Madhya Gujarat

જીતપુરામાં પાણીના મીટર મુકાયાં, રાતોરાત બગાડ અટક્યો

આણંદ : ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામમાં થોડા સમય પહેલા જ પાણીનો વપરાશ જાણવા માટે દરેક ઘરે મીટર મુકવામાં આવ્યાં છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મુકવામાં આવેલા મીટરના પગલે ગામમાં રાતોરાત પાણીનો બગાડ અટકી ગયો છે અને લોકો સ્વયંભુ જ જરૂરિયાત પુરતુ જ પાણીનો વપરાશ કરી રહ્યાં છે. જેના કારણે ગામમાં પણ સ્વચ્છતા જોવા મળી રહી છે. જો આ પ્રોજેક્ટ અહીં સફળ રહેશે તો જિલ્લાના અન્ય ગામોમાં પણ તેનો અમલ મુકવામાં આવશે. ચરોતર પાણીદાર પ્રદેશ છે, ભૂગર્ભ જળ ઉંચા હોવાના કારણે બોર થકી પાણી મેળવવામાં આવી રહ્યું છે. પાલિકા અને પંચાયતમાં આ જ વ્યવસ્થા જોવા મળી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બોર નિષ્ફળ રહ્યાં છે, પાણીના ટેસ્ટીંગ દરમિયાન પીવાલાયક ન હોવાનું જોવા મળતું હોય છે.

આથી, મહીસાગર નદી આધારીત વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. જેમાં ઉમરેઠ સહિત આસપાસના દોઢ સો ગામને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે યોજના અમલમાં મુકી છે. જે અંતર્ગત યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ યોજના સાથોસાથ એક પાયલોટ પ્રોજેક્ટ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામમાં પાણીના મીટર મુકવામાં આવ્યાં છે. આ પાણીના મીટર મુકતા સાથે જ ગામની કાયાપલટ થઇ ગઇ છે. રોતારોત રસ્તા પરથી ગંદા પાણી નિકળતા બંધ થઇ ગયાં, ગંદકી ઘટી ગઈ છે. આ ઉપરાંત લોકો પણ ઘરમાં જરૂરિયાત પુરતુ જ પાણીનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે પાણીની પણ બચત થઇ રહી છે.

આણંદ જિલ્લાના દરેક ગામમાં પાણીના મીટર મુકાવવા જોઈએ
જીતપુરાના ગૌરાંગભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના ભાગરૂપે ગામમાં નળ નાંખવામાં આવ્યાં છે. સાથોસાથ ઘરે ઘરે પાણીના મીટર પણ મુકવામાં આવ્યાં છે. આ પાયલોટ પ્રોજેક્ટથી દરેક ઘરમાં પાણીનો બગાડ થતો અટકી ગયો છે. ભવિષ્યમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે, આથી અત્યારથી જ પાણી બચાવવું જરૂરી છે. મીટર થકી પાણીનો કેટલો વપરાશ થાય છે ? તે નક્કી થાય છે. દરેક ગામમાં આવા મીટર મુકવામાં આવે તે જરૂરી છે.

આણંદ જિલ્લામાં 11 ગામની મહિલાએ ‘પાણી’ બતાવ્યું
આણંદ : આણંદ જીલ્લાના સો ટકા ઘરોમાં નળથી જળ મેળવતો જીલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તેમાંય જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થા માટે ગામે ગામ પાણી સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કેટલાક ગામોમાં 50 ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી સમિતિ છે. જેમાંથી 11 ગામની પાણી સમિતિની સરાહનીય કામગીરીના પગલે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ રૂ.5.50 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે.

આણંદ જીલ્લામાં વાસ્મોના સહયોગ થકી આજદિન સુધી લોકભાગીદારી આધારિત કુલ 560 યોજનાઓ મંજુર કરવામાં આવી છે. જે પૈકી 520 જેટલી યોજનાઓ પુર્ણ કરવામાં આવી છે. હાલ 19 જેટલી યોજનાઓ ચાલી રહી છે. જલ જીવન મિશન હેઠળ વર્ષ 2020માં જીલ્લામાં બાકી રહેતા નળ કનેકશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેથી હાલ આણંદ જીલ્લાને સો ટકા ઘરોમાં નળથી જળ મેળવતો જીલ્લો જાહેર કરાયો છે. જોકે, તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ પાણી સમિતિમાં 50 ટકા કરતા વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિઓને ચાલુ વર્ષે જિલ્લામાં 11 જેટલી પાણી સમિતિઓને રૂ.5.50 લાખ જેટલી રકમની ફાળવવામાં આવી છે.  આ ઉપરાંત પાણી સમિતિઓ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની સુચારૂ આયોજન અને મરામત અને નિભાવણી કરે તે માટે ચાલુ વર્ષે જીલ્લાની 25 જેટલી પાણી સમિતિઓને મરામત અને નિભાવણી માટે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમમાં સ્વનિર્ભરતા પ્રોત્સાહન અનુદાન પેટે રૂા.39 લાખ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે.

વ્યક્તિ દીઠ સો લીટર પાણી મળે તેવું આયોજન કરાય છે
લોકભાગીદારી આધારિત ઓગમેન્ટેશન ટેપ કનેકટીવીટી ઇન રૂરલ એરીયા કાર્યક્રમ હેઠળ તેમજ જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધામાં ગ્રામ્ય કક્ષાએ સ્વાવલંબી ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ ઉપલબ્ધ કરાવવા માટે દરેક ગામે રાજ્ય સરકાર હસ્તકના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પાણી સમિતિની રચના કરવામાં આવે છે. જે પીવાના પાણી માટેનું યોજનાઓનું આયોજન અમલીકરણ તેમજ મરામત અને નિભાવણી જેવી કામગીરી કરે છે. જેમાં મુખ્યત્વે ધારાધોરણ મુજબ વ્યક્તિ દિઠ 100 લીટર પાણી પ્રતિ દિન મળી રહે તે મુજબ આયોજન કરાયું છે.

Most Popular

To Top