National

યુપીની રાજનીતિ: બસપામાંથી હાંકી કાઢવામાં આવેલા 9 ધારાસભ્યો અખિલેશને મળ્યા

બસપા (BSP)માંથી હાંકી કાઢેલા નવ ધારાસભ્યો (MLA) મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (AKHILESH YADAV)ને મળ્યા છે. એવી સંભાવના છે કે તે સમાજવાદી પાર્ટીમાં જોડાઇ શકે છે. માનવામાં આવે છે કે યુપી વિધાનસભાની ચૂંટણી (UP ASSEMBLY ELECTION) માટે આ ધારાસભ્યો અને અખિલેશ વચ્ચે ચર્ચા થઈ હતી.

અખિલેશને મળેલા ધારાસભ્યોમાં અસલમ રૈની, અસલમ અલી ચૌધરી, મુજતાબા સિદ્દીકી, હકીમ લાલ બિંદ, હરગોવિંદ ભાર્ગવ, સુષ્મા પટેલ, વંદના સિંહ, રામવીર ઉપાધ્યાય અને અનિલ સિંહનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોને છેલ્લા ચાર વર્ષમાં માયાવતી (MAYAVATI) એ પાર્ટીમાંથી હાંકી કાઢયા હતા. માયાવતીએ ગત વિધાનસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં 11 ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢયા છે.

બસપામાં હવે કુલ 7 ધારાસભ્યો છે
તાજેતરમાં જ માયાવતીએ બીએસપીના બે વરિષ્ઠ નેતાઓ લાલજી વર્મા અને રામ અચલ રાજભરને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પાર્ટીમાંથી હાંકી કાઢયા હતા. પેટા ચૂંટણીમાં બીએસપી એક બેઠક હારી ગઈ છે. આ રીતે, બસપા પાસે હવે કુલ 7 ધારાસભ્યો જ બચ્યા છે.

વર્ષ 2017 માં 19 બેઠકો જીતેલી

વર્ષ 2017 માં યોજાયેલી ગત વિધાનસભાની ચૂંટણીમાં બસપાએ 19 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીને 47 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં, જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ પણ બાકી નથી રહ્યુ, જો આ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે, તો સમાજવાદી પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બનશે.

સમાજવાદી પાર્ટીને શકિત મળી શકે છે
આ સમયે અખિલેશ યાદવ પણ ભાજપની તુલનામાં યુપીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરવાના સપના જોઈ રહ્યા છે. જો આ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે તો ચોક્કસથી તે તેમની શક્તિ વધારવામાં મદદ કરશે.

4૦3 વિધાનસભા બેઠકોવાળી યુપીની ચૂંટણી આવતા વર્ષે શરૂઆતમાં જ યોજાવાની છે.  ત્યારે ચૂંટણી પહેલા જ યુપી કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચાઓ થઈ હતી. જોકે, યોગીએ તેનો ઇનકાર કર્યો છે. અહીં યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પક્ષો વચ્ચે હેરાફેરી શરૂ થઈ ગઈ છે. અપના દળના વડા અનુપ્રિયા પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના બીજા દિવસે અપના દળ (કૃષ્ણ) મહામંત્રી પલ્લવી પટેલ સપાના પ્રમુખ અખિલેશ યાદવને મળી હતી.

અખિલેશ કૃષ્ણ જૂથને બેઠકો આપી શકે છે
નાના પક્ષો સાથે જોડાણની ઘોષણા કરી ચૂકેલી સમાજવાદી પાર્ટી અપના દળના કૃષ્ણા જૂથને કેટલીક બેઠકો આપી શકે છે. 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા અપના દળમાં બે ફાડ પડી હતી.

Most Popular

To Top