SURAT

વરાછાના વિદ્યાર્થીઓએ ફરી કર્યો કમાલ, 12 સાયન્સમાં સુરતમાં સૌથી વધુ વરાછા ઝોનનું પરિણામ

સુરત: (Surat) કોરોનાની (Corona) વિકટ પરિસ્થિતિમાં સુરત શહેરના વરાછામાં (Varacha) વસતા અનેક સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારોએ (Diamond Worker) નોકરી ગુમાવી હતી, પરંતુ તેની અસર તેજસ્વી વિદ્યાર્થીઓના (Students) અભ્યાસ પર પડી હતી. આજે ધો. 12 સાયન્સના (12 science) જાહેર થયેલા પરિણામમાં (Result) ફરી એકવાર વરાછાના વિદ્યાર્થીઓએ કમાલ કરી દેખાડ્યો છે. સુરત શહેરમાં સૌથી સારું પરિણામ વરાછા ઝોનનું જોવા મળ્યું છે. તેમાંય રત્નકલાકારોના દીકરા-દીકરીઓએ તો એ-1 અને એ-2 ગ્રેડમાં પાસ થઈ વિદ્યા કોઈની જાગીર નથી તે સાબિત કરી દીધું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સુરત શહેર અને જિલ્લાનું સરેરાશ ૭૧.૭ ટકા પરિણામ જાહેર થયું છે. સુરત શહેરની જ વાત કરીએ તો સુરત શહેરમાં ૮૧.૫૭ ટકા, વરાછામાં ૮૭.૭૩ ટકા, રાંદેરમાં ૮૨.૦૯ ટકા, નાનપુરાનું ૭૪.૬૫ ટકા અને ઉધના નું ૬૨.૩૮ ટકા પરિણામ નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તાર નું જે પરિણામ જાહેર થયું છે તેમાં બારડોલીનું ૬૫.૯૪ ટકા, કામરેજ નું ૭૭.૩૪ ટકા, કામનું ૮૭.૭૩ ટકા, માંડવીનું ૫૩.૦૨ ટકા અને વાંકલનું ૫૭.૫૦ ટકા પરિણામ જાહેર થયું છે.

રત્નકલાકારની દીકરી કાશ્વી ભંડેરી 99.83 પર્સન્ટાઈલ અને 91 ટકા સાથે ઉત્તીર્ણ થઈ છે. તેણીએ કહ્યું લોકડાઉનના લીધે હીરાના કારખાના બંધ થઈ જતા પરિવારમાં આર્થિક સંકટ ઉભો થયો હતો, પરંતુ પિતાએ હિંમત આપી. તેમણે કહ્યું, બેટા તું ભણવા પર ધ્યાન આપ બાકી બધી વ્યવસ્થા હું કરી લઈશ. આખરે હું સારું પરિણામ લાવી શકી. અન્ય વિદ્યાર્થી શૈનીલ કાલસરિયાએ કહ્યું કે, કોરોનાના લીધે ખૂબ તકલીફ પડી. એક તરફ ઓનલાઈન એજ્યુકેશન માટે વાઈફાઈ, લેપટોપ, મોબાઈલની આવશ્યકતા ઉભી થઈ ત્યાં બીજી તરફ પિતાનું કામકાજ ઘટી જતા પરિવારનો નિર્વાહ કરવામાં આર્થિક મુશ્કેલી પડવા લાગી હતી. મન ખૂબ વિચલિત થયું હતું, પરંતુ આખરે તમામ પડકારો પાર કરી હું મારું લક્ષ્ય મેળવવામાં સફળ રહ્યો છું. હું આગળ કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છું છું.

સાગર વેકરીયા નામના વિદ્યાર્થીએ કર્યું, અપેક્ષા કરતા સારું પરિણામ આવ્યું છે. 99.53 પર્સન્ટાઈલ અને 89.04 ટકા આવ્યા છે. મારી સફળતામાં મોટો ફાળો શાળાનો રહ્યો છે. પિતા રત્નકલાકાર છે. આર્થિક સ્થિતિ કથળી હતી. સારા માર્કસ મેળવવાનું મારું લક્ષ્ય હતું. જે મે મેળવ્યું છે. આઠમા ધોરણથી જ કમ્પ્યૂટર સાયન્સમાં જવાનું નક્કી કર્યું હતું. તે જ દિશામાં હવે હું આગળ વધી શકીશ.

તમને જણાવી દઈએ કે ધોરણ 12 સાયન્સનું 72.07 ટકા પરિણામ આવ્યું છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓ એ-1 અને એ-2 ગ્રેડમાં સૌથી વધુ છે. એ-1માં 42 અને એ-2માં 636 સુરતના વિદ્યાર્થી પાસ થયા છે.

Most Popular

To Top