Dakshin Gujarat

વલસાડ અતુલ ઓવરબ્રિજ નીચે CNG સ્કૂલ વાનમાં આગ, જોતજોતામાં વાન રાખ થઈ ગઈ

વલસાડ: (Valsad) ઉદવાડાની સિંઘાનિયા સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને (Student) લાવતી એક સીએનજી (CNG) સ્કૂલવાનમાં આજરોજ અચાનક આગ (Fire) લાગવાની ઘટના બની હતી. વલસાડ અતુલ ઓવરબ્રિજ નીચે આ વાન પાર્ક કરી હતી, એ સમયે તેમાં આગ ભભુકી ઉઠી હતી. જો કે, આગ કારને લપેટમાં લે એ પહેલાં જ સ્થાનિકોની મદદથી અંદર બેસેલા બે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી વાન બળીને ખાક થઇ ગઇ હતી.

  • વલસાડ અતુલ ઓવરબ્રિજ નીચે CNG સ્કૂલવાન આગમાં રાખ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
  • અતુલ ફર્સ્ટ ગેટ પર વિદ્યાર્થીઓને ઉતારી ચાલક બે વિદ્યાર્થીઓને ચણવઈ તરફ ઉતારવા જતો હતો ત્યારે આગ લાગી
  • રાહદારીઓએ ધુમાડો જોતાં ચાલકને જાણ કરી, બે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવાયા, જાનહાનિ ટળતાં રાહત

ઘટનાની મળતી વિગત મુજબ સિંઘાનિયા સ્કૂલમાંથી બાળકોને લઇને વલસાડ તરફ આવી રહેલી સીએનજી કીટ ફિટ વાન (GJ 05 CM -0263) અતુલ ઓવરબ્રિજ નીચે ઉભી હતી. એ સમયે વાનના ચાલક અતુલ ફસ્ટ ગેટ પર કેટલાક વિદ્યાર્થીઓને ઉતારી ચણવઇ તરફ બે વિદ્યાર્થીઓને લઇને જાય એ પહેલાં જ ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ વાનમાંથી ધુમાડા નિકળતા હોવાનું ચાલકને જણાવ્યું હતુ. જેના પગલે ચાલક તુરંત બહાર નિકળ્યો અને વિદ્યાર્થીઓને પણ તુરંત બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કોઇ કંઇ સમજે એ પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને જોતજોતામાં આગે આખી વાનને પોતાની લપેટમાં લઇ લીધી હતી. આ દરમિયાન અતુલ ફાયર ફાઇટરને જાણ કરાઇ હતી. તેઓ અહીં આવે એ પહેલાં વાન બળીને ખાક થઇ ગઇ હતી. જેમાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ હોય તેમના તમામ પુસ્તકો અને નોટબુક પણ બળી ગઇ હતી.
આ ઘટનાના પગલે સ્થાનિકો તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરતાં તેમના સંતાનોનો જીવ બચી જતાં તેમણે હાશકારો અનુભવ્યો હતો. આગની આ ઘટના સીએનજી વાહનોમાં આડેધડ વિદ્યાર્થીઓને ભરી વહન કરવા સામે લાલ બત્તી સમાન બની રહ્યો છે.

કારમાં અગ્નિશામક સ્પ્રે રાખી મોટી દુર્ઘટના અટકાવી શકાય છે
સામાન્ય રીતે સીએનજી કીટ ફિટ હોય એવી કારમાં કેટલાક જાગૃત નાગરિકો અગ્નિશામક સ્પ્રે રાખતા હોય છે. માત્ર રૂ. 200 થી 300ની કિંમતનું આ સ્પ્રે કારમાં થતું મોટું નુકશાન અટકાવી શકે છે. જ્યારે આગ લાગે ત્યારે તુરંત સ્પ્રેનો છંટકાવ કરે તો આખી કારમાં આગ લાગતી અટકાવી શકાય છે. જોકે, આ કારમાં આવું સ્પ્રે ન હોવાના કારણે ફાયર ફાઇટરો આવે એ પહેલાં આખી કાર ભડકે બળી હતી.

આરટીઓ જાગૃત બની લગામ કસે એ જરૂરી
વિદ્યાર્થીઓને આડેધડ ભરીને લઇ જતી વાન સંપૂર્ણપણે બંધ ન જ કરાવી શકાય. આવી વાન બંધ થાય તો વાલીઓની હાલત કફોડી બની જાય છે. પરંતુ આરટીઓ દ્વારા આવી વાન જો સીએનજી હોય તો તેમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ભરવાની તેમજ તેનું થોડા થોડા દિવસે ચેકિંગ થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આવી વાનમાં અગ્નિશામક ફરજિયાત બનાવાય એ પણ જરૂરી બન્યું છે. આરટીઓ જાગૃતતા દાખવી આવી વાનનું સમયાંતરે ચેકિંગ કરતી રહે અને સુરક્ષા વધારવા અંગે નિયમો લાદે તે જરૂરી બન્યું છે.

Most Popular

To Top