Comments

અમેરિકાએ યુક્રેનને નિરાશ કર્યું છે? ચીન તાઇવાન પર હુમલો કરશે?

આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. અસંખ્ય યુક્રેનિયનો અને રશિયનો મરી રહ્યાં છે! તેનાથી ઘણાં વધુ લોકો પોતાના દેશમાંથી ભાગી રહ્યાં છે. આપણા ભારતીય વિદ્યાર્થીઓ પોતાની સલામતી માટે વતન ભારત પાછાં ફરી રહ્યાં છે. તેમને ખબર નથી કે તેમના ભવિષ્યમાં શું થવાનું છે. આમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિદ્યાર્થીઓને યુક્રેનના પડોશી દેશોમાં થઇ ભારત કેવી રીતે સલામત લાવી શકાય તેને માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. વિદ્યાર્થીઓના સ્થળાંતરનું આયોજન કરવા મોદીએ પોતાના વરિષ્ઠ પ્રધાનોને સદરહુ દેશમાં મોકલ્યા છે. 2014 થી 2019 માં અજંપાગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને સલામત રીતે પરત લાવનાર ભારતના તે સમયના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ખોટ ઘણાને સાલે છે. પણ મોટો સવાલ એ છે કે અમેરિકાએ યુક્રેન અને તેના લોકોને નિરાશ કર્યા છે? આ યુદ્ધ અટકાવી શકાયું હોત?

અમેરિકાના પ્રમુખ જો બાઇડને રશિયા પર પ્રતિબંધો લાદવાની અને યુક્રેનનાં દળોને પુરવઠો આપવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી છે, પણ તેમણે યુક્રેન પર આક્રમણ કરવા બદલ રશિયા સામે લશ્કરી સંઘર્ષમાં આવવાની ના પાડી છે. 1990 ના દાયકાના પૂર્વાર્ધમાં આવી જ એક પરિસ્થિતિમાં કુવૈતમાં આક્રમણ પછી ઇરાક સામે લશ્કરી કાર્યવાહી કરી હતી. વધુ એક આક્મણ અટકાવવા અમે અમારાથી બનતું બધું કર્યું એવો દાવો કરી અમેરિકાના નેતાઓ છટકી નહીં જઇ શકે. તેમણે જરૂરી પ્રતિભાવ આપ્યો હતો, પણ પૂરતો નહીં. યુધ્ધની સમાપ્તિ પછી દરેક અમેરિકન નેતાની જેમ બાઇડેન પણ યુક્રેનમાં રશિયાના ખ્યાલી પુલાવનો શિકાર બની ગયું. તેમાં બાઇડેન વહીવટી તંત્રે ડારણ શકિત ઘટાડવાની દાયકાઓ જૂની રસમ અજમાવી આક્રમણ રોકવાના કોઇ પગલાં લેવાતાં જ ન હતાં.

પ્રમુખ બાઇડને ખુલ્લેઆમ કહ્યું કે હું યુક્રેનમાં લડવા માટે અમેરિકી સૈન્ય નહીં મોકલું. કદાચ અમેરિકા અને નાટોની દરમ્યાનગીરી કરવાની ધમકીએ રશિયાને લડાઇ વધારવાના જોખમથી દૂર રાખ્યું હોત. તેને બદલે બાઇડેને પુટિનને છૂટ્ટો દોર આપ્યો. અમેરિકાએ યુક્રેનને પેટ્રિયા વિમાન વિરોધી મિસાઇલ કે હાર્પૂન જહાજ વિરોધી મિસાઇલ જેવાં અદ્યતન શસ્ત્રો પૂરાં પાડવાનો ઇન્કાર કર્યો, કારણ કે તેને લાગ્યું હતું કે યુક્રેનનાં સશસ્ત્ર દળો આ શસ્ત્રો વાપરી શકે તેટલાં આધુનિક શિક્ષિત નથી. ઘણાં યુક્રેનવાસી માને છે કે અમેરિકાએ અમને બચાવવા પૂરતું કર્યું નથી. તેથી જ બે મહત્ત્વના નેતાઓએ ચિંતા વ્યકત કરી છે કે યુક્રેન પરના રશિયન આક્રમણથી ચીનને પણ તાઇવાન પર આક્રમણ કરવાનું પ્રોત્સાહન મળશે. જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે અમેરિકાને કહ્યું છે કે તમે તાઇવનને ચીનના આક્રમણથી બચાવશો એવું સ્પષ્ટ કહો.

જાપાનને સ્વાભાવિક રીતે ચિંતા થાય કારણ કે તેનો સૌથી પશ્ચિમનો યોનાગુની ટાપુ તાઇવાનના મુખ્ય પ્રદેશથી માંડ 110 કિલોમીટર દૂર આવેલો છે. તે જ પ્રમાણે રશિયાના ભૂતપૂર્વ ચેસ ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવે કહ્યું છે કે રશિયા યુક્રેનમાં સફળ થશે તો ચીન તાઇવાન પર હુમલો કરશે. ચીન તાઇવાનને કબ્જે કરે તો પૂર્વ અને દક્ષિણ ચીની સમુદ્રોમાં અમેરિકાનાં હિતો જોખમમાં આવી પડશે. દક્ષિણ કોરિયા, જાપાન અને ફિલીપાઇન્સમાં તેમના વ્યૂહાત્મક હિસ્સામાં બાંધછોડ કરવી પડશે. યુક્રેન અમેરિકા કરતાં યુરોપ માટે મોટી સમસ્યા છે. તાઇવાન તેનાથી વધુ ગૂંચવાયેલી સમસ્યા છે. ચીન રશિયાને ટેકો આપે છે. તેનો મતલબ એ થાય કે રશિયા પણ ચીનને ભવિષ્યમાં ટેકો આપશે. શિયાળુ ઓલિમ્પિકના બૈજિંગમાં ચીનના પ્રમુખ શી જિન્પિંગ સાથેની પુટિનની મુલાકાતના ત્રણ જ સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વ વિશે ચીનની પોતાની માન્યતાઓ છે.

રશિયાના ઉદાહરણને અનુસરી તાઇવાનને પોતે બળજબરીથી કબજે કરે ત્યારે દુનિયા પણ તેના સાર્વભૌમત્વને માન આપી તેની પ્રાદેશિક અખંડતાને ટેકો આપે એવી ચીન અપેક્ષા રાખે છે. જેમ જર્મન અને ફ્રેંચનાં વ્યાપાર હિતો બાબતમાં રશિયા અને ચીનમાં સમાધાન કરાયું છે. પુરવઠાની સાંકળ તૂટી જવાની બીકે અમેરિકાના વેપારીઓ હજુ ચીનમાં ઉથલપાથલ થવાનો ડર રાખે છે. રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિન્પિંગ જે કહેવા માંગે છે તે જ કહે છે. પોતાના રાષ્ટ્રવાદી ઇરાદા આગળ વધારવા ઘર આંગણાના લોકોને માટે મીઠી મીઠી વાતો કરવાની નથી કે રાજકીય દબાણને વશ થવાનું નથી. બાઇડન, યુરોપ અને જાપાનને ઘર આંગણેના લોકો અને સંસદસભ્યોને પોતાની વાત ગળે ઉતારવાની છે. ભારત જેવી લોકશાહીમાં પણ આ જ સમસ્યા છે.

તા. 15 ઓગસ્ટ, 2021 માં અફઘાનિસ્તાનમાંથી નામોશીભરી પીછેહઠ પછી અમેરિકા અને યુરોપને પુતિને બીજી વાર યુક્રેનના ચાબખાથી માર માર્યો છે. પુતિનને તો યુક્રેનમાં રશિયાની વગ વધારી પોતાના તરફી શાસન સ્થાપવું છે. એક જપાનાના સોવિયેટ સંઘના પતનમાંથી યુક્રેનનો જન્મ થયો હતો. તે પણ તેણે અમેરિકી ટેકાવાળી અફઘાન જિદીઓના હાથે પરાજય વેઠયા પછી. રશિયનો 1989 માં  અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછાં ખેંચી લેવા પડયા છે. ભારતે તો ચીન સામે પોતાનો જ માર્ગ શોધી લેવો પડશે.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top