Business

અમેરિકા વ્યાજદરમાં આક્રમક વધારો ચાલુ રાખશે, ભારતીય શેરબજારમાં કરેકશન લાવશે

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેકશન હોલમાં આપેલી સ્પીચમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમેરિકાની કેન્દ્રિય બેન્ક આગામી સમયમાં પણ વ્યાજદરોમાં વધારો ચાલુ રાખશે અને મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે વ્યાજદરોને થોડાક સમય માટે ઉંચા સ્તર પર રાખવો પડશે. પોવેલે કિંમતોની સ્થિરતા પરત લાવવા માટે ફેડરલ રિઝર્વના વ્યાજદરોને ઉંચા સ્તર ઉપર બનવી રાખવાની જરૂરત છે. ઇતિહાસ પણ સમયથી પહેલાં ફેડરલ રિઝર્વની નીતિઓ ઢીલની વિરૂદ્ધમાં સખ્ત ચેતવણી આપે છે. અમેરિકામાં ફુગાવાનો દર 2 ટકા ઉપર લાવવાનો લક્ષ્યાંક છે, તેના માટે હજુય કડકાઇની નીતિ અપનાવી પડશે.

અમેરિકાનું અર્થતંત્ર સતત બે કવાર્ટરથી ઘટાડો કરતું જોવા મળી રહ્યું છે. સતત બે કવાર્ટરમાં જીડીપીમાં ઘટાડો થતાં આર્થિક મંદીમાં પહોંચી ગઇ છે, અમેરિકામાં પ્રોપર્ટી માર્કેટમાં નિરસ વલણ જોવાઇ રહ્યું છે, જ્યારે ફેડરલ રિઝર્વના સભ્યોનું માનવું છે કે, અમેરિકાનું અર્થતંત્રમાં મંદી નથી કેમ કે લેબર માર્કેટની સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. જેથી અમેરિકામાં આર્થિક મંદી નથી, પરંતુ મોંઘવારી દર વધતો જોવા મળી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે અને તેના માટે વ્યાજદર વધારવો આવશ્યક છે.

શુક્રવારે જેકસન હોલમાંથી જેરોમ પોવેલની સ્પીચ બાદ અમેરિકાના બજારોમાં હડકંપ આવી ગયો હતો અને વોલસ્ટ્રીટમાં ભારે કડાકો બોલાયો હતો. જેમાં સૌથી વધુ નાસ્ડેકમાં 16 જુન પછીનો સૌથી મોટો ઘટાડો હતો, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 3.37 ટકા, નાસ્ડેક 3.94 ટકા અને ડાઉ 1000 પોઇન્ટ એટલે કે 3 ટકા જેટલો તૂટયો હતો. સપ્તાહના અંતિમ દિવસે વોલસ્ટ્રીટ કકડભૂસ થતાં સોમવારે આ કડાકાની અસર વૈશ્વિક બજારો ઉપર જોવા મળી શકે છે અને એશિયન તથા યુરોપિયન બજારો ગેપડાઉન ખુલવાના પુરેપુરા સંકેત જોવા મળી રહ્યા છે. ભારતીય શેરબજારમાં પણ આ કડાકાની નેગેટિવ અસર જોવા મળશે અને ભારતીય શેરબજાર ગેપડાઉન ખુલે તેવી શક્યતા છે. જે મોટો કડાકો બોલાઇ શકે છે.

અમેરિકાના વ્યાજદર વધવાની માઠી અસર ભારતીય અર્થતંત્ર તેમજ બજાર એમ બંનેમાં જોવા મળશે. અમેરિકાના વ્યાજદરની સાથે સાથે ક્રુડ ઓઇલમાં પણ ગત સપ્તાહમાં સાઉદી અરેબિયામાં ઉત્પાદન કાપની વાતો શરૂ થઇ હોવાથી ક્રુડ ઓઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરે તેવી સંભાવનાની સાથે અમેરિકામાં ક્રુડ ભંડારમાં ઘટાડો ક્રુડ ઓઇલના ભાવો ફરીથી 100 ડોલર પ્રતિ બેરલની ઉપર બોલાતા થઇ ગયા છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના ભાવોમાં મંદીની શક્યતા નહિંવત જોવાઇ રહી છે.

ઇરાન અને અમેરિકા વચ્ચેના ન્યુકલીયર કરાર ઉપર નજર છે, જો આ કરાર થઇ જાય તો ઇરાનનો ક્રુડ ઓઇલનો સપ્લાય બજારમાં ઠલવાય તો ક્રુડ ઓઇલના ભાવોમાં નરમાઇ જોવા મળી શકે, પરંતુ રશિયા સહિતના કેટલાક દેશો તેમજ ઇરાનના કેટલાક આગેવાનો આ કરારની તરફેણમાં નથી, જેથી આ કરાર આસાન દેખાતો નથી. આ સંજોગોમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધઘટ સાથે 100 ડોલરની ઉપર રહેશે અને આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ક્રુડ ઓઇલના ભાવો કેલેન્ડર વર્ષ 2022ના અંત સુધીમાં 120 ડોલર સુધી પણ પહોંચી જવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.

ભારતની વાત કરીએ તો ક્રુડ ઓઇલના ભાવમાં વધારાની સાથે અમેરિકા ફુગાવાને કાબુમાં લેવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં એક પછી એક પગલાં લઇ રહ્યા છે, પરંતુ હજુય સુધી સફળતા મળી શકી નથી, ત્યારે આક્રમક નીતિ ચાલુ રહેશે તેવા જેકસન હોલમાં ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચથી વ્યાજદરમાં વધારો ચાલુ રહેશે અને અમેરિકામાં 75 બેસીસ પોઇન્ટનો વધારો થવાના સંકેત મળ્યા છે અને આ સંકેતથી ડોલર વધુ મજબૂત થવાના અણસાર છે, જે ભારતીય અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એક બાજું ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો અને ડોલર મજબૂત થતાં ભારતને બેવડો માર પડી શકે છે. જેની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળશે.

વૈશ્વિક નકારાત્મક સંકેતોની પાછળ ભારતીય સહિત વૈશ્વિક બજારોમાં વધઘટ જોવા મળશે, આવનારી ફેડરલ રિઝર્વની બેઠકમાં અમેરિકાના વ્યાજદરમાં 50 કે 75 બેસીસ પોઇન્ટ વધારે છે કે તેથી પણ વધુ વ્યાજદર વધારે છે તેની ઉપર રોકણકારોની નજર મંડરાયેલી રહેશે. આ સિવાય વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કો કઇ દિશામાં આગેકૂચ કરે છે તે પણ જોવાનું રહેશે. આ સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વધુ એકવાર વ્યાજદર વધારો નિશ્ચિત મનાય છે, તે પણ બજારને અસર કરશે. આમ, સપ્ટેમ્બર સીરિઝમાં ભારતીય શેરબજારમાં બેઉતરફી વધઘટ રહેશે, જે શરૂઆત ઘટાડા સાથે થશે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તો મહિનાના અંત સુધીમાં સપાટ કે પોઝિટિવ રહી શકે છે. ટુંકાગાળા માટે ભારતીય શેરબજાર ઘટાડાતરફી વલણ રહી શકે છે, પરંતુ લાંબાગાળા માટે ભારતીય શેરબજાર તેજી તરફી વલણ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

Most Popular

To Top