National

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનને કારણે 9નાં મોત, રાજ્યમાં રેડ અલર્ટ જારી

ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) વરસાદ અને ભૂસ્ખલનના (Landslide) કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદને (Heavy rain) લઈને ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અન્ય સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત (Death) થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની સાથે ચારધામ યાત્રામાં અડચણ ઉભી થઈ છે. અવિરત વરસાદને કારણે ગંગા સહિત રાજ્યની મુખ્ય નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે.

ઉત્તરાખંડમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે 225 રસ્તાઓ બંધ છે. જેમાં બે નેશનલ હાઈવે અને 13 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા હવામાન વિભાગની ચેતવણી બાદ ઉત્તરાખંડમાં નદી કે વરસાદી નાળાના કિનારે રહેતા લોકોને 15 ઓગસ્ટ સુધી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આ પહેલા પણ ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે નદીઓના કિનારે બનેલા મકાનો અને હોટલ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 9થી વધુ લોકોના મોત થયા છે.

રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બુધવારે વહેલી સવારે કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડમાં ભૂસ્ખલનથી એક ઝૂંપડું ધસી ગયું હતું. જેમાં નેપાળી પરિવારની મહિલા તેના ત્રણ બાળકો સાથે સૂઈ રહી હતી. આ અકસ્માતમાં મહિલાના બે બાળકોના મોત થયા હતા. ગૌરીકુંડમાં પાંચ દિવસમાં આ બીજી મોટી ભૂસ્ખલન છે. તે જ સમયે પૌરી જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હતા, અને પાંચ ઘાયલ થયા હતા.

મુખ્યમંત્રીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદની માહિતી લીધી હતી, અને તેને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને વહીવટીતંત્રને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને તમામ સહકારી સંસ્થાઓ સાથે સતત સંકલન જાળવવા સૂચના આપી હતી. જેથી કરીને કોઈપણ પ્રકારની આપત્તિના સમયે રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ શકે.

Most Popular

To Top