Comments

રસ્તે રખડતાં પશુ માટે સરકાર તાકીદે નીતિ બનાવે!

નવી સરકારે અગત્યના ક્રમે લેવાના પગલામાં સૌથી જરૂરી પગલું હોય તો રસ્તે રખડતાં પશુ અંગે નીતિ બનાવી રાજયનાં મહાનગરો, નગરોના રસ્તા પશુવિહીન બનાવવા. છેલ્લા છ મહિનામાં ગુજરાતમાં ઓછામાં ઓછા દસ લોકો રખડતાં પશુના કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એકવીસમી સદીમાં, દેશના વિકસિત ગણાતા રાજયમાં રખડતા પશુને કારણે નાગરિક પ્રાણ ગુમાવે તે ક્રૂર અને આઘાતજનક છે! ખબર નહીં, કેમ? પણ નાની નાની વાતોમાં ઉશ્કેરાઇ જતાં પ્રજાજનો આટલી મોટી જાનહાનિ માટે તદ્દન અસંવેદનશીલ છે.

ગુજરાતમાં ગત સરકારે રસ્તે રખડતા પશુને નિયંત્રણમાં લેવા માટે કાયદો બનાવ્યો હતો. પણ તેમાં સમસ્યા ઉકેલવા કરતાં દંડ અને સજા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરના રાજમાર્ગ પર ઢોર રખડે નહીં તેનો એકશન પ્લાન બનાવવાના બદલે પશુમાલિકો પશુની નોંધણી કરાવે, પશુ રખડતું પકડાય તો દંડ ભરે એ વાત પર વધારે ધ્યાન અપાયું. રસ્તા પરના પશુ ખસેડવા અધિકારીઓએ ટેબલ પર બેસીને પ્લાન બનાવ્યો, જેમાં સમસ્યાના મૂળમાં જવાની અને નિસ્બતપૂર્વક ઉકેલવાની વાત ન હતી. રસ્તે રખડતાં પશુની વાત આવે, કાયદો બને, પગલાં લેવાશે તેવી જાહેરાત થાય એટલે તરત માલધારી સમાજ સરકાર સામે આવી જાય. એટલે પહેલાં તો આ શહેરમાં રખડતાં પશુ અને ગુજરાતમાં વસતાં પશુપાલકો, માલધારીઓની સમસ્યાઓ આ બન્ને મુદ્દા જ જુદા છે તે સમજવાની જરૂર છે અને ખુદ માલધારી સમાજે પણ આ વાત સમજવાની જરૂર છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર જેવાં શહેરોના રસ્તા પર જે પશુ રખડે છે તેને નિયંત્રિત કરવાની વાત એ પશુપાલકો કે માલધારીઓ વિરુધ્ધની નથી!

ગુજરાતમાં જુનાગઢનાં જંગલોમાં રહેતા સૌરાષ્ટ્રના તળ ગામમાં રહેતા કે સાબરકાંઠા, બનાસકાંઠાનાં ગામોમાં રહેવા હજારો પશુના માલિકોના પ્રશ્નો અલગ છે અને શહેરમાં પશુ સાથે રહેતાં પશુમાલિકોના પ્રશ્ન અલગ છે. સરકારે શહેરનાં પશુઓને નિયંત્રિત કરવા જે કાયદો બનાવ્યો તેમાં આખા ગુજરાતનાં પશુપાલકો પશુની નોંધણી કરાવે જેવા નિયમો લાવવા તે વિચારવાનો પ્રશ્ન છે. હજારો પશુઓના પાલક માલિકોના પશુના પાણીના, રહેણાંકના, ઘાસચારાના વધતા ભાવના અને ખાસ તો ઔદ્યોગિકીકરણને કારણે ગૌચરના નાશથી ઉદ્ભવેલી સ્થિતિના પ્રશ્નો ટેબલ પર બેસીને કાયદો ઘડવાથી નહીં ઉકલે. બીજી તરફ રસ્તે રખડતાં પશુને નિયંત્રિત કરવાના પગલાનો સતત વિરોધ જ કરવો. સરકાર પાસે સતત જમીનો જ માંગ્યા કરવી તે પણ ઉકેલનો રસ્તો નથી. પ્રથમ તો વાત આવે છે શહેરમાં રખડતાં પશુની! એક તો આપણાં સૌનો અનુભવ છે કે શહેરોમાં રસ્તા પર બીજી કોઇ પ્રજાતિ કરતા ગૌવંશ જ સૌથી વધારે જોવા મળે છે!

શહેરમાં જેમણે દૂધના વ્યવસાય માટે પશુ રાખ્યાં છે તેમને પહેલાં તો ચોમાસામાં આ પશુ સાચવવામાં તકલીફ થતી હતી. વરસાદને કારણે વાડામાં ગંદકી અને મચ્છર થાય. ગૌવંશ સૂવાયુ, નાજુક પ્રાણી છે. એને આ મચ્છર ખૂબ હેરાન કરે છે માટે તે ડામરના પાકા રસ્તા પર આવી જતું. પણ સમય વિતતા કેટલાંક પશુપાલકો હવે જાતે જ પશુને રસ્તા પર મૂકી આવે છે. કયારેક  વિચારજો. શહેરના ગીચ વિસ્તાર તો સમજયાં, શહેરોને જોડતા હાઇ વે પર બન્ને બાજુ ખુલ્લા મેદાન હોય છે છતાં પશુ ડામરના રસ્તા પર કેમ બેસે છે!

જો સરકાર પ્રાથમિક તબકકે પશુને રસ્તા પરથી ખસેડવા માંગે છે તો શહેરમાં કે રાજમાર્ગો પર જયાં જયાં ખુલ્લી જગ્યા, મેદાન છે ત્યાં બ્લોક પથ્થરના ચોક બનાવે અને પશુપાલકોને જણાવે કે તમે સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તમારાં પશુ આ ચોખ્ખી જગ્યામાં બેસાડો! એક ખૂબ મોટો પ્રશ્ન એ છે કે સરકારે ગૌવંશ હત્યા વિરુધ્ધ કાયદો કરેલો છે. માટે ખોડખાંપણ, બિમારી કે ઉંમરવાળાં પશુને પણ કુદરતી મૃત્યુની રાહ જોવાની છે. કોઇ આ વિવાદમાં પડવા માંગતુ નથી. પશુપાલક આવાં કેટલાં પશુ સાચવે? જે બિન ઉત્પાદક હોય?

સરકારે ગૌવંશ હત્યાનો કાયદો કર્યો તે સાથે ગૌવંશ સંવર્ધન, જીવાડવાનો કાયદો પણ કરવા જેવો છે. આપણી પરંપરામાં, શ્રદ્ધામાં આપણે ગાયને માતા સમાન ગણીએ છીએ. આદર આપીએ છીએ તો શું રસ્તા પર આ રીતે રખડતી મૂકવી યોગ્ય છે? સરકારે પણ ગૌશાળા અને ગાયોના પાલકો માટે મદદરૂપ નીતિ બનાવવી પડશે! કોઇ પણ સમસ્યા એમને એમ વિકરાળ નથી બનતી. થોડાં વર્ષો પહેલાં આપણા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીએ લખ્યું હતું કે, ‘ગાયો રસ્તા પર આવી છે કે જયાં ગાયો હતી ત્યાં રસ્તા આવ્યા છે.’

ગામડા શહેરમાં ભળતાં ગયાં. ખેતરોમાં સોસાયટીઓ ઊગી અને ખેતરના ઉંદર સોસાયટીમાં ફરતા થયા. આ જ રીતે શહેર સીમમાં પહોંચ્યું તો સીમના પશુ શહેરમાં આવ્યા. હવે જંગલો કાપીને શહેર ન વસાવશો નહીં તો હિંસક પશુઓ સોસાયટીમાં આવશે! ખેર, એક તરફ સૌ શહેરીજનો રસ્તે રખડતાં પશુથી ત્રસ્ત છે. બીજી બાજુ વ્હિલર પર આવીને રસ્તે ઊભેલી ગાયને રોટલી, ઘાસ આપનારા ઓછા થતા નથી. પ્લાસ્ટિકની થેલીમાં ખોરાકી વસ્તુ ભરીને રસ્તા પર નાખનારા સ્વચ્છતા અભિયાનના વિરોધી તો છે જ સાથે સાથે પશુને રખડતું કરવામાં તેમનો પણ ફાળો છે. ટૂંકમાં, માનવીનો જીવ અગત્યનો છે. પંદર નાગરિકો બીજા કોઇ પણ કારણથી મૃત્યુ પામે તો ઉશ્કેરાઇ જતાં લાગણીવીરો આ અકસ્માતનો ભોગ બનનારા માટે લાગણીશૂન્ય બન્યા છે. નવી સરકાર સત્વરે આ સમસ્યા ઉકેલે!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top