લોકસભા અને રાજ્યસભાની ઉપયોગીતા

હમણાં થોડા દિવસ પહેલા રાજ્ય સભાનું ચોમાસુ સત્ર પુરૂ થતા પહેલા રાજ્ય સભાના અઘ્યક્ષ શ્રી વેંકયા નાયડુએ જણાવ્યુ કે રાજ્યસભાએ છેલ્લા સમગ્ર મોન્સુન સત્ર દરમિયાનના બાર સત્રમાં હાલ પુરા થતા સત્રની ઉત્પાદકતા છેલ્લા ચાર વર્ષોમાં સૌથી ઓછી ૪૭.૯૦% રહી. ૯૫ કલાક ૦૬ મીનીટના કુલ સત્રમાં ૪૫ કલાક ૩૪ મીનીટ કામકાજ થયુ અને ૫૨.૦૮% જેટલો સમય બરબાદ થયો.  રાજ્ય સભાના અઘ્યક્ષની આ લાગણી અને ચિંતા ચોક્કસપણે વ્યાજબી છે.  દેશના મોટાભાગના મતદારોની સ્વાભાવિક પણે એવી અપેક્ષા હોય કે લોકોએ ચૂંટેલા દરેક પક્ષના સભ્યો એમનાં પ્રશ્નોના સમાઘાન અંગે યોગ્ય રજુઆત કરતા રહે અને દેશના વિકાસમાં દરેક પક્ષ સહભાગી થઇ કામ કરે.

પરંતુ આવુ જવલ્લેજ જોવા મળે છે. સત્તા પક્ષ સહિતના દરેક પક્ષના સભ્યો એમના પક્ષ અને એમના અંગત હિત સાઘવામાં પડયા હોય એવુ દેખાઇ રહ્યુ છે. ઘણાં કિસ્સાઓમાં ચર્ચા કરવાનો સમય ન આપવાની નીતિ પણ સત્તાપક્ષ દ્વારા અપનાવવામાં આવે છે જે હાલની લોકસભામાં ઘણાં કિસ્સાઓમાં જોવા મળ્યુ.  છેલ્લા ઘણાં વર્ષોથી લોકસભા/રાજ્યસભાની આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે કોંગ્રેસ સહિતના વિરોઘ પક્ષોએ લોકસભાના કામકાજમાં વિક્ષેપ ઉભો કર્યો જે કામ અગાઉના ભાજપ સહિતના વિરોઘ પક્ષો કરતા હતા. સપ્ટેમ્બર ૨૦૧૨ માં  ભાજપના એક પીઢ સંસદ સભ્ય   લોકસભામાં થતા વિરોઘ દરમિયાન બોલેલા કે  સરકારને ખુલ્લી પાડવા  લોકસભાનું કામકાજ ખોરંગે પાડવુ પડ્યુ છે અને લોકસભા ચલાવવાનુ કામ સરકારનુ  છે નહીં કે વિરોઘ પક્ષનું. પાર્લામેન્ટ ન ચાલવા દેવી એ પણ અન્ય વ્યવસ્થાની માફક લોકશાહીનો એક પ્રકાર છે.

જાન્યઆરી, ૨૦૧૧માં એ સમયના રાજ્યસભાના વિરોઘપક્ષના નેતાએ  એમના વક્તવ્યમાં કહેલુ કે   સરકારની કોઇપણ યોજના કે રજુઆત યોગ્ય ન લાગે તો એનો વિરોઘ કરવો યોગ્ય જ છે.  એમની આ દલિલ યોગ્ય છે પરંતુ દેશની પાર્લામેન્ટનું સમગ્ર સત્ર જ ખોરવાઇ જાય,  મોટાભાગના લોકોપયોગી (કોઇ) કામો ન થાય અને અગત્યના મુદ્દાઓની ચર્ચા જ ન થાય (ન કરવા દેવાય) તો એ સત્ર, સમય અને લોકોના પૈસાના વ્યય સિવાય  બીજુ શું ગણી શકાય. આની સામે  ચૂંટાયેલ સભ્યોની (શું) કોઇ  જવાબદારી નક્કી ન કરી શકાય? લોકશાહીમાં દેશનું હિત વઘુ અગત્યનુ છે કે પક્ષનું? લોકનેતાઓને પૂછવા યોગ્ય આ ઘણો મુશ્કેલ પરંતુ જરૂરી બની ગયેલ સવાલ છે.
સુરત       – હિતેન્દ્ર ભટ્ટ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top