World

હોસ્પિટલોમાં વેટિંગ, લોકોને ઘરે સારવાર કરવાની સલાહ અપાઈ…ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો

નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) લોકોની હાલત ખરાબ કરી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને (Case) કારણે તબીબી સંસાધનોનો અભાવ સૌથી મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. ચીનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હાલત એ છે કે ચીનમાં માત્ર હોસ્પિટલના બેડ, વેન્ટિલેટર અને દવાઓની અછત નથી, પરંતુ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની પણ અછત છે.ચીનના મીડિયા રિપોર્ટ્સમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

ચીનમાં હોસ્પિટલોમાં ચેપનો ફેલાવો સામાન્ય વ્યક્તિથી વધુ ઝડપથી વધી રહ્યો છે. આ જ કારણ છે કે ચીનમાં મોટાભાગના મેડિકલ સ્ટાફ સંક્રમિત થયા છે, આવી સ્થિતિમાં તેમના જલ્દીથી હોસ્પિટલમાં પાછા ફરવાની કોઈ આશા નથી. અહેવાલો અનુસાર ચીનની મોટાભાગની હોસ્પિટલો ઓછા ડોકટરો અને વધુ દર્દીઓની સમસ્યાનો સામનો કરી રહી છે.

ઘરે સારવાર માટે સલાહ આપવામાં આવી
ચીનમાં આરોગ્ય નિષ્ણાતો વિવિધ માધ્યમો દ્વારા લોકોને હોસ્પિટલમાં ભીડ ન કરવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ જો ચેપ લાગે તો ઘરે જ પોતાને અલગ રાખવા અને ફ્લૂની દવાઓ અથવા ઘરે પરંપરાગત દવાઓથી સારવાર કરવા માટે અપલી કરવામાં આવી રહી છે. જો કે સામાન્ય લોકોની મુશ્કેલીઓનો અહીં અંત આવતો નથી. હકીકતમાં ચીનમાં નિયમિત દવાઓની પણ અછત છે. વધતી માંગની સરખામણીમાં દવાઓનો પુરવઠો ઘણો ઓછો છે.

ચાઈનીઝ ફાર્મસીમાં દવાઓની ભારે માંગનું કારણ થોડા વર્ષો પહેલા બનાવેલ એક નિયમ છે. આ મુજબ અમુક પ્રકારની દવાઓ જેવી કે એન્ટિપાયરેટિક, એન્ટિવાયરલ, એન્ટિબાયોટિક્સ, ખાંસી અને શરદીની દવાઓ ખરીદવા માટે વાસ્તવિક નામથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ચીને ઝીરો કોવિડ પોલિસી હટાવી
ચીનમાં કોરોના સમયગાળાની શરૂઆતથી જ ઝીરો કોવિડ પોલિસી અમલમાં હતી. પરંતુ ભારે વિરોધને કારણે થોડા અઠવાડિયા પહેલા તેને હટાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા. આ પછી લોકોએ ઘરમાં દવાઓનો સંગ્રહ શરૂ કરી દીધો, જેના કારણે સંક્રમિત લોકોને આઇબુપ્રોફેન અને એસિટામિનોફેન જેવી સામાન્ય દવાઓ પણ નથી મળી શકતી. એટલું જ નહીં, નિષ્ણાતોએ ચીનમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે સ્વાસ્થ્ય ક્ષમતાઓમાં અસમાનતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ચીનના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગે તો નવી સમસ્યા ઊભી થઈ શકે છે.

વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા વર્લ્ડોમીટર્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 4.92 લાખ કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાને કારણે 1374 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ 1.84 લાખ કેસ નોંધાયા છે. તે જ સમયે, અમેરિકામાં 43263, ફ્રાન્સમાં 49517, બ્રાઝિલમાં 43392, દક્ષિણ કોરિયામાં 75744 કેસ મળી આવ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 289 લોકોના મોત થયા છે. જ્યારે જાપાનમાં કોરોનાને કારણે 339 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં પણ 165 લોકોના મોત થયા છે.

Most Popular

To Top