Comments

હું મારાં ગમતાં માણસોને કાયમ એ જ કહું છું આજે છો તેવા કાયમ રહેજો

આપણું મન બહુ વિચિત્ર હોય છે. વર્ષો પહેલાં જે બાબતને કારણે આપણને કોઈ માણસ ગમવા લાગ્યો હતો તે જ બાબતો આપણને ખટકે છે અને એટલે આપણે તે માણસને બદલવા માટે રોજ મહેનત કરીએ છીએ. આપણે જેને બદલવા માટે પ્રયત્ન કરીએ છીએ બની શકે તે તમારું કોઈ પ્રિયજન હોય કે પછી  તમારો મિત્ર પણ હોઈ શકે છે. મારી જ વાત કરું 1995 માં હું મારી પત્ની શિવાનીને પહેલી વખત મળ્યો,  મળતાં મને લાગ્યું કે તે બહુ જ સરળ, સાદી છોકરી છે, જયારે મારે પક્ષે મારી જિંદગી બેફામ હતી, કારણ મને કોઈ નિયમોમાં બંધાઈ જીવવું ત્યારે અને આજે પણ ગમતું નથી. જો કે આ ઉત્તમ માર્ગ છે તેવો દાવો પણ કરી શકાય નહીં, પણ મે પસંદ કરેલો રસ્તો છે. હવે જયારે હું અને શિવાની જીવનભર સાથે રહેવાનાં હતાં ત્યારે મારે મારી મર્યાદાઓ કહી દેવી જરૂરી હતી, કારણ મારી મર્યાદાઓનો પહેલો ભોગ તે બનવાની હતી. મેં તેને માંડી વિગતે મારા જીવન, મારી જીવન જીવવાની પધ્ધતિ અને મારી સફરની વાત કરી. તેણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું, આપણે સાથે રહી શકીશું.

અમારો સંસાર શરૂ થયો. ધીરે ધીરે શિવાનીને મારા અંગે ખબર પડવા લાગી. જો કે મેં કંઈ જ છુપાવ્યા વગર જેવો છું તેવો રજૂ થવાનો પ્રયત્ન કર્યો હતો. પછી તે રોજ મને કોઈ ને કોઈ બાબતે કહેવા લાગી આવું નહીં, આવું કરીએ તો કેવું સારું. મારી સફર નિશ્ચિત હતી. હું મારા કોઈ રસ્તા અને ક્રમને બદલવા માગતો ન્હોતો. હું તેને ઘણી વખત  પૂછતો, મારા જેવા બરછટ માણસને તેં કેમ પસંદ કર્યો. તેણે જવાબ આપ્યો, તમારા બરછટપણામાં એક સારો માણસ છુપાયેલો છે, પણ સાથે રહેવાની શરૂઆતના થોડા મહિના પછી શિવાનીએ મારું બરછટપણું કઈ રીતે ઘટે તેવો પ્રયાસ શરૂ કર્યો. હું તેને ત્યારે પણ કહેતો, મને બદલવાનો પ્રયાસ કરીશ નહીં. ખેર, તેના સ્વભાવ પ્રમાણે થાકયા વગર તેના પ્રયાસો ચાલુ રાખ્યા અને આજે પણ તે જ રસ્તે ચાલી રહી છે. હું માનું છું કે સાથે રહેતાં લોકો અથવા સાથે કામ કરતા લોકોએ બીજાને બદલવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ, કારણ જયારે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે આપણો પરિપ્રેક્ષ્ય હોય છે. આપણા માનસિક ચિત્ર પ્રમાણે આપણે સાથે રહેનારને તેવા બનાવવા માંગીએ છીએ.

શિવાની મને બદલવામાં નિષ્ફળ ગઈ છે તેવું પણ નથી. અનેક વખત બોલીને અને અનેક વખત બોલ્યા વગર તેણે મને વધુ સારો માણસ બનાવવામાં ખૂબ મદદ કરી છે. માણસ પોતાની મર્યાદાઓમાંથી બહાર નીકળે તે સારી બાબત છે, પણ મારો અનુભવ કહે છે કે કોઈને બોલીને તે બદલાતો નથી. તમે જેને બદલવા માંગો છે, તેને માટે ખૂબ ધીરજ, અને સતત માણસ બનાવવાની મથામણ ચાલુ રાખવી પડે છે. આજે પાછળ  ફરીને જોતાં 15-20 વર્ષ પહેલાં હતો તેના કરતાં અનેક ઘણો રીફાઈન્ડ થયો છે, તેની ક્રેડીટ કોઈ પણ સંકોચ વગર મારે શિવાનીને આપવી પડે, પણ હું જે માનું છું કે કોઈએ કોઈને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, તેવું કરવાનો મેં પૂરતો પ્રયત્ન કર્યો છે. જો કે મારાં બાળકોના કિસ્સામાં અથવા ખૂબ નજીકના મિત્રના કિસ્સામાં મારો સંયમ કયારેક તૂટી જાય છે, ત્યારે હું પોતાને ફરી યાદ કરાવું છું કે મારે શું કરવાનું નથી.

શિવાનીને મેં પહેલી વખત જોઈ ત્યારે તેણે એક આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો, લાંબા વાળ અને મેકએપ વગરનો સરળ ચહેરો મને ગમી ગયો. શિવાનીને કયારેય મેકઅપ કરવો ગમ્યો નથી, તે જેવી સરળ હતી તેવી જ સરળ મને આજે પણ ગમે છે. હું તેને કયારે મોંઘાં અને ભપકાદાર કપડાં પહેર અને મેક અપ કરીશ તો વધુ સારી દેખાઈશ તેવું કહેતો નથી, કારણ મને તેની સરળતાની  સુંદરતા ગમે છે, પણ જયારે હાઈપ્રોફાઈલ લોકોનાં લગ્ન અથવા પાર્ટીમાં શિવાની સાથે જાઉં ત્યારે પણ તેને બદલવાનું કહેતો નથી, કારણ ઓરીજીનાલીટીમાં જે તાકાત છે તે બીજામાં નથી. શિવાની ભરૂચ જેવા નાનકડા નગરમાંથી આવી. અમદાવાદ આવ્યા પછી તેણે પહેલી વખત રેસ્ટોરન્ટ જોઈ. અમે સાથે મસાલા ઢોસા ખાવા ગયા, ઓર્ડર આપ્યા પછી મેં જોયું, તે છરી કાંટા વડે ખાવાની શિવાને ખબર જ ન્હોતી. મને તેની સમસ્યાનો અંદાજ આવી ગયો. મેં મારાં છરી કાંટા બાજુ ઉપર મૂકયા અને શિવાની સામે જોતાં કહ્યું, ચિંતા કરીશ નહીં અને અમે બન્નેએ ઢોસા હાથથી ખાવાની શરૂઆત કરી. આજે પણ ,  મોટી હોટલમાં પણ હાથથી ઢોસા ખાવાની પધ્ધતિ અમે જાળવી રાખવી છે, કારણ આપણને મઝા આવે તેવું આપણે જીવવું જોઈએ, કોણ શું માનશે તેના આધારે જિંદગીની મઝા નક્કી કરી શકાય નહીં. મેં મારી અંદર પણ જોયું છે, જયારે આપણે બીજાને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણી અંદર હું જ સાચો છું તેવો ભાવ આવે છે અને હું જ સાચો તેવો ભાવ આપણને બીજા માણસને બદલવા માટે ઉશ્કેરે છે. સત્ય મોટા હાથી જેવું છે. દરેક માણસ સત્ય પોતાના સ્થાને ઊભા રહી જુએ છે, જેના કારણે દરેક સત્ય અલગ પણ છે. દરેકનું સત્ય એક સરખું છે, પણ જયારે આપણી અંદર હું જ સાચો તેવો ભાવ તીવ્ર થાય છે, ત્યારે સામેની વ્યકિત ખોટી છે તેવો મનોતાપ આપણને વ્યગ્ર બનાવે છે. હું આવી માનસિક સ્થિતિનો અનેક વખત ભોગ બન્યો છું, જેના કારણે મેં મારાં પરિજનો અને મિત્રોને દુ:ખી પણ કર્યાં છે, પણ જિંદગી સતત ટ્રાયર અને એરર જેવી છે, રોજ નવું લખવાનું છે, જાતે જ ભૂંસી નાખવાનું છે. મારે પત્રકાર તરીકે અનેક લોકોને મળવાનું છે, ત્યારે અનેક લોકો પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરે છે. તેમને મળવાનું પણ થાય છે. તેઓ ઉત્તમ કામની સાથે ઉત્તમ માણસ થવાનો પણ પ્રયત્ન કરે છે, જે લોકો મને ગમે તેમને હું કાયમ એટલું જ કહું છું આજે છો, તેવા સદૈવ રહેજો.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top