Dakshin Gujarat

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની સંપાદિત જમીન માટે વળતર આપવાની નીતિથી ખેડૂતો નારાજ

ભરૂચ: વડોદરા-મુંબઈ (Vadodra Mumbai) એક્સપ્રેસ-વેમાં (Express way) જમીન (Land) ગુમાવનારા વડોદરા અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો (Farmer) સંપાદિત થયેલી જમીનના પૂરતા વળતર મુદ્દે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલકના કહેવા મુજબ ભરૂચના આશરે ૧૪૦૦ અને વડોદરાના આશરે ૯૦૦ ખેડૂતો વળતર આપવાની નીતિથી નારાજ છે.

ખેડૂતોને થતા અન્યાય મુદ્દે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ સંબંધિત મંત્રીઓને એવા પત્ર દ્વારા લખવામાં આવ્યો છે કે, એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેનમાં ૨૦૧૧ પ્રમાણેની જંત્રી મુજબ વળતર આપવાની નીતિ સામે વિરોધ થતાં તેને ધ્યાનમાં રાખીને પરિપત્રો બહાર પાડી સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને અનુક્રમે પ્રતિ ચોરસ મીટર ૮૯૧, ૯૦૦ અને ૧૦૪૦ રૂપિયા વળતર આપવા આરબીટ્રેટરે હુકમ કરતાં તે મુજબ વળતર ચૂકવી દીધું છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભરૂચ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને વળતર અપાયું છે, તેવું આપવા આશ્વાસન આપ્યું હતું. ચૂંટણી પૂરી અને ખેડૂતોને આપેલા આશ્વાસનનો છેદ ઉડાડી યોગ્ય વળતર ન અપાતાં ભારે નારાજ થયા છે. જેને લઈને હાલ ભરૂચ જિલ્લામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, એક જ રાજ્યના ખેડૂતોની સંપાદિત જમીનનું વળતર ચૂકવવામાં ભેદભાવની નીતિ અપનાવતાં ખેડૂતોએ સમાન વળતર ચૂકવી અન્યાય નહીં કરવા માંગ કરી છે.

ભરૂચમાંથી પસાર થતો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન થયા બાદ તેના વળતર બાબતે ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી હતી. ભરૂચ જિલ્લામાં સંપાદિત કરેલાં 32 ગામોમાંથી પસાર થતો 70 કિમી જેટલો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે છેલ્લાં અઢી વર્ષથી વળતરના મુદ્દે વિરોધના વિઘ્નમાં હતો. ભરૂચ જિલ્લાના 1500 ખેડૂતોની 2700 એકર જમીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત થઈ છે. જો કે, જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ જિલ્લાને અપાયેલા 900નો ભાવને લઈ વિરોધમાં અડ્યા રહ્યા હતા. કલેક્ટર તુષાર સુમેરાએ અગાઉ આપેલા ભાવોને લઈ NHAI કોર્ટમાં ગયું હતું. નવો ભાવ 370 ખેડૂતોને મંજૂર ન હતો.

બુધવારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ડી.કે.સ્વામી, રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટરે ખેડૂતોને ઊંચી જંત્રીને લઈ જિલ્લાના તમામ ખેડૂતોને થનારી અસરોથી વાકેફ કર્યા હતા. અંતે રૂપિયા 600 લેખે ભાવ મળે એ માટે સર્વ સહમતી સધાતાં વિરોધ, વિવાદનો અંત આવે તેવી સુખદ સ્થિતિ સર્જાવા સાથે ખેડૂતોમાં પણ રાહત અને ખુશી જોવા મળી રહી છે. ભરૂચથી હવે દોઢ વર્ષથી અટકેલા એક્સપ્રેસ વેનું કામ સડસડાટ ચાલતાં આગામી સમયમાં વડોદરાથી અંકલેશ્વર સુધીનો એક્સપ્રેસ વેનો ભાગ કાર્યરત થઈ જાય તેવી ઊજળી તકો સર્જાઈ છે.

Most Popular

To Top