેરિયટમાં જવાનું છે.  એ પોતે 6 વાગે ઘરે પહોંચી ગયો. શાવર લઈને ફ્રેશ થઈ ગયો. સહેજ લુઝ પેન્ટ શર્ટ પહેરી લીધા. ઉપર દીકરાંએ આપેલું નહેરું જેકેટ ઠ્ઠઠાર્યું.  દક્ષાએ સરસ પાર્ટીવેર સાડી પહેરી હતી. આફટરઓલ ફાઈવ સ્ટાર હોટેલમાં જઈએ છીએ તેવું લાગવું જોઈએ ને!

બન્ને સમયસર પહોંચી ગયા. પ્રતિક્ષાએ એમને વેલકમ કર્યા. અને કોન્ફરન્સ હોલમાં લઈ ગઈ. ત્યાં એમણે કોર્ડિનેટર સાથે ઓળખાણ કરાવી, ‘આજના તમારા કોર્ડિનેટર અયાન શર્મા!‘  અયાનને જોતાં જ બન્ને જોતા રહી ગયા. અસલ શકલ દક્ષાના ભાઈની જોઈ લો. જાણે જોડિયાભાઈઓ ન હોય! જે દુ:સ્વપ્નને ભૂલવા દક્ષા બેચેન રહેતી હતી તે જાણે સામે આવી ગયું હોય તેવું લાગ્યું. ‘હેલો મેમ, હેલો સર….આઈ એમ અયાન. નાઈસ ટુ મીટ યુ.‘ અયાને હાથ લંબાવ્યો. જગદીશ કશું બોલ્યો નહીં અને હાથ પણ શેકહેન્ડ કરવા હાથ લાંબો ન કર્યો એટલે દક્ષાએ જ આગળ આવી અયાન સાથે શેકહેન્ડ કર્યા.

‘હેલો અયાન નાઈસ ટુ મીટ યુ!‘ દક્ષાનું નોર્મલ બિહેવિયર જોઈને જગદીશને હાશ થઈ. પણ એના દિલમાં ફડક પેસી ગઈ હતી કે અયાનને જોઈને દક્ષા ડિસ્ટર્બ થઈ જશે એટલે એ સારી રીતે અયાન સાથે વાતચીત ન કરી શક્યો. પણ દક્ષાએ બાજી સંભાળી લીધી. એણે અયાન સાથે સરસ વાતચીત કરી. એ જે કંપનીનું પ્રમોશન કરતો હતો તેમાં પૂરતો રસ લીધો. બધું જોઈ સમજીને ખુદ એણે જ કંપનીની આજની ઓફર રિજેક્ટ કરી દીધી. આખી વાતચીત કલાક ચાલી એમાં જગદીશ મૂક પ્રેક્ષક બની રહ્યોં, દક્ષાને બોલવા દીધી. છેલ્લે બન્ને ડિનર કરીને ઘરે જતાં હતાં ત્યારે અયાન મળવા આવ્યો, ‘મેમ…સર…તમારી સાથે ઓળખાણ થઈ તેનો મને ખૂબ આનંદ છે. મારું I.T.માં લાસ્ટ સેમ છે. હું ગુજરાત છોડીને જવા નથી ઈચ્છતો. તમારા કોન્ટેક્ટમાં જોજો. કોઈને I.T. પ્રોફેશનલની જરુર હોય તો હું જોડાવા ઈચ્છું છું.‘ નામ ફોન નંબર લખેલી એક ચિટ અયાને પકડાવી.  દક્ષાએ બહુ પ્રેમથી જવાબ આપ્યો, ‘સ્યોર, તારો જેવો ટેલન્ટેડ છોકરો બહાર જાય તે અમને પણ ન ગમે. અમે ચોક્કસ ટ્રાય કરીશું.‘ દક્ષા તો અયાન સાથે એના ક્વોલિફિકેશન પર વાત કરવા લાગી.

અત્યાર સુધી દક્ષાનો ઉત્સાહ જોઈને જગદીશ પ્રસન્ન હતો તે હવે જરા સાવચેત થઈ ગયો. દક્ષા ઊતાવળે કોઈ નિર્ણય લે તો પછીથી પસ્તાવાનો વારો આવશે. એક ઘા રુઝાયો નથી ત્યાં બીજો ઘા લાગી શકે. આજકાલના છોકરાંઓ મતલબી હોય. કામ પતે પછી કોઇ સંબંધ ન રાખે. અયાનમાં દક્ષાને એનો ભાઈ દેખાતો હોય તો એ ખોટી ઈમોશનલ થઈ જાય તો ખોટું થશે. ‘ઓકે. અયાન ગુડ નાઈટ..‘‘ જગદીશે દક્ષાનો હાથ પકડીને કહ્યું, ‘ચાલ ..મોડું થાય છે. હું થાકી ગયો છું.‘ દક્ષા પરાણે ચાલી. ગાડીમાં બેઠાં ત્યારથી ઘરે આવ્યા ત્યાં સુધી દક્ષા સતત અયાન વિશે વાત કરતી હતી. ઘરે પહોંચીને ફ્રેશ થયા પછી જગદીશે એને પ્રેમથી કહ્યું, ‘જો અયાનને સારી જોબ મળે તે માટે આપણે પ્રયત્ન કરીશું, પણ તું કોઈ અપેક્ષા નહિં રાખતી. એ આપણો, તારો ભાઈ હર્ષ નથી એ યાદ રાખજે.‘
દક્ષાએ લાંબો શ્વાસ લીધો,
‘હું જાણતી હતી કે તું આમ જ કહીશ. બસ હર્ષ જેવો છોકરો સુખી થાય એથી વિશેષ મને કોઈ દિલચસ્પી નથી.‘
હવે જગદીશે  નિરાંતનો શ્વાસ લીધો.

Most Popular

To Top