Editorial

આફ્રિકન યુનિયનને જી-20માં સમાવવાનો નિર્ણય મહત્વનો સાબિત થશે

ભારતના નેતૃત્વમાં નવી દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટ ની બેઠક યોજાઇ છે. આ સમિતના પહેલા દિવસે સંયુક્ત ઘોષણા પત્ર  પર 125 દેશોએ સંમતિ આપી દીધી હતી. શનિવારે બીજા સેશનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ અધ્યક્ષ તરીકે આ માહિતી આપી હતી. તેમણે સભ્ય દેશો સાથે સહમતિથી નવી દિલ્હી ડિક્લેરેશનને મંજૂરી આપી હતી. જ્યારે આફ્રિકન યુનિયનને G20ના નવા સભ્ય તરીકે માન્યતા આપી હતી. યુનિયનને સભ્યપદ મળી જતાં આફ્રિકાના 55 દેશોને મોટો લાભ થશે. ગ્લોબલ સાઉથનું અગ્રણી ગ્રુપ આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું છે.

પીએમ મોદીના પ્રસ્તાવને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો છે. સમિટમાં વૈશ્વિક નેતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે મોદીએ કહ્યું, તમારા બધાના સમર્થનથી હું આફ્રિકન યુનિયનને G20માં સામેલ થવાનું આમંત્રણ આપું છું. એ પછી વિદેશમંત્રી એસ. જયશંકર આફ્રિકન યુનિયન ના અધ્યક્ષ અજાલી અસોમાનીને G-20ના ટેબલ પર તેમનું સ્થાન લેવા માટે લઈ ગયા હતા. આફ્રિકન યુનિયન એક પ્રભાવશાળી સંગઠન છે, જેમાં 55 સભ્યદેશોનો સમાવેશ થાય છે.જો કે, ભારતની સમિટમાં રશિયા અને ચીનના વડાઓએ ભાગ લીધો નથી.

દુનિયાના 20 મુખ્ય દેશોએ વર્ષ 1999માં એક ઇકોનોમિક ગ્રુપના રૂપમાં જી-20 ગ્રુપ બનાવ્યું હતું. એશિયન નાણાકીય સંકટ બાદ આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. તે સમયે વિચાર હતો કે આર્થિક સંકટોને હવે કોઈ દેશની સરહદની અંદર ન રોકી શકાય. તેથી સારા આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગની જરૂરીયાત છે. આ હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી.

જી20ના સભ્યો દેશ ગ્લોબલ જીડીપીમાં 85 ટકાનું યોગદાન આપે છે. એટલે કે દુનિયાના કુલ 195 દેશોમાંથી માત્ર 20 દેશોની પાસે દુનિયાની 85 ટકા જીડીપી છે. બાકી બચેલા 175 દેશોની પાસે માત્ર 15 ટકા જીડીપી છે. જી-20 સમૂહમાં સામેલ દેશોની વાત કરીએ તો માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકા ગ્લોબલ જીડીપીમાં 25.46 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે છે. અમેરિકા બાદ બીજા નંબરે ચીન છે. ચીનનું ગ્લોબલ જીડીપીમાં 17.96 ટ્રિલિયન ડોલરનું યોગદાન છે. ત્રીજા નંબર પર યુરોપીયન યુનિયન (જર્મની, ફ્રાન્સ અને ઇટલીને છોડીને) છે. યુરોપિયન યુનિયનનું યોગદાન 7.78 ટ્રિલિયન ડોલર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી ટીમના હાર્ડવર્કથી અને તમારા સહયોગથી નવી દિલ્હી G20 લીડર્સ ઘોષણા પત્ર પર સહમત થયા છે. આ મામલે કેન્દ્રીયમંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે આ એક ખૂબ જ મેચ્યોર અને ઈન્ટેલિજન્ટ ડ્રાફ્ટ છે. તેનો અંત આ યુદ્ધનો યુગ નથી. તેને એક સીમાચિહ્ન તરીકે યાદ રખાશે. નવી દિલ્હી નેતાઓના ડિક્લેરેશન અંગે G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું હતું કે પહેલા દિવસે જ તેને મંજૂરી અપાવી એક મોટી સિદ્ધી છે. તેમણે કહ્યું કે આ દિલ્હી ડિક્લેરેશન મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ પર આધારિત છે.

આ ડિક્લેરેશન એસડીજી પર પ્રગતિમાં તેજી લાવવી, સતત ભવિષ્ય માટે હરિત વિકાસ સમજૂતીઓ, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન, બહુપક્ષવાદને પુર્નજીવિત કરવા પર કેન્દ્રીત છે. આફ્રિકન યુનિયન પણ હવે જી ટ્વેન્ટી દેશોના સમુહમાં સભ્ય બની ગયું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આફ્રિકન દેશોને ખૂબ જ મોટો ફાયદો થશે. આસ કરીને એવા આફ્રિકન દેશો જે ગૃહ યુદ્ધ, આંતરિક કલેહ, ભૂખમરો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેને ખૂબ જ મોટો ફાયદો થાય તેમાં કોઇ બેમત નથી.

ખાસ કરીને જી ટ્વેન્ટીની થીમ વસુદેવં કુટુંબકમ છે. એટલે કે આખી દુનિયા જ એક કુટુંબ છે. જેથી દરેક દેશનો સમતોલ વિકાસ થવો જોઇએ અને તેમાં આફ્રિકન દેશો પણ પાછળ રહેવા જોઇએ નહીં. આ ઉપરાંત અન્ય કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં જે અનુસાર તમામ દેશો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કામ કરશે. ભારતની પહેલ પર વન ફ્યુચર એલાયન્સની રચના કરવામાં આવશે.તમામ દેશોએ યુએન ચાર્ટરના નિયમો અનુસાર કામ કરવું જોઈએ. બાયો ફ્યુઅલ એલાયન્સ બનાવવામાં આવશે. તેના સ્થાપક સભ્યો ભારત, અમેરિકા અને બ્રાઝિલ હશે.વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર પર ભાર મૂકવામાં આવશે.બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવામાં આવશે. તેમને વધુ સારા, મોટા અને વધુ અસરકારક બનાવવામાં આવશે.
ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવશે. ક્રિપ્ટોકરન્સી અંગે વૈશ્વિક નીતિ બનાવવા માટે વાતચીત થશે.

Most Popular

To Top