Columns

જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીનું ભોંયરું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે

કાશીમાં સ્થિત જ્ઞાનવાપીનો ઈતિહાસ પૌરાણિક કાળનો હોવાનું માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો તેમાં જ્ઞાનવાપીનો ઉલ્લેખ જ્ઞાનના તળાવ અથવા કૂવા તરીકે કરવામાં આવ્યો છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણના કાશીખંડ અધ્યાયમાં જ્ઞાનવાપીનો અર્થ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. જ્ઞાનવાપી સંકુલની અંદર એક ભોંયરું છે, જેને વ્યાસજીનું ભોંયરું કહેવામાં આવે છે. હાલમાં જ કોર્ટના આદેશ બાદ ફરીથી ત્યાં પૂજા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ભોંયરું હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે વિવાદનું કેન્દ્ર બન્યું છે.

જ્ઞાનવાપીમાં કુલ ૧૦ ભોંયરાંઓ છે, જેમાંથી એક વ્યાસજીનું ભોંયરું છે. આ ભોંયરું લગભગ ૯૦૦ ચોરસ ફૂટનું છે અને તેની ઊંચાઈ ૭ ફૂટ છે. આ ભોંયરું જ્ઞાનવાપી સંકુલના દક્ષિણ ભાગમાં છે. આ ભોંયરું કાશી વિશ્વનાથ સંકુલના ગર્ભગૃહની નજીક સ્થિત છે, જ્યાં તેની બરાબર સામે નંદીજીની પ્રતિમા પણ સ્થિત છે. વ્યાસજીના ભોંયરામાં ભગવાન શિવ, કુબેર, શ્રી ગણેશ, હનુમાનજી અને માતા ગંગાની અતિ પ્રાચીન મૂર્તિઓ સ્થાપિત છે. વ્યાસ પરિવાર લગભગ ૨૦૦ વર્ષથી આ ભોંયરામાં પૂજા કરે છે. વાસ્તવમાં વ્યાસ પરિવારનો પાયો પંડિત કેદારનાથ વ્યાસે નાખ્યો હતો. પંડિત કેદારનાથે અનેક હસ્તપ્રતો અને ગ્રંથોની રચના કરી હતી. વ્યાસજીના ભોંયરામાં પાંચ પ્રહર પૂજા કરવામાં આવે છે, જેમાં પૂજા અને રાગ-ભોગનો સમાવેશ થાય છે.

પૂજારી સોમનાથ વ્યાસ ૧૯૯૩ની સાલ સુધી વ્યાસજીનાં ભોંયરામાં પૂજા કરતા હતા. અધિકારીઓએ તત્કાલીન સરકારની સૂચના પર ભોંયરું બંધ કરી દીધું હતું, જે બાદ તેઓ ત્યાં પૂજા કરવાથી વંચિત રહી ગયા હતા. એક અરજી દાખલ કરવામાં આવી હતી કે તેમને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. હકીકતમાં વ્યાસજીનું ભોંયરું મસ્જિદની નીચે આવેલું છે. પુરાતત્ત્વ ખાતાંના સર્વેમાં આ જગ્યાએથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. વ્યાસજીનું ભોંયરું જ્યાં ભગવાનની નાડીનો વાસ છે એ સ્થાનની બરાબર સામે આવેલું છે.

સંબંધિત અરજીમાં કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલમાં જણાવાયું છે કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ પહેલાં એક વિશાળ હિંદુ મંદિર અસ્તિત્વમાં હતું. ASI અહેવાલમાં હાલના માળખાના ઊંડાણપૂર્વકના અભ્યાસને ટાંકવામાં આવ્યો છે અને સ્થળ પરથી પ્રાપ્ત થયેલી કલાકૃતિઓ ટાંકવામાં આવી છે અને તારણ કાઢ્યું છે કે ૧૭મી સદીમાં હાલના માળખાના નિર્માણ પહેલાં એક વિશાળ હિંદુ મંદિર અસ્તિત્વમાં હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લઈ હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

શ્રીકાશી વિશ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટના નેજા હેઠળ બાબા મંદિરના પૂજારીઓ દ્વારા જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં સ્થાપિત મૂર્તિઓની પૂજા, રાગ-ભોગ, આરતી વગેરે પણ ચાલુ રહી હતી. આ સાથે ઉપર જ્ઞાનવાપીમાં શુક્રવારની નમાજ ચાલુ રહી હતી અને નીચે દર્શન અને પૂજાનો ક્રમ ચાલુ રહ્યો હતો. શ્રીકાશી વિશ્વનાથ મંદિરે આવતાં તમામ ભક્તો પણ વ્યાસજીના જ્ઞાનધામમાં જઈ રહ્યાં છે. હાલમાં સામાન્ય મુલાકાતીઓને ભોંયરામાં પ્રવેશવાની મંજૂરી નથી, તેથી વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ લોકો ગેટની બહારથી દર્શન લઈ રહ્યા છે. વ્યાસજીના ભોંયરાના ગેટ પર લોખંડની બેરિકેડિંગ લગાવવામાં આવી છે. ૨૦ ફૂટ દૂરથી ભક્તો દેવી-દેવતાઓનાં દર્શન કરી રહ્યાં છે. બેઝમેન્ટના પ્રવેશદ્વાર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના નિવૃત્ત સંયુક્ત મહાનિર્દેશક ડૉ. બી.આર. મણિ કહે છે કે જો જ્ઞાનવાપીની રચના જેમ્સ પ્રિન્સેપના નકશા સાથે મેળ ખાતી હોય તો મંદિરનું ગર્ભગૃહ ક્યાં છે તે સરળતાથી જાણી શકાય છે. શ્રી રામ મંદિર કેસમાં અયોધ્યામાં ડો. બી.આર. મણિએ સર્વે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ટંકશાળ અધિકારી જેમ્સ પ્રિન્સેપે ૧૮૨૨માં બનારસનો સર્વે કરીને એક નકશો તૈયાર કર્યો હતો. તેમણે બનારસના પુસ્તક વ્યૂ ઓફ બનારસમાં જ્ઞાનવાપીનો નકશો આપ્યો છે. મંદિરના પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે ૧૬૬૯માં તેના ધ્વંસ પહેલાં જ્ઞાનવાપીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરનું અષ્ટકોણનું મંદિર હતું. મંદિરની લંબાઈ ૧૨૫ ફૂટ, પહોળાઈ ૧૨૫ ફૂટ અને ઊંચાઈ ૧૨૮ ફૂટ હતી. ગર્ભગૃહની સાથે ચારેય દિશામાં મંડપ હતા.

પશ્ચિમમાં શ્રૃંગાર મંડપ, પૂર્વમાં જ્ઞાન મંડપ, ઉત્તરમાં ઐશ્વર્ય મંડપ અને દક્ષિણમાં મુક્તિ મંડપ હાજર હતો. ચારેય દિશામાં તેણે પશ્ચિમમાં દંડપાણી, પૂર્વમાં દ્વારપાલ અને ઉત્તર અને દક્ષિણમાં શિવ મંદિર બતાવ્યું છે. ચાર ખૂણા પર તારકેશ્વર, માંકેશ્વર, ગણેશ અને ભૈરવ મંડપ બતાવવામાં આવ્યા છે. જેમાંથી ગર્ભગૃહમાં પ્રવેશ થતો હતો તે ચારે બાજુએથી મધ્ય મંડપ ખાલી હતો. ચારેય ખૂણે આવેલા મંડપમાં દેવતાઓ હાજર હતા. મંદિરને તોડી પાડ્યા બાદ તેના કાટમાળ ઉપર એક ઈમારત બનાવવામાં આવી હતી. આ ઇમારતમાં ત્રણ શિખરો છે, જેમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં એક-એક શિખર સાથે મુખ્ય શિખર છે. કોર્ટમાં મંદિરની બાજુએ તેના મંતવ્યોના સમર્થનમાં જેમ્સ પ્રિન્સેપ દ્વારા બનાવેલો આદિ વિશ્વેશ્વર મંદિરનો નકશો પણ રજૂ કર્યો હતો. જેમ્સ પ્રિન્સેપના નકશાનો ઉલ્લેખ મે, ૨૦૨૨માં થયેલી એડવોકેટ કમિશનરની કાર્યવાહીમાં જ્ઞાનવાપી સ્થિત મા શ્રૃંગાર ગૌરીનાં દર્શન અને પૂજાની માગણીના કેસમાં પણ કરવામાં આવ્યો છે.

કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં જ નંદીજીની પ્રતિમા છે. નંદીજીની પ્રતિમાની સામે જ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીનું ભોંયરું છે. ASI સર્વેમાં પણ આ ભોંયરામાં તપાસ કરવામાં આવી હતી. ASIના સર્વેમાં ભોંયરામાં મંદિર હોવાના અનેક મહત્ત્વના પુરાવા પણ મળ્યા હતા. ભોંયરાના દરવાજાથી લઈને પ્રતિમાઓ સુધી લાલ રંગની સાદડીઓ બિછાવી દેવામાં આવી છે. વ્યાસજીના ભોંયરામાં એક શાશ્વત જ્યોત બળી રહી છે અને શ્રી રામચરિત માનસનો પાઠ ચાલી રહ્યો છે. વ્યાસજીના ભોંયરામાં આવેલી પાંચ પ્રતિમાઓ લાંબા સમયથી માટી અને કાટમાળમાં દટાયેલી હતી, તેથી તેમની છબીને અસર થઈ છે.

ભોંયરાના પ્રવેશદ્વારથી પ્રતિમાઓ વચ્ચે લગભગ ૨૫ ફૂટનું અંતર છે. આવી સ્થિતિમાં દ્વારમાંથી દર્શન કરવા આવતાં ભક્તોને મૂર્તિનો આકાર સ્પષ્ટ થતો નથી. વાસ્તવમાં, મળેલા પ્રતિસાદને કારણે વહીવટીતંત્રે પ્રતિમાઓ પર તેમની તસવીરો લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ASI સર્વેમાં ગઢવાલ સમયના શિલાલેખો સૌથી મહત્ત્વપૂર્ણ છે. શિલાલેખો, કોતરેલા શબ્દો અને અક્ષરોના કાર્બન પરીક્ષણના આધારે એવું માનવામાં આવે છે કે ઘણા શિલાલેખોની છાપ ગઢવાલ સમયના શિલાલેખો સાથે મેળ ખાય છે.

લગભગ ૩૧ વર્ષ પછી પૂજાની શરૂઆતથી જ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં ભક્તોનો અવિરત પ્રવાહ છે. તેનું આકર્ષણ કાશી વિશ્વનાથ ધામ કરતાં વધુ જોવા મળે છે. માત્ર બે દિવસમાં લગભગ ૨.૫ લાખ લોકોએ ભોંયરાની ઝાંખી જોઈ છે. ભક્તોની ભીડ સતત વધી રહી છે. વ્યાસજીના ભોંયરાના ૮ સ્તંભો પ્રાચીન આદિ વિશ્વેશ્વર મંદિરના મહત્ત્વપૂર્ણ પુરાવા છે. અહીંની છત એકદમ જર્જરિત છે. લાંબા સમયથી બંધ હોવાને કારણે તેમાં ભેજ છે, જેના કારણે ૮ હેલોજન લાઇટ સતત પ્રગટાવવામાં આવી રહી છે.

થોડા દિવસો પહેલાં વારાણસી કોર્ટે ભોંયરામાં પૂજા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પછી બીજા જ દિવસે સવારે ૩ વાગે વ્યાસજીનું ભોંયરું ખોલવામાં આવ્યું અને સફાઈ કર્યા પછી પૂજા શરૂ થઈ હતી. આ આદેશ સામે જ્ઞાનવાપી મસ્જિદ કમિટિ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું. આ પછી જ્યારે મુસ્લિમ પક્ષ હાઇકોર્ટમાં ગયો ત્યારે તેણે પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top