Dakshin Gujarat

બારડોલી-નવસારી રાજ્ય ધોરી માર્ગથી બે કિ.મી.ના અંતરે રાણત એપ્રોચ રોડ પર આવેલું બારડોલી તાલુકાનું ગામ વડોલી

બારડોલી-નવસારી રાજ્ય ધોરી માર્ગથી બે કિ.મી.ના અંતરે રાણત એપ્રોચ રોડ પર આવેલું વડોલી ગામ વિકાસની કેડીએ આગળ વધી રહેલું દેખાય છે. ગામમાં ચરોતરિયા પાટીદાર સમાજ ઉપરાંત હળપતિ, પ્રજાપતિ, આહીર, માહ્યાવંશી સમાજના લોકોની વસતી છે. આ ઉપરાંત અનાવિલ, મૈસુરીયા સમાજના પણ એકાદ બે પરિવાર ગામમાં વસવાટ કરે છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં શેરડી અને ડાંગરની ખેતી મુખ્ય છે, તો કેટલાક ખેડૂતો આંતરપાક તરીકે શાકભાજીની ખેતી પર પણ હાથ અજમાવતા હોય છે.

બારડોલી, મહુવા અને ગણદેવી સુગર ફેક્ટરી નજીક હોવાથી ગામના મોટા ભાગના ખેડૂતો રોકડિયા પાક ગણાતા શેરડીની ખેતીને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત નવસારી પણ નજીક હોવાથી અને ત્યાં વિકસેલા પૌંવામિલના ઉદ્યોગને કારણે કઇંક અંશે ખેડૂતો ડાંગરની ખેતી પણ કરતા આવ્યા છે. ખેતી ખાસ કરીને નહેરના પાણી પર નિર્ભર છે. તો કેટલાક ખેડૂતો બોરવેલ મારફતે પણ પાણી મેળવી રહ્યા છે.

જો કે, અનિયમિત વીજળીને કારણે ખેડૂતોને ઘણી વખત સિંચાઇમાં મુશ્કેલી પડતી હોય છે. સરકાર દ્વારા 10 કલાક દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થઈ શકે એમ છે. ગામનો ભૌગોલિક વિસ્તાર 447.31 હેક્ટરમાં ફેલાયેલો છે. વડોલી બારડોલી તાલુકાનું છેવાડાનું ગામ છે. ગામને મહુવા તાલુકાના કાની અને રાણત તેમજ બારડોલી તાલુકાના બાબલા, ઝાખરડા, તરભોણ અને અંચેલી ગામની સીમા લાગે છે. મહુવા અને બારડોલી તાલુકા મથક સાથે આ ગામ સીધું સડક માર્ગ સાથે જોડાયેલું છે.

જિલ્લા મથક સુરત અહીંથી લગભગ 45 કિ.મી. જેટલા અંતરે છે. લોકોએ ધંધા રોજગાર માટે બારડોલી, નવસારી અને સુરત જેવાં શહેરો પર આધાર રાખવો પડે છે. આ ઉપરાંત પલસાણા અને કડોદરા પણ નજીક હોય અહીંની મિલોમાં પણ લોકો રોજીરોટી માટે જતા થયા છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો ગામમાં મૂળ વસતી પ્રજાપતિ, હળપતિ અને માહ્યાવંશી સમાજની છે. જ્યારે પાટીદારો વર્ષો અગાઉ ચરોતર પ્રદેશમાંથી અહીં આવીને વસ્યા હોવાનું માનવા આવે છે. ખેતીથી સમૃદ્ધ આ ગામમાં વિકાસની ગતિએ પણ જોર પકડ્યું છે.

ગામમાં આવેલાં દરેક ફળિયાંમાં તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે. પીવાના પાણીની સુવિધા, ગટરલાઇન, ડામર રોડ તેમજ સીસી રોડ, પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. નલ સે જલ યોજના થકી દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સરકારી યોજના અંતર્ગત આવાસ યોજનાનાં કામો પણ ચાલી રહ્યાં છે. પાટીદાર સમાજના મોટા ભાગના લોકો ઉપરાંત પ્રજાપતિ અને આહીર સમાજના કેટલાક પરિવારો પણ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. આ પરિવારો પણ વતનનું ઋણ અદા કરવા માટે ગામના વિકાસમાં પોતાને બનતી મદદ કરતા આવ્યા છે. ગામના મંદિર સહિતનાં સ્થળો પર જરૂરી મદદ માટે એન.આર.આઈ. પરિવારો હંમેશાં પોતાનો સહયોગ આપતા આવ્યા છે. તમામ જ્ઞાતિના યુવાનો પણ ગામના વિકાસમાં હંમેશાં તત્પર રહેતા હોય છે. જેને કારણે આજે સામાજિક એકતા પણ જળવાઈ રહી છે.

ચૂંટણીમાં ઉમેદવારી ન થતાં ત્રણ વોર્ડ હજી પણ ખાલી
વડોલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી વર્ષ-2021માં યોજાઇ હતી, જેમાં કુલ 8 વોર્ડ પૈકી ત્રણ વોર્ડમાં એકપણ ઉમેદવાર નોંધાયો ન હોવાથી હાલ ત્રણેય વોર્ડ ખાલી છે. ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જાહેર થઈ ન હોવાથી હાલ સરપંચ સહિત કુલ 6 જણાની બોડી જ ગ્રામ પંચાયતનો વહીવટ કરી રહી છે. મોટું ગામ હોવા છતાં ત્રણ વોર્ડ ખાલી હોય વહેલી તકે આ વોર્ડ માટે પેટા ચૂંટણી કરાવવામાં આવે તેવી પણ ગ્રામજનો માંગ કરી
રહ્યાા છે.

આ સુવિધાની ખોટ: પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન નવું બનાવવા માંગ
વડોલી ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં આજુબાજુનાં ગામોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હોય છે. આ શાળાનું મુખ્ય મકાન ખૂબ જ જૂનું હોવાથી હાલ જર્જરિત થઈ ચૂક્યું છે. ગામના વિદ્યાર્થીઓને શાળામાં વધુ સારી સુવિધા મળી રહે તેમજ યોગ્ય મકાન મળે એ માટે ગ્રામજનો સતત જાગૃત રહે છે. ગ્રામજનોની એક માંગ છે કે, શાળાના જૂના મકાનની જગ્યાએ નવા મકાનની સરકાર તરફથી ફાળવણી કરવામાં આવે. જેથી બાળકો શાંતિપૂર્વક બેસીને અભ્યાસ કરી શકે. ધોરણ-8 સુધીની શાળા હોવાથી વધુ અભ્યાસ માટે સરભોણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને જવું પડે છે. વડોલી ગામથી વિદ્યાર્થીઓને આવવા-જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ હોય વિદ્યાર્થીઓને સરળતાથી વધુ અભ્યાસ માટે સરભોણ સુધી જઇ શકે છે.

ગામમાં હર ઘર નળ યોજના હેઠળ પીવાના પાણીની સગવડ ઉપલબ્ધ
ગામના સરપંચો અને ગ્રામ પંચાયત બોડી તેમજ તલાટી કમ મંત્રીના વિકાસલક્ષી અભિગમને કારણે ગામના લગભગ દરેક ફળિયામાં હર ઘર નળ યોજનાનો અમલ થઈ રહ્યો છે. લોકોને દૂર સુધી પાણી લેવા માટે જવું ન પડે તે માટે સરકારી યોજના થકી તમામ ઘરો સુધી પાણીની પાઇપલાઇન કરવાનું કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત બાકી ઘરોને પણ તાત્કાલિક નલ સે જળ યોજના હેઠળ જોડવામાં આવશે.

એસ.ટી. બસની સુવિધા અપૂરતી
વડોલી ગામ બારડોલી નવસારી રાજ્ય ધોરી માર્ગથી 2 કિ.મી. જેટલા અંતરે આવેલું છે. ગામના સામાન્ય માણસોએ બારડોલી, નવસારી કે સુરત જવું હોય તો બસ પકડવા માટે બે કિ.મી. સુધી ચાલીને આવવું પડે છે. ગામમાં બસ આવે છે પરંતુ સવાર અને સાંજ માત્ર વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા માટે જ આવે છે. ગામના લોકોને તાલુકા મથક સુધીની સીધી બસ સેવા મળતી ન હોય ગરીબ અને સામાન્ય પરિવારના લોકોને અવરજવર માટે મુશ્કેલી પડે છે. દિવસ દરમિયાન સીધી બારડોલી, નવસારી અને સુરતને જોડતી બસ સેવા મળે તો આજુબાજુના રાણત, અમરોલી, ભૂવાસણ, બાબલા સહિતનાં ગામોને પણ ફાયદો થઈ શકે એમ છે.

યુવાનો માટે રોજગારીની તક નહીંવત: નોકરી માટે સુરત અને નવસારી ઉપર આધાર
ગામમાં રોજગારીની તક નહીંવત છે. મોટા ભાગના હળપતિ સમાજના લોકો ખેતરોમાં મજૂરીકામ કરી રોજીરોટી મેળવે છે. ભણતર વધ્યું હોય યુવા વર્ગે ખેતમજૂરી તરફથી મોં ફેરવી લીધું છે. પરંતુ ભણેલા યુવાઓને નજીકમાં નોકરી મળવી મુશ્કેલ છે. દરેક સમાજના યુવાઓ ઉચ્ચ અભ્યાસ કરી નોકરીની શોધમાં સુરત, નવસારી અને બારડોલી જેવા શહેરો પર આધાર રાખવો પડે છે. નજીકમાં એવી કોઈ રોજગારી પૂરી પાડે એવા ઉદ્યોગો વિકસ્યા નથી. જેને કારણે યુવાધન શહેરો તરફ પલાયન થવા લાગ્યું છે.

બારડોલી સત્યાગ્રહ વખતે મોડી રાત્રે વડોલી પહોંચેલા સરદાર પટેલે ઓટલા પર જ રાતવાસો કર્યો
આઝાદીની ચળવળ તેની ચરમસીમા પર હતી. ઠેર ઠેર ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતા મેળવવા માટે સત્યાગ્રહો થઈ રહ્યા હતા. બારડોલી પંથકમાં પણ અંગ્રેજોએ ખેડૂતો પર આકરા કરવેરા નાંખતાં ખેડૂતોની કમર ભાંગી ગઈ હતી. આથી સરદાર પટેલની આગેવાનીમાં વર્ષ-1928માં બારડોલી સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. લોકજાગૃતિ માટે સરદાર પટેલ તેના સાથીદારો સાથે બારડોલી વિસ્તારના ગામેગામ ફર્યા હતા. સરભોણને પણ રચનાત્મક કામો માટે છાવણી બનાવી હોય એક દિવસ આ વિસ્તારમાં સરદાર પટેલ વિચરણ કરી રહ્યા હતા. ત્યારે રાત્રિના બે વાગ્યાની આસપાસ બારડોલીથી 12 કિ.મી. દૂર આવેલા વડોલી પહોંચ્યા હતા. અને તેમણે ગામના ગોપાળજી નાયકના ઓટલે જ રાતવાસો કરી દીધો હતો. આ ઘટનાને ગ્રામજનો આજે પણ ભૂલ્યા નથી. રાત્રિને કોઈને પણ ઉઠાડ્યા વગર તેમણે ઓટલા પર જ રાતવાસો કર્યો હતો. સવારે જ્યારે ખબર પડી કે સરદાર પટેલ ગામમાં આવ્યા છે ત્યારે આખું ગામ તેમને મળવા માટે આવી પહોંચ્યું હતું. સવારે એકઠા થયેલા ગ્રામજનોને તેમણે કહ્યું હતું કે, ખેડૂતો આખો દિવસ સખત મહેનત કરી થાકેલા હોય તેમને ઉઠાડવાનો મારો સ્વભાવ નથી. સરદાર પટેલે લીધેલી અચાનક મુલાકાતથી ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

ગામની ડેરીમાં રોજનું અંદાજિત 1200 લીટર દૂધ આવે છે
ગામમાં ખેતી બાદ બીજો વ્યવસાય પશુપાલનનો છે. પશુપાલનનો વ્યવસાય સારો વિકસ્યો હોવાથી અહી વર્ષ-996માં વડોલી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. દૂધમંડળીના મંત્રી પ્રકાશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમારી મંડળીમાં રોજ સવાર સાંજ મળીને 1100થી 1200 લીટર દૂધ આવે છે. જે અહીં એકત્રિત કર્યા બાદ તેને સુરતની સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી)માં પહોંચાડવામાં આવે છે. તેમની મંડળીને વર્ષ 2015-16માં સુમુલ ડેરીની મંડળીઓ પૈકી સભાસદોને દૂધનો સારો ભાવ આપવા બદલ બીજા નંબરે આવતાં એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. દૂધમંડળીની સારી કામગીરીને કારણે વડોલીનું નામ જિલ્લામાં ખૂબ જ માનથી લેવામાં આવે છે.

NRIઓનો સહયોગ
ગામના વિકાસમાં સરકારી યોજનાઓની સાથે સાથે કઇંક અંશે NRI પરિવારોનો પણ સહયોગ મળી રહેતો હોય છે. ગામમાં નાનાં-મોટાં કામોમાં NRI પરિવારો પોતાનું યોગદાન આપી વતનનું ઋણ અદા કરે છે. ગામના અનેક પરિવારો યુ.એસ.એ., યુ.કે., પનામા, કેનાડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થાયી થઈ ત્યાં ધંધા રોજગાર વિકસાવ્યા છે. જેનો લાભ ગામને પણ મળતો હોય છે. નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન NRIના આગમનથી ગામનું વાતાવરણ મહેકી ઊઠે છે.

પ્રવેશદ્વાર ગામના પાદરની શોભા વધારે છે
રાજ્ય ધોરી માર્ગથી બે કિ.મી. કાપી વડોલી પહોંચતાની સાથે જ ગામનો આલીશાન પ્રવેશદ્વાર જાણે આપનું સ્વાગત કરતો હોય તેમ અડીખમ ઊભો છે. આ પ્રવેશદ્વાર ગામના જ પનોતા પુત્ર યશવંતભાઈ લલ્લુભાઈ પટેલે તેમનાં માતા-પિતા ગંગાબેન લાલુભાઈ પટેલ અને લલ્લુભાઈ માવજીભાઈ પટેલના સ્મરણાર્થે ગામને વર્ષ-2007માં બનાવી આપ્યો હતો. આ પ્રવેશદ્વારને કારણે ગામની શોભા ઔર વધી જાય છે.

ગામનાં મહિલા પશુપાલન થકી કરોડપતિ થયાં, અમદાવાદ ખાતે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ
માત્ર 9 ધોરણ પાસ વૈશાલીબેન પ્રકાશભાઈ મિસ્ત્રી સ્ત્રીસશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ પશુપાલનના વ્યવસાય થકી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરે છે. તેમની પાસે હાલમાં ગાય ભેંસ મળી 120 જેટલાં પશુ છે. ગત વર્ષે તેમણે 1.90 લાખ લીટર દૂધ ગામની દૂધમંડળી થકી સુમુલ ડેરીને પહોંચાડ્યું હતું. તેમને દૂધના વ્યવસાય થકી 90થી 95 લાખ રૂપિયાની આવક થઈ હતી. પશુપાલનના વ્યવસાય થકી વૈશાલી મિસ્ત્રી સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યાં હતાં. તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ખાતે અમૂલ ડેરીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ રોજના 650 લીટર જેટલું દૂધ ડેરીમાં ભરે છે. તેઓ દૂધમાંથી ઘરે જ બાયપ્રોડક્ટ પણ બનાવે છે અને તેમાંથી પણ કમાણી કરે છે. તહેવારો પર મીઠાઇ, શ્રીખંડ, ઘારી, માવો સહિતની પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કરે છે. ઘરે કાયમ મીઠાઇ અને શ્રીખંડનું છૂટક વેચાણ પણ કરે છે. ઉપરાંત તેઓ સુરત જિલ્લા સહકાર ભારતીની મહિલા શાખામાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે.

ખેડૂતોની સમસ્યા: ગામમાં કૃષિ માટેનો વીજ પુરવઠો દિવસ દરમિયાન નિયમિત મળવો જોઈએ
વડોલી ગામ ભૂમિપુત્રોનું ગામ છે. લગભગ દરેક સમાજના લોકો પાસે નાની મોટી માત્રામાં ખેતીની જમીન છે. જેમાં તેઓ શેરડીથી ડાંગરનો પાક કરતાં આવતા હોય છે. ખેતી માટે સિંચાઇની સગવડ ખૂબ જ જરૂરી છે. કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય કૅનાલ મારફત વડોલીને સિંચાઇનું પાણી મળી રહે છે. પરંતુ કેટલાક ખેડૂતો પોતાના બોરવેલ થકી ખેતરમાં સિંચાઇ કરતાં આવ્યા છે. આ માટે તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી વીજ જોડાણ લીધા છે. પરંતુ વીજ કંપની દ્વારા દિવસ રાત એમ રોટેશન મુજબ માત્ર આઠ જ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. જ્યારે રાત્રે પુરવઠો આપવામાં આવે છે ત્યારે શિયાળા જેવી ઋતુમાં ખેડૂતોને માટે પાણી મૂકવું મુશ્કેલ બની જાય છે. કડકડતી ઠંડીમાં ખેતરમાં જઈ ન શકાય તેવી પરિસ્થિતિ હોય છે. જેને કારણે દિવસ દરમિયાન જ નિયમિત પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજ પુરવઠો મળે તો ખેડૂતોને મોટી રાહત થાય એમ છે.

ગામનાં મંદિરો આસ્થાનાં પ્રતીક
વડોલી ગામમાં અનેક મંદિરો આવેલાં છે. લગભગ દરેક ફળિયામાં મંદિરો જોવા મળી રહ્યાં છે. ગામના પાદરે જ ત્રણથી ચાર મંદિરો આવેલાં છે, જેમાં સૌથી જૂનું મંદિર એટલે ખોડિયાર માતાનું મંદિર. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અહીં ખોડિયાર માતા હાજરાહજૂર હોવાની લોકવાયકા છે. ખોડિયાર માતાના મંદિરને કારણે જ ગામમાં મોટી ચોરી કે લૂંટની ઘટના બનતી ન હોવાનું લોકોનું માનવું છે. બીજી તરફ ગામના પાદરે આવેલું રામજી મંદિર પર ગામની શોભા વધારી રહ્યું છે. આ મંદિરની સામે જ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત આહીરવાસમાં હિંગળાજ માતાનું મંદિર સ્થિત છે.

ગામના ભીખુભાઈ પટેલે સ્વતંત્ર ચળવળમાં ભાગ લીધો હતો
વડોલી ગામના વડીલ ભીખુભાઈ નટુભાઇ પટેલે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈ ગામનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ-1919માં જન્મેલા ભીખુભાઈ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલથી પ્રેરાઈને તે સમયે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. ગામના એક વડીલે આઝાદીની લડતમાં સહયોગ આપવાની વાતથી ગ્રામજનો પણ ગૌરવની લાગણી અનુભવે છે. જો કે, ભીખુભાઈનું 7/9/1987ના રોજ અવસાન થયું હતું. તેઓને સ્વતંત્રસેનાની તરીકેના લાભો મળતા હતા, તે આજે તેમની પત્ની ભાનુબેન ભીખુભાઈ પટેલને મળી રહ્યા છે.

Most Popular

To Top