Gujarat

પાંજરાપોળની કરોડોની જમીને રાજકીય રંગ પકડ્યો

ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) કલોલ તાલુકાના મૂલસણ ગામની પાંજરાપોળની લીઝ હેઠળની કરોડોની જમીન (Land) છૂટી કરી દઈને તેને એનએ પરવાની આપવાના કૌભાંડના (SCAM) મામલે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મૌન તોડીને વળતો રાજકીય પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગીના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમીત ચાવડા તથા ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાએ મારી ઉપર લગાવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા તથા જૂઠ્ઠા છે. મૂલસણની જમીનના પ્રકરણમાં મેં પૂર્વ આઈએએસ અધિકારી વિનય વ્યાસાને તપાસનો આદેશ આપ્યો છે. હવે વ્યાસાએ તેમનો વચગાળાનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં લાંગાએ 5000 કરતાં વધુ હુકમો કરેલા છે, તે તમામ આદેશોમાં તપાસ ચાલી રહી છે , એટલું જ નહીં તેમાં ખોટુ કર્યુ છે.

રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસના અમીત ચાવડાના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ, અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયા રિપોર્ટના આધારે જ અમિત ચાવડા પ્રેસ કોન્ફોરન્સ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે અમિતભાઈને કંઇ યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેવી જ રીતે લાંગા પણ મારી પર દોષનો ટોપલો ઢોળી રહ્યો છે, તે પણ વાત તદ્દન ખોટી છે.

6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નિમિ હતી. મેં પોતે આદેશ આપ્યા હતા કે લાંગા સામે ફરિયાદો આવે છે. જેથી કાર્યવાહી થવી જોઈએ. મે જ ઇન્ક્વાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં. પ્રથમ તો પાંજરાપોળની માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતું વળગતું નથી. લાંગા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ ૦૬/૧૦/૨૦૨૦ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી નિવૃત્ત અધિકારી વિનય વ્યાસાને તપાસ સોંપવામાં આવી હતી અને તેના આધારે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાલની સરકાર દ્વારા તપાસ કરાતા પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે.

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગા પોતાના વિરુદ્ધ થયેલ હુકમથી છંછેડાઈ, હાઈ પાવર કમિટીની જુઠ્ઠી વાતો ફેલાવીને સ્વબચાવ માટે મને રાજકીય રીતે બદનામ કરવાનો દ્વેષયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર સચ્ચાઈ હોય તો લાંગા પોતાની સહીથી સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની હિંમત કરે , અનામી પત્ર લખીને રાજકીય રીતે બદનામ કોઈને બદનામ કરવાની કુચેષ્ટા બંધ કરવી જોઈએ.

રૂપાણીએ જણાવ્યું હતું કે હાઈપાવર કમિટીની મિટિંગમાં ક્યારેય પાંજરાપોળની જમીન અંગે કોઈ ચર્ચા જ થઈ નથી. હાઈપાવર કમિટીની મીટીંગ નીતિવિષયક બાબતો માટે બોલાવવામાં આવે છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હતાં. આ બેઠક કોઈ વ્યક્તિગત કેસો માટે બોલાવવામાં આવતી નથી. માટે, પાંજરાપોળની જમીન અંગે હાઈપાવર કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હોવાની લાંગાની વાત ઉપજાવી કાઢેલી અને તદ્દન જુઠ્ઠી છે. પાંજરાપોળની જમીન બાબતે ક્યારેય કોઈપણ મિટિંગ મળી જ નથી. તેમ છતાં પોતાના પર લાગેલા આરોપોથી છૂટવા લાંગા મારા સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકારના તમામ ઉચ્ચ પદાધિકારીઓ, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલને આ સાથે જોડવાનો બાલીશ પ્રયત્ન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે , ગાંધીનગરના મૂલસણની જમીનના પ્રકરણમાં પૂર્વ કલેકટર એસ કે લાંગાના નામે તથા તેમની સહી વગરની એક નોંધ કે પત્ર સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સીનીયર પદાધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. અલબત્ત , લાંગાના કાર્યકાળ દરમ્યાન મૂલસણની જમીન એનએ કરવાના મામલે ચીટનીશ ટુ કલેકટર દ્વારા ગાંધીનગરમાં સેકટર – 7 પોલીસ મથકે લાંગા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

Most Popular

To Top