અખંડ પચાસ-વટી..!

‘અખંડ પચાસવટી’ શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો જેને ‘સુવર્ણ-જયંતી’ કહે છે, એને હું ‘પચાસ-વટી’ કહું છું. શબ્દને પણ હળી કરવાની ટેવ જાય થોડી..? ચાહો તો મારી ભૂલ ગણો, અથવા તો ગુલતાનમાં આવી ગયેલો એમ કહો, પણ આકાશમાં ગ્રહો મળે એમ, ૪-૨-૭૨ ના રોજ, પૃથ્વી ઉપર પણ બે ગૃહ મળેલા. આઈ મીન..બે જીવનો ભેટો થયેલો..! ગ્રહ મળે તો ગ્રહણ થાય, એમ અમે અગ્નિની સાક્ષીમાં તે દિવસે ગ્રહોને ટાઢા પાડીને પાણીગ્રહણ કરેલું..! સંસારમાં પછી વિગ્રહ વધેલાં કે કેમ એવું પૂછતાં જ નહિ, પણ ગ્રહ-વિગ્રહ-આગ્રહ-હઠાગ્રહમાં લગનના ૫૦ વર્ષ ખંખેરી નાંખ્યા ખરા. ૫૦ વર્એષનું સરવૈયું આમ તો લાંબુ છે, પણ ચઢાવ-ઉતારની વાત કરું તો, શરૂઆતના દશ વર્ષ વાઈફ બંને ખભે હાથ મુકીને સાઈકલ ઉપર બેસતી, પછીના દશ વર્ષમાં ફટફટીયું આવ્યું, તો એક ખભે હાથ મુકીને બેસતી થઇ. પછી બાઈક આવી તો, ખભાને તિલાંજલિ આપી, ને બાઈકનો દાંડો પકડીને બેસતી થઇ. બાકીના વર્ષોમાં હવે ઉભડક બેસીને પાછળથી સૂચનાઓ આપે છે કે, ‘ધીમે ચલાવો, સામે ભેંસ છે, ખાડા દેખાતા નથી કે શું, શાનું આટલું બધું જોર આવી જાય છે, હોર્ન તો મારો વગેરે વગેરે..!’ મારું નામ રમેશ છે, છતાં પાછળથી મને ‘જોજો’ કહીને બોલાવે છે..! ધીમે ધીમે દાયકા વધતાં ગયાં, ને દિલના ઉભરા ઘટતાં ગયા..! વાઈફને આ વાત કહેતા નહિ, પણ લગનની પચાસ-વટી પછી તો, એનું નામ શુદ્ધા ભૂલવા આવ્યો છું, એટલે ડીયર, જાનૂ. હની. સ્વીટ-હાર્ટ-ડાર્લિગ જેવાં શબ્દો ભચેડીને ગાડું ગબડાવું છું..!

લગનની વાત કાઢીને ટાઇઢમાં કુંવારાને હિજરાવવા નો કે પરણેલાના જખમ ઉપર નમક નાખવાનો મારો મુદ્દલે ઈરાદો નથી. ભલે મારી પચાસ-વટીનું સરવૈયું ‘ધકેલ પંચા દોઢશો’ જેવું હોય, પણ ૫૦ વર્ષ કેવાં ગયાં, એનો આનંદ શેર કરીને મહળવો થવાનો આ પ્કરયાસ છે.૫૦ વર્ષ કાઢવા એ કોઈ નાનીમાના ખેલ નથી. અમુકની ઉમરના ઝંડા તો અડધી કાંઠીએ ફરકવા આવ્યા છતાં, હજી હાડકે પીઠી લાગી નથી, ત્યારે બંદાએ તો પચાસ-વટી ખેંચી કાઢી..! મીર માર્યા જેવી વાત થઇ કહેવાય ને..? તાલી તો પાડો..? આવાં ખેરખાંઓને તો ‘અખંડ-પચાસવટી’ થી નવાજવા જોઈએ..! પણ સાલા કદર કરે કોણ..? ક્રિકેટર હાફ સેન્ચુરી ઠોકે તો પાટિયું પણ ઊંચું કરે, આપણાથી કંઈ કંકોત્રી ઉંચી કરીને ‘સેલિબ્રેશન’ થોડું કરાય..? શું કહો છો દાદૂ..? પરણ્યો ત્યારે દેવાનંદ જેવો દેખાતો હતો, હવે ‘ડેવિડ’ જેવી ટાલ લઈને ફરું છું તો પણ કોઈને કદર નથી. ગટર વ્યવસ્થામાં પડેલી મ્યુન્સિપાલીટીનાં મગજમાં એવાં વિચાર થોડાં આવે કે, લાવ આવા દુખીયારાને ‘અખંડ-સૌભાગ્યવતો’ નું એકાદ પ્લાસ્ટીકડું આપીને નવાજીએ..!

નસીબના એવાં ફૂટેલાં કે, પચાસ-વટી અને કોરોનાની લહેર પણ સાથે જ આવી. કોરોનાની માયાજાળ એટલી ફેલાય ચુકી છે કે, ઉજવણી માટે ‘કોરિયા’ તો ઠીક, કાંજણરણછોડ જવાનું પણ જવાનું વિચારી ના શકાય..! સોશ્યલ ડીસ્ટન્સ પણ નડે..! એટલે ઘરમાં બેસી લગનનું ‘આલ્બમ’ જોવાનો જ સામુહિક કાર્યક્રમ રાખ્યો છે. આલ્બમ જોતી વખતે ‘બડે અરમાનસે રખ્ખા હૈ બલમ તેરી કસ્સમ (૨) પ્યારકી દુનિયામે હૈ યે પહેલા કદમ..!’ ગીત યાદ તો આવશે, પણ કરીએ શું..? ગીત ગાવા માટે ઠેકડા મારવાની તાકાત હવે છે ક્યાં..? પાકા ઘડે ગમતા કાંઠા હવે થોડાં ચઢવાના..? હવે તો ઉમર જોઇને ભંગારવાળો પણ આપણી તરફ તાકી-તાકીને જુએ..!

પચાસ-વટીની કહાણી તો એવી કે, ‘લગન ચાલીસા’ તો ઠીક ‘મહાગ્રથ’ લખાય, એટલું ભાથું હોય, પણ સામેવાળાને વાંચવાની, સાંભળવાની ને સહન કરવાની શક્તિ પણ જોઈએ ને..? લોકો પોતાનો જ ગ્રંથ વાંચી ના શકતા હોય, ત્યાં બીજાની લગન-બાવની સાંભળવા શું કામ કાન બગાડે..? ગુજરાતના ૧૮૫૪૪ ગામડામાં ( નવા ગામ જન્મ્યા હોય તો ખબર નથી..!) એકપણ ગામ એવું ના હોય કે, જ્યાં હનુમાનજીની દહેરી ના હોય, એમ એક પણ ગામ એવું પણ નહિ હોય કે, કોઈના ઘરે લગનનો માંડવો ના બંધાયો હોય..? પોતાની વાઈફ સાથે જીવવાનો પણ એક આનંદ છે મામૂ..! એક-મેક વચ્ચે જો ‘હાઈ-વોય’ ની ધમ્માલ કે ધમાચકડી ના હોય, ને પ્રેમનું ‘પાવરફુલ’ ‘વાઈ-ફાઈ’ હોય તો, સંસાર માણવાની પણ મૌજ છે. સુકા બાવળમાં પણ કુંપણ ફૂટી નીકળે..! ‘Wife is the air bag of life..!’ માત્ર, પ્રેમના રંગીન અને મઘમઘતા ‘ફૂવ્વારા’ ઉડાડવા પડે એટલું જ. કંકોત્રી કે જન્મોત્રીના સોગંદ ખાયને કહું કે, પરણેલાની હાલત, સાપ નોળિયો ગળવા બેઠો હોય તેવી ભલે થાય, પણ સાહસમાં પણ જે હ-સાહસ રાખે તે વીર..! ક્યારેક તો એમ થાય કે, સ્વરક્ષણ માટે ઘરમાં થોડીક ગરોળીઓ પણ પાળવી જોઈએ. કારણ કે, વાઈફ પતિ કરતાં ગરોળીથી વધારે ડરતી હોય..! આ તો એક ગમ્થોમત..!

લગન સમાજનું અંગ કહેવાય, એટલે લગન તો કરવા જ પડે. બાકી, લગન કર્યા પછી અગન બળે તો પંખો નાખવા કોઈ નથી આવતું. સસરાની ‘હેલ્પ-લાઈન’ તો પકડાય નહિ, પકડવા જઈએ તો એ એના સસરા પાસે ‘હેલ્પ’ નો વાટકો લઈને ઊભાં હોય. આપણે ક્યાં નથી જાણતા કે, આપણી પાસે તો માત્ર ‘કટપીસ’ જ છે, એમની પાસે તો આખો તાકો હોય..! સમસમી જવું પડે યાર..! લગન શબ્દ ‘ગન’ સૂચક હોવાથી, ભડાકા તો થવાના જ..! લગનની કુંડળી ભલે, રેશમી મલમલ જેવી હોય, તો પણ તણખા તો ઝરવાના..! જે લોકો આદર્શ પુરુષ કે, આદર્શ પત્નીની શોધમાં ઈસ્વીસનોનો કચ્ચરઘાણ કાઢે છે, એમને એટલું જ કહેવાનું કે, જે અપેક્ષાનું અસ્તિત્વ જ નહિ હોય એ માટે શું કામ ‘વેઈટીંગ’ લીસ્ટમાં પડી રહી, આમતેમ ડાફોળિયાં મારવા જોઈએ..? હું નથી કહેતો કે, લગનમાં અગનઝાળ નથી, પણ બીજો કોઈ વિકલ્પ પણ હોવો જોઈએ ને..?

લાસ્ટ ધ બોલ
૨૦ માર્કસની નિબંધની સ્પર્ધા હતી. વિષય હતો કે, ‘ મેં લગન શા માટે કરેલાં..?’ મેં એટલું જ લખ્યું કે, ‘મારું મગજ ઠેકાણે નહિ હતું એટલે..! આ વિધાન ઉપર મને ૧૯ માર્કસ મળ્યા. મને ખાત્રી થઇ ગઈ, કે મારો જ નંબર પહેલો આવવાનો. પણ મારી પત્નીએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. ‘એણે એવું લખેલું કે, કોઈનું મગજ ઠેકાણે લાવવાનું હતું એટલે મેં લગન કરેલાં..! ‘કહેવાની જરૂર નથી કે, એને ૨૦ માંથી ૨૦ માર્કસ મળ્યા, ને પહેલો નંબર એનો આવ્યો..!  એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top