Entertainment

વરૂણ ધવનને ગંભીર બિમારી, કહ્યું- હું મારું બેલેન્સ ગુમાવી ચૂક્યો છું…

મુંબઈ: દિગ્દર્શક ડેવિડ ધવનના દીકરા અને જાણીતા બોલિવુડ અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં વરૂણ ધવન પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે વરૂણ ધવન વિશે ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વરૂણ ધવનને એક ખૂબ જ ગંભીર બિમારી થઈ છે. આ બિમારીના લીધે વરૂણ ધવન પોતાનું બેલેન્સ ગુમાવી ચૂક્યો છે. આ વાતની જાહેરાત ખુદ અભિનેતાએ કરી છે.

વરુણ ધવન (Varun Dhanvan) ટૂંક સમયમાં ‘ભેડિયા’ (Bhediya) ફિલ્મ (Movie) સાથે મોટા પડદા પર આવવાનો છે. આજકાલ તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન છે. બંને અગાઉ ફિલ્મ ‘દિલવાલે’માં જોવા મળ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને પણ ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ઈચ્છાધારી ભેડિયા તરીકે વરુણ ધવનનો લુક દર્શકોને પસંદ આવ્યો છે. વરુણ ધવન ફિલ્મના પ્રમોશનમાં કોઈ કમી નથી કરી રહ્યો.

તાજેતરમાં અભિનેતાએ તેની ભૂમિકા સાથે અંગત જીવનની કેટલીક બાબતો શેર કરી હતી. વરુણ ધવનને વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની (vestibular hypofunction) બીમારી છે. વરુણ ધવને જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની બિમારી સામે લડી રહ્યો છે. આ રોગમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે. કોરોના મહામારી બાદ જ્યારે ધીમે ધીમે જનજીવન નોર્મલ થઈ રહ્યું હતું ત્યારે વરુણ ધવનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે પોતાની જાતને ચેલેન્જ આપીને કામ તરફ આગળ વધવું પડ્યું હતું.

વરુણ ધવને ઈચ્છા વગર પણ કામમાંથી બ્રેક લેવો પડ્યો હતો. જ્યારે વરુણ ધવનને તેની બીમારી વિશે ખબર પડી તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. કોવિડ -19 પછી, જ્યારે વરુણ ધવન કામ પર પાછા ફરવા માંગતો હતો, ત્યારે તેણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. વરુણ ધવને કહ્યું કે જ્યારે આપણે ઘરના દરવાજા ખોલીએ છીએ, ત્યારે ખબર નથી હોતી કે આપણે ઘરની બહાર દોડી રહેલા ઉંદરોની રેસમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. અહીં બેઠેલા કેટલા લોકો કહી શકે કે તેઓ બદલાઈ ગયા છે. હું જોઉં છું કે લોકો પહેલા કરતા વધુ મહેનત કરવા લાગ્યા છે. મેં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માટે મારી જાત પર એટલું દબાણ કર્યું કે મને લાગવા માંડ્યું કે હું કોઈ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છું. મને ખબર નથી કે હું શા માટે મારી જાતને આટલા બધા તણાવ અને દબાણમાં મૂકું છું, પણ મેં કર્યું.

વરુણ ધવને વધુમાં કહ્યું કે થોડા દિવસો પહેલા મેં એ હકીકત સ્વીકારી હતી કે મને વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની બીમારી છે. મને ખબર નથી કે મારી સાથે શું થયું છે, પરંતુ મને લાગ્યું કે જીવનમાં સંતુલન મહત્વપૂર્ણ છે. પણ મારું આ સંતુલન ખોરવાઈ ગયું છે. હું મારી જાતને પ્રેશરાઈઝ્ડ કરવા લાગ્યો. અમે ફક્ત ઉંદરોની રેસમાં દોડી રહ્યા છીએ. મને લાગે છે કે જો આપણે આ દુનિયામાં આવ્યા છીએ, તો આપણે કોઈ મોટા હેતુ માટે આવ્યા છીએ. હું મારો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું આશા રાખું છું કે અન્ય લોકોને પણ આ હેતુ મળશે.

વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન શું છે?
વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન એ કાનની અંદરની સંતુલન સિસ્ટમ છે જે યોગ્ય રીતે કાર્ય કરતી નથી. કાનની અંદર વેસ્ટિબ્યુલર સિસ્ટમ છે જે આંખ સાથે કામ કરે છે અને સ્નાયુઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે કાન દ્વારા સાંભળવામાં આવતી વસ્તુઓ મગજ સુધી યોગ્ય રીતે પહોંચતી નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને ચક્કર આવવા લાગે છે.

Most Popular

To Top