Dakshin Gujarat

કપરાડાના ગામવાસીઓ જીવના જોખમે પુલપાર કરવા પર મજબુર : તંત્રની ઉદાસીનતા લોકે જ બનાવ્યો પુલ

વલસાડ : વલસાડ (Valsad ) જિલ્લાના કપરાડા (Kaprada) તાલુકાના આમધા ગામના નિશાળ ફળિયાના (Nisad Faliya) લોકો વર્ષોથી પસાર થતી ખાડી ઉપર કોઝવેની (Causeway) માગણી કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે લોકોએ વાસ અને લાકડાનો નાનો પુલ (Bridge) બનાવી નીચેથી ખાડીના ધસમસતા પાણી વચ્ચે જાનના જોખમે વાસના પુલની પગ દંડી ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. સાથે બરડા ફળિયા અને કાઠ્યા ફળિયાના વિદ્યાર્થીઓએ શાળામાં જવા, લોકોએ કામ ધંધે જવા વાસના પુલનો ઉપયોગ કરે છે.

ચોમાસુ શરૂ થતા જ મહામુસીબતનો સામનો
સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડામાં ઘણા બધા ગામોમાં હજી અનેકવિધ સમસ્યાઓ નિવારી શકાઈ નથી. આવું જ એક ગામ આમધા છે, જ્યાના નિશાળ ફળિયામાં રહેવાસીઓને ચોમાસુ શરૂ થતા જ મહામુસીબતનો સામનો કરવો પડે છે. ચોમાસાના ચાર મહિના ગામના લોકોએ જીવને જોખમમાં મૂકી અને ગામ વચ્ચેથી પસાર થતી એક ખાડી પસાર કરવી પડે છે. ગામ વચ્ચેથી પસાર થતી ખનકી પર કોઈ પુલ કે કોઝવે નહીં હોવાથી ગામના લોકોએ જીવને જોખમમાં મૂકી અને આ ખનકી પસાર કરવી પડે છે.

ખનકી પસાર કરવા માટે જાતે જ એક લાકડાનો પુલ બનાવ્યો
લોકોએ આ ખનકી પસાર કરવા માટે જાતે જ એક લાકડાનો પુલ બનાવ્યો છે અને લાકડાના આ પુલના સહારે જ લોકો ચોમાસાના ચાર મહિના આ ખનકી પસાર કરવી પડે છે. જે પુલ પણ જર્જરીત છે. ગામ વચ્ચેથી આ ખનકી પસાર થતી હોવાથી ગામના એક છેડાથી બીજા છેડા સુધી કે ગામના અન્ય ફળિયાઓને જોડતી આ ખનકીને પસાર કરવા જીવને જોખમમાં મૂકવું પડે છે. આથી લોકોએ જાતે જ મહેનત કરી અને એક લાકડાનો નાનો કામચલાઉ પુલ બનાવ્યો છે. લાકડાના આ પુલના સહારે જ લોકો ખનકીના એક છેડાથી બીજા છેડા તરફ જાય છે.

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં ખાડા પુરવાનું મુહૂર્ત હજી પાલિકાએ કાઢ્યું નથી
નવસારી : નવસારીના દરગાહ રોડ પર પાલિકા તંત્રએ નવો રસ્તો બનાવ્યો હતો. પરંતુ હાલના ચોમાસાને લીધે 2 વર્ષમાં જ રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ચોમાસાની શરૂઆત થતા જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી શહેરી વિસ્તાર સહીત ગામડાઓના રોડમાં ખાડાઓ પડ્યા હતા. જોકે વહીવટી તંત્રએ રોડના રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી. પરંતુ નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડાઓ પુરવાનું મુહુર્ત હજી સુધી પાલિકાએ કાઢ્યું નથી તેવું લાગી રહ્યું છે.

નવસારી અને વિજલપોર શહેરમાં રોડ પર ખાડાઓ અને ભૂવાઓ પડતા પાલિકા વિસ્તાર ખાડા નગરી અને ભુવા નગરી તરીકે જાણીતી થઇ છે. નગરપાલિકાના વોર્ડ નં. 7 ના પ્રજાપતિ આશ્રમથી દરગાહ રોડ તરફ જતા રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે. જે ખાડામાં વરસાદી પાણી ભરાયેલા રહે છે.

વેરાની રકમમાં વધારો પણ પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ
નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ પાલિકાએ વેરાની રકમ વધારી દેતા શહેરીજનો પર આર્થિક ભારણ નાંખી દીધું હતું. પરંતુ પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં આવા ઘણા વિસ્તારોમાં આવેલા રોડ પર ખાડાઓ પડ્યા છે. પરંતુ પાલિકા તંત્ર ઊંઘમાં હોય તેમ રોડના રિપેરીંગ કરવાની તસ્દી સુધ્ધા લઈ રહ્યું નથી. જેના કારણે શહેરીજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top