પરીક્ષામાં ચોરી કરવું 147 વિદ્યાર્થીઓને ભારે પડી ગયું છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અયોગ્ય ટેરવ્યા છે.
સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલી પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવાયું છે.
યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટીની તાજેતરની બેઠકમાં 147 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની સાથે તેમને આવતા જૂન-જુલાઈ મહિનાની પૂરક પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાને જાળવવી એ યુનિવર્સિટીની પ્રથમ જવાબદારી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન કરવી શક્ય નથી. અમે દરેક કેસની નિષ્ઠાપૂર્વક તપાસ કરી છે અને પુરાવાના આધારે નિર્ણય લીધો છે, તેમ પ્રવક્તાએ જણાવ્યું.
કમિટીએ કરેલી તપાસમાં અલગ અલગ પ્રકારની નકલ અને ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કાપલી સાથે પકડાયેલા 68 વિદ્યાર્થી પાસેથી કાપલીઓમાં લખાયેલ સામગ્રી મળી આવી હતી, જે તેઓ પરીક્ષા દરમ્યાન ઉપયોગમાં લઈ રહ્યા હતા. કાપલીમાંથી લખાણ ઉતારતા 41 વિદ્યાર્થીએ સીધા કાપલીમાંથી જવાબ લખતા ઝડપાયા હતા.
ટેકનોલોજીનો દુરુપયોગ 11 વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ જેવી ડિવાઈસેસ મળી આવી હતી, જેના આધારે નકલ કરવાની શક્યતાઓ વધતી હતી. જ્યારે 1 વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું જ્યારે કેટલાકએ હાથ-પગ, પેન્સિલ-રબર વગેરે ઉપર લખાણ છુપાવવાનું પ્રયત્ન કર્યું હતો.
આક્ષેપિત તમામ વિદ્યાર્થીઓને તેમની બાજુ રજૂ કરવાનો અવસર આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની વાત કમિટી સમક્ષ રજૂ કરી, ત્યારબાદ સમિતિએ તમામ પાસાંઓને ધ્યાને લઈને અંતિમ નિર્ણય લીધો. યુનિવર્સિટીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ગેરરીતિ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે ઈમાનદારીથી અભ્યાસ કરવો જોઈએ. નકલથી યુનિવર્સિટીનું નહીં, પણ પોતાનું નુકસાન થાય છે, તેમ કમિટીના સભ્યએ જણાવ્યું.
