યોગ્ય વેતન યોગ્ય દામ… ન જોઈએ દયા, ન જોઈએ દાન!

કેનેડાની સરહદ પર અમેરીકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયત્ન કરતા ચાર ભારતીય ઠંડીમાં ઠૂંઠવાઈ મર્યા. બીજા સાતની પોલીસે ધરપકડ કરી. ભારતમાંથી વિદેશમાં ગયેલા નાગરીકો દોઠ કરોડથી વધારે છે. દુનિયા ભરમાં આંતરાષ્ટ્રીય સ્થળાંતરીત વસ્તીમાં ભારતનો ક્રમ પ્રથમ છે. હજુ આ પ્રમાણ વધે છે. કાયદેસર અને ગેરકાયદેસર રસ્તા દ્વારા ભારતના અનેક લોકોને વિકસીત દેશોમાં જવુ છે. આપણે પ્રથમ ક્રમ અમેરીકા છે પછી ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, યુરોપ છે. કબૂતરબાજી’ શબ્દ પ્રચલીત થયો. તે આ ગેરકાયદે વિદેશ ગમન માટે જ આપણાં ઘણાં કળા અને સંપ્રદાયના ગૃપો પર આ કબૂતરબાજીના આક્ષેપ થયા છે.

સ્થળાંતર એ નવા આર્થિક જગતની સમસ્યા છે. ગામડાના લોકો શહેરમાં, શહેરના લોકો મોટા શહેરમાં લોકો મોટા સહેરમાં અને વિકસતા અલ્પવિકસીત દેશના લોકો વિકસતા દેશોમાં જવા માગે છે. વ્યક્તિના સ્થળાતરને અસરકરનારા અનેક પરિબળ છે પણ બે પરિબળ મુખ્યછે. એક છે આવક અને રોજગારી માટે સ્થળાંતર અને બીજુ છે. સામાજીક પરિબળો ને કારણે થતુ સ્થળાંતર ભારતમાં જ ઘુસણખોરી અને ગરીબ રાજયોમાંથી સમૃદ્ધ રાજ્યો તરફ વસ્તીનું સ્થળાંતર એ અનેક પ્રશ્નો ઊભા કરે છે. કોઇપણ દેશમાં ગેરકાયદે પ્રવેશનું તે ગુનો છે અને તેની તરફેણ કરી શકાય નહિ. જો આપણે વિકસીત દેશોમાં ગેરકાયદે પ્રવેશતા ભારતીયો માટે ગર્વ કરીએ તો બાંગ્લાદેશી ઘુસણખોરો માટે શું કહીશું! (જે રોજગારી અને આવક માટે ઘુસે છે તેની વાત કરવી!) પણ ભારતમાંથી અભ્યાસ કે નોકરી માટે કાયદેસર વિદેશ જનારાનું પ્રમાણ પણ ખૂબ મોટુ છે! આપણા નેતાઓ, બૌદ્ધિક લેખક ચિંતકો ‘ભરતનું બુદ્ધિધન પરદેશ જાય છે તેની ચિંતા કરે છે. જનારાને મૂલ્યો સમજાવે છે. પણ તેઓ ભારતમાં કેમ નથી રહેતા તેના મૂળ પ્રશ્નો તપાસતા નથી!

ભારતની આર્થિક સમસ્યાઓમાં સૌથી મોટી આર્થિક સમસ્યા એ યોગ્ય વળતર વગરની રોજગારી અને ખેતપેદાશોના ખૂબ નીચા-અસ્થિર ભાવ છે. એક તરફ આપણને સરકાર વિવિધ દેવા માફી, મફત યોજના અને સબસીડી કે સહાય આપે છે તે નથી ગમતુંં પણ દેશના એંસી કરોડથી વધારે લોકોને પાયાની જરૂરીયાતો પણ રાહતદરે આપવી જ પડે તેવી સ્થિતિ છે અને તે કેમ છે! તો મુદ્દાની વાત એ છે કે ભારતમાં યોગ્ય વેતનવાળી રોજગારી નથી અને ખેડૂતોને પેદાશોના યોગ્ય ભાવ નથી. 1991ની ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ પછી ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિસ્તાર થયો. મૂડી રોકાણો વધ્યા અને રોજગારીમાં ઝડપી અને નોંધપાત્ર વધારો થયો જેણે ભારતીય કુટુમ્બોની આવકમાં વધારો કર્યો. એટલે આવક અને રોજગારી બંને વધ્યા. આ શરૂઆતના તબક્કે સ્વાભાવિક જ હતું!

એક જ દૂરદર્શનને બદલે દેશમાં બસ્સો જેટલી ચેનલો સ્થપાય, તેની દરેક રાજયમાં ઓફીસ-સ્ટુડયો થાય અને જિલ્લા કે તાલુકા સુધી તેના કેમેરામેન, પત્રકારો નીમાય એટલે દૂરદર્શન કરતા અનેકગણી રોજગારી સર્જાય. આવુ જ સરકારી યુનિવર્સિટી અને સરકારી ાશળાઓ સાથે ખાનગી યુનિ. અને શાળાઓ શરૂ થવાથી થયું, હોસ્પિટલો શરૂ થવાની થયું! મોબાઇલ કંપનીઓ, વીમા કંપનીઓ, બેંકો… સેવા ક્ષેત્રમાં ખાનગીકરણે મોટો વિસ્તાર વધાર્યો અને અનેકગણી રોજગારી વધી આનુ જ વિદેશી મૂડીરોકાણ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રના વિસ્તરણમાં થયું!

શરૂઆતમાં સરકારી ક્ષેત્રની રોજગારી અને સરકારી પગાર ધોરણો સાથે ખાનગી ક્ષેત્રની રોજગારી અને આકર્ષક પગારો સાથે ઉજળુ દૃશ્ય સર્જાયુ! સ્વાભાવિક રીતે જ ઘરમાં એક વ્યકિત સરકારી નોકરી કરે. સારો પગાર મેળવે અને બીજા બે ત્રણ બેકાર તા એ ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવીને આવક મેળવે એટલે કુટુમ્બની કુલ આવકમાં તો વધારો જ થાય! પણ 1991 પછીના પાંચ-સાત વર્ષમાં ગુલાબી લાગતુ આર્થિક ચિત્ર વિખેરાવા લાગ્યું. નેતાઓ અને વેપારીઓ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ સાંઠગાંઠથી વેપાર-ધંધા-ઉદ્યોગ-શિક્ષણ-આરોગ્ય બધે જ પોતાની દુકાનો શરૂ કરી દીધી. પ્રજામાં હજુ આજે પણ આર્થિક હિતો માટે જાગૃતી નથી. માટે કાયદા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયુ અને ખાનગી ક્ષેત્રનો આખો વિકાસ રોજગારીના શોષણ ઉપર થયો. ખાનગી હોસ્પિટલો મોટા ડોકટર્સને તો લાંખો ચૂકવે છે પણ નર્સ, કમ્પાઉન્ડર જેવા સહાયક કર્મચારીઓને માંડ દસ-બાર હજાર ચૂકવાય છે. નાના શહેર નગરમાં આ વેતન સાત હજારથી ત્રણ હજારમાં જ છે! શાળાઓમાં શિક્ષકોને પણ દસ બાર જ ચૂકવાય છે. ઇવન સરકારી યુનવર્સિટીના ભવનોમાન અધ્યાપકોને પચ્ચીસ હજાર અને કોલેજોમાં દસથી પંદર હજાર ચૂકવાય છે.

આપણે દોઢસો કરોડ વેક્સિન આપી શકયા છીએ કારણ કે આ વેક્સિન આપવા માટે કોન્ટ્રાકટ સિસ્ટમથી હંગામી ધોરણે ભરવામાં આવેલા નર્સ-કમ્પાઉન્ડરોને દસથી પંદર જ હજાર મહિને ચૂકવાયા છે. ભારતનો પ્રત્યેક શિક્ષિત યુવાન ફસ્ટ્રેટ છે. એમ.એ., એમ.એસ.પી જેવી ઉચ્ચતમ ડિગ્રી મેળવ્યા પછી જરૂરી કૌશલ્યમાં પૂરવાર થયા પછી પણ નોકરીની શરૂઆત પંદર હજારના પગારથી અને અંત પચ્ચીસ હજારના પગારથી થાય તો કયાં ઉજ્જવળ ભવિષ્યની તે કલ્પના કરે? બહુ જ ક્રૂર રીતે વ્યાપક બનતી રોજગારીની કોન્ટ્રાકટ સિસ્ટમ વિષે વિચારવું પડશે! જે અમેરિકા, ફ્રાન્સની ભૌતિક બાબતો આપણે નકલ કરીએ છીએ તે દેશોના વેતનના કાયદાની નકલ કરવી પડશે. વિચારવું પડશે કે કેમ માણસ પરદેશમાં જઇ વાસણ ઉકડવા પણ તૈયાર છે? કચરા પણ હોંશે હોંશે વાળે છે! કારણ ત્યાં એક કલાક કામ કરવાનું વેતન સરકારે જે ફીકસ કર્યું છે તેનાથી ઓછું આપી શકાતું નથી! આપણે ભારતમાં આ કરી શકીએ! સરકારે જે શરતે શાળા કોલેજોને મંજૂરી આપી છે તેનાથી ઓછો પગાર આપતી શાળા કોલેજોની માન્યતા રદ કરી શકીએ?

જે દેશમાં ક્રિકેટરો કરોડોમાં વેચાય, ચટપટા પ્રવચનકારો લાખો મેળવતા હોય અને શિક્ષકો ફિકસ પગારમાં ઠસરડા કરતા હોય ત્યાં આ આશા રાખવી વધુ પડતી! દિવસો હજુ ખરાબ આવશે! સરકારી નોકરીઓ ખતમ થતી જાય છે. હવે પેન્શન પણ મળવાનું નથી. ખાનગી ક્ષેત્ર ચાલીસ વર્ષ પછી કામ આપવાનું નથી. 1991 પછી વધતુ ખાનગી ક્ષેત્ર હવે સ્થિર થઇ ગયું છે. હવે નવી શાળા-કોલેજ, હોસ્પિટલ કે ચેનલ ખૂલવાનો દર સ્થિર થઇ ગયો છે. કુટુંબોની આવક ઘટી ગઇ છે. સામ ખર્ચ વધી ગયા છે. બચતો ઘટતી જાય છે. કેનેડાની સરહદ પર મરનારા લોકડાઉનમા વતન તરફ પાછા ફરતા મૃત્યુ પામનારા કે દેવાના બોજ નીચે દબાયેલા હોવાથી આપઘાત કરનારા ખેડૂતો સૌ એક જ મુદ્દાના પરિણામ છે. જો આપણે ઇચ્છીએ છીએ કે સરકાર મફત બંધ કરે,જો આપણે ઇચ્છીએ છીએ કે ભારતીયો વિદેશ જવાનો મોહ છોડે તો તેનો ઉકેલ આદર્શ ઉપરદેશ કે પ્રવચન નથી. ખેડૂતને તેની પેદાશના યોગ્ય ભાવ મળે અને વ્યકિતને તેની મહેનતનું યોગ્ય વળતર મળે તો જ આ સમસ્યાનો ઉકેલ આવે. આપણા રાષ્ટ્રગીતમાન આપણે ગાઇએ છીએ કે ‘ભારત ભાગ્ય વિધાતા’ આ દેશ ભાગ્ય નિર્માતા અને ભાગ્ય વિધાતા ત્યારે જ બને જયારે દેશના નાગરીકોને તેમના કામનું યોગ્ય વળતર મળે! તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે! બાકી બધા ફીફા ખાંડવાની વાત છે! સરકાર એકાદો હિંમત પૂર્વકનો કાયદો વેતન માટે પણ બતાવે! તો કંઇક વાત બને!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top