Dakshin Gujarat

વ્યારાના પનિયારી ગામે ખેડૂતને પડોશી દંપતી દ્વારા કનડગત, ખેતીમાં રૂકાવટ ઉભી કરી

વ્યારા: વ્યારાના (Vyara) પનિયારી ગામે એક ખેડૂતને (Farmer) પડોશના દંપતી દ્વારા કનડગત કરવા અંગેની ઘટના સામે આવી છે. ખેડૂતે પોતાના ખેતરમાં લેવલિંગ માટે ટ્રેકટર (Tractor) મંગાવ્યું હતું, જેને રોકી રાખીને પડોશી દંપતીએ ઝઘડો ઉભો કર્યો હતો. એટલું જ નહીં, પોલીસ (Police) બોલવતાં આ દંપતીએ પોલીસ સાથે પણ તોછડાઈભર્યું વર્તન કરવા ઉપરાંત પોલીસ મથકે પોલીસની ફરજમાં રૂકાવટનો પ્રયાસ કરતાં, તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૪મીની સવારે ૧૧:૪૫ વાગ્યાનાં અરસામાં પનિયારીનાં રાજુભાઇ પટેલે પોલીસ મથકે ટેલીફોનિક વર્ધી લખાવી હતી કે, તેમની પનિયારી ગામે સડક ફળિયામાં કેનાલની બાજુમાં આવેલ માલીકીની ખેતીની જમીન લેવલીંગ કરાવવા માટે ટ્રેકટર મંગાવ્યું હતું. જે ટ્રેકટરના ચાલકને પનિયારી ગામના સડક ફળિયામાં રહેતાં પરેશ પુનિયા ગામીત અને પ્રિયંકાબેન પરેશ ગામીતે અટકાવી રાખ્યું છે. આ વર્ધીનાં આધારે અ.પો.કો. સંજયભાઇ પ્રવિણભાઇ તેમજ મહિલા પોલીસ સહિત કુલ ચાર જણા પી.સી.આર. નં.GJ-26-G-1294 લઈ બનાવવાળી જગ્યાએ જઈ જોતાં રસ્તામાં એક ટ્રેકટર ઉભું હતું. ટ્રેકટરની આગળ જોતાં પરેશ ગામીત અને પ્રિયંકા ગામીતે તે ટ્રેક્ટર અટકાવ્યું હોવાનું જણાયું હતું. જેથી તેઓને પુછતા પોલીસ સાથે પણ તેમણે તોછડું વર્તન કર્યું હતું.

“તમે અહીં કેમ આવ્યા છો, તમને અહીં કોણે બોલાવ્યા છે, તમારૂં અહીંયા કંઇ કામ નથી” કહી ગમે તેમ બોલવા લાગ્યા હતા. સ્થળે વાતાવરણ બગડે નહી તે માટે આ બંનેને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પણ પરેશ તથા પ્રિયંકા બંને જોર જોરથી અ.હે.કો. ઉદેસીંગને કહેવા લાગ્યા હતાં કે, “તમને કોઇ હક્ક નથી અમને અહીં બોલાવવાનો, અમો કોઇ કાયદામાં માનતા નથી” તેવું કહી પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી હતી. પોલીસ અધિકારી પાસે આવી જોરજોરથી “તમે કેમ ફરીયાદ લેવ છો તમારે કોઇ ફરીયાદ લેવાની નથી” તેમ કહી ફરીયાદની કાર્યવાહી ચાલુ હતી તેમાં પણ અડચણ ઉભી કરી હતી. જેથી પોલીસે પરેશ પુનિયા ગામીત અને પ્રિયંકા ગામીત વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top