Madhya Gujarat

ઠાસરામાં કાળોતરાનાં દંશથી બે બહેનોના મોત

નડિયાદ: ચોમાસાની સિઝન દરમિયાન ઝેરી જીવજંતુઓ તેમજ સરીસૃપ જીવો કરડવાથી લોકો જીવ ગુમાવતાં હોવાના કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે હાલ, ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામમાં રહેતી માસુમ વયની બે સગી બહેનોના સાપ કરડવાથી કરૂણ મોત નિપજ્યાં હોવાની ઘટના બની છે. એક સાથે બે બહેનોના મોતને પગલે પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામના એક ગરીબ પરિવારની બે દિકરીઓ મંગળવારના રોજ રાત્રીના સમયે જમી-પરવારી ઘરના આંગણામાં સુઈ ગઈ હતી. મોડી રાત્રીના સમયે 10 વર્ષીય સાવિત્રી અને 6 વર્ષીય રવ્યા ઘસઘસાટ ઉંઘતી હતી. તે વખતે ત્યાં એક ઝેરી સાપ આવી ચડ્યો હતો.

આ ઝેરી સાપે ભર નિદ્રાં માણતી બંને સગી બહેનોને ડંખ માર્યો હતો. સર્પદંશને પગલે શરીરમાં ઝેર પ્રસરી જવાથી આ બંને સગી બહેનોના કરૂણ મોત નિપજ્યાં હતાં. માસુમ દિકરીઓના મોતને પગલે પરિવારજનો શોકમગ્ન બન્યાં હતાં. એક સાથે બે બહેનોના અકાળે મોત નિપજતાં નાના એવા અમૃતપુરા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. બુધવારના રોજ બંને બહેનોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. જે દરમિયાન પરિવારજનોની સાથે સાથે ગ્રામજનો પણ ચોંધાર આંસુએ રડતાં નજરે પડ્યાં હતાં.

Most Popular

To Top