Top News

યુક્રેનની સેનાએ કર્યું સરેન્ડર, 1026 સૈનિકોએ હેઠાં મૂક્યા હથિયાર

નવી દિલ્હી: યુક્રેન-રશિયા યુદ્ધની (RussiaUkraineWar) વચ્ચે રશિયન સેનાએ (Army) મેરીયુપોલમાં મોટી સફળતાનો દાવો કર્યો છે. યુક્રેનની આખી બ્રિગેડે મેરીયુપોલમાં આત્મસમર્પણ કર્યું છે. યુક્રેનની 36મી મરીન બ્રિગેડે આત્મસમર્પણ (Surrender) કર્યું હોવાનો રશિયા દ્વારા દાવો કરાયો છે. આ શરણાગતિ હેઠળ 1026 જવાનોએ શસ્ત્રો હેઠાં મુકી દીધા છે. 162 યુક્રેનિયન અધિકારીઓ પણ તેમના શસ્ત્રો મુકી દીધા છે.

રશિયાનો દાવો છે કે ડોનેત્સ્કના વિદ્રોહીઓ સાથેની ઘેરાબંધીમાં રશિયાની આર્મીએ મોટી સફળતા મેળવી છે. આ પહેલા સામ-સામે લાંબી લડાઈ ચાલી હતી, જેના અંતે રશિયાએ 95 ટકા વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. હવે રશિયન સેના દ્વારા ક્રિવરીને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ક્રિવરી એ ખેરસન શહેરની નજીક આવેલો વિસ્તાર છે. રશિયન સેના અહીંથી 50 કિમીના અંતરે છે. ક્રિવરી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનો પ્રદેશ પણ છે. અહીં લડાઈ સતત ચાલી રહી છે. રશિયન સૈનિકો ક્રિવરી પર કબ્જો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્રિવરી આસપાસનો દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ક્રિવરી આર્થિક હબ છે. તેમજ તે સ્ટીલનું કેન્દ્ર પણ છે. એટલા માટે તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. છેવાડાના 15 ગામો એવા છે જ્યાં લડાઈ ફાટી નીકળી છે.

આ સમયે યુક્રેનમાં યુદ્ધનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધ્ય યુક્રેનના ડિનીપર ઓબ્લાસ્ટના એક રેલ્વે સ્ટેશન પર મિસાઈલ હુમલો કરાયો છે. આ હુમલાને કારણે રેલ્વે તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. બે દિવસ પહેલા એરપોર્ટ પર પણ હુમલો થયો હતો. એક રીતે, રશિયા પૂર્વ આયોજિત વ્યૂહરચના હેઠળ મોટા હુમલાઓ કરી રહ્યું છે, પહેલા રશિયાએ પૂર્વ યૂક્રેન અને હવે મધ્ય યુક્રેન પર હુમલા શરૂ કર્યા છે. આગામી દિવસોમાં આ લડાઈ હજુ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. રશિયા નરસંહારના નિશાન ભૂંસી રહ્યું હોવાનું પણ લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે યુક્રેને દાવો કર્યો છે કે રશિયા સમગ્ર યુક્રેનમાં નરસંહારના નિશાનને ભૂંસી નાખવા માટે અમાનવીય રીતો અપનાવી રહ્યું છે અને આ માટે રશિયા મોબાઈલ સ્મશાન વાનનો ઉપયોગ કરી રહ્યું છે. મારીયુપોલમાં 13 મોબાઈલ સ્મશાન વાન જોવા મળી છે. તેમની મદદથી, રશિયા શેરીઓમાં મળેલા મૃતદેહોનો નિકાલ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ બુચામાં જે નરસંહાર કર્યો હતો તેના આરોપોથી બચવાના પ્રયાસમાં રશિયા આવું કરી રહ્યું છે. રશિયા કોઈપણ પુરાવા અને નિશાન છોડવા માંગતું નથી.

Most Popular

To Top