National

G-20 સમિટના ગાલા ડિનરમાં વિશ્વ નેતાઓએ માણ્યા જાડા ધાન્યમાંથી બનેલા સ્વાદિષ્ટ ભારતીય વ્યંજનો

નવી દિલ્હી: (New Delhi) આજે જી૨૦ સમિટની (G-20 Summit) પ્રથમ દિવસની બેઠકોના અંતે રાત્રે રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મર્મુએ ભારત મંડપમ ખાતે સત્તાવાર જી૨૦ ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ સત્તાવાર ગાલા ડીનરમાં મહેમાનોને એકથી એક ચડે તેવી વિવિધ પ્રદેશોની સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.

આ ભોજન સમારંભની થીમ ટેસ્ટ કનેક્ટ્સ ભારત હતી અને તેના મેનુમાં લખવામાં આવ્યું હતું કે પરંપરાઓ, રિવાજો અને હવામાનની રીતે ભારત અનેક બાબતે વૈવિધ્ય ધરાવે છે પરંતુ સ્વાદ અમને બધાને એક કરે છે. મેનુમાં મિલેટ એટલે કે જાડા અનાજની વાનગીઓનો ખાસ ઉલ્લેખ હતો અને તેમાં તેમના પોષક મૂલ્યો અને કૃષિ મૂલ્યો પણ વર્ણવવામાં આવ્યા હતા. રાષ્ટ્રોના વડાઓ અને અન્યોને એક આગવા ભોજનનો અનુભવ થઇ રહે તે માટે વાનગીઓ ચાંદીના અને સોનાનો ઢોળ ચડાવેલા વાસણોમાં પીરસવામાં આવી હતી જેમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્ટાર્ટર તરીકે કાંગણી, કાકુમ જેવા જાડા ધાન્યની વાનગી પાંદડામાં વીંટાળીને તેના ઉપર દહીં અને ચટણી પાથરીને પીરસવામાં આવી હતી. મેઇન કોર્સમાં જેકફ્રુટ ગાલેટ મશરૂમ સાથે પીરસાયું હતું અને કેરળના પ્રખ્યાત લાલ ચોખા પણ કઢી પત્તા સાથે પિરસાયા હતા. આ ઉપરાંત વિવિધ પ્રકારની રોટલીઓ અને મુંબઇના જાણીતા કાંદાવાળા પાઉં પણ હતા. બાકરખાની તરીકે ઓળખાતી મીઠી રોટલી પણ હતી. મધુરિમા નામે જેને મીઠાઇની કેટેગરીમાં મૂકાયું હતું તે જાડા ધાન્યમાંથી બનેલ પુડીંગ અને અંજીરની મીઠાઇ હતી. ભોજનના અંતે પીણા તરીકે મહેમાનો કાશ્મીરી કાહવા, ફિલ્ટર કોફી અને દાર્જીલિંગની ચામાંથી કોઇ પણ પીણુ પસંદ કરી શકતા હતા. છેલ્લે ચોકલેટની ફ્લેવરવાળું પાન અપાયું હતું.

Most Popular

To Top