Gujarat

માર્ચમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને સહાય કરવા રાહત પેકેજ

ગાંધીનગર: આજે સીએમ મુંબઈથી (Mumbai) પરત ફરતાં ગાંધીનગર (Gandhinagar) ખાતે મહત્વની કેબીનેટ બેઠક મળી હતી. જેમામં માર્ચમાં થયેલા કમોસમી વરસાદના (Unseasonal rain) પગલે ખેડૂતોને (Farmer) નુકસાન સામે સહાય કરવા રાહત પેકેજની વિચારણા કરીને તેને લીલી ઝંડી અપાઈ હતી. રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

કેબિનેટ બેઠક બાદ તેમાં લેવાયેલા નિર્ણય અંગે કેબિનેટ પ્રવકત્તા તથા સીનીયર મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, માર્ચમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને સહાય કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સરવેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને નુકસાન અંગે મળનારી સહાયની વિગતો આપતા પટેલે કહ્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

Most Popular

To Top