Columns

દરેક દિલ પર રાજ કરવા

એક પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગમાં સ્પીકરે કહ્યું, ‘તમે બધા અહીં તમારી પર્સનાલીટીને વધુ સારી રીતે ડેવલપ કરવા માટે આવ્યા છો બરાબર. હવે સમજો, મારી વાર બધાનું એક જૂદું વ્યક્તિત્વ અને દેખાવ હોય છે, જે આપણને બીજાથી જુદી ઓળખ આપે છે.આપણે દેખાવ અને વ્યક્તિત્વમાં નિખાર લાવવા સતત કાર્યરત રહેવું પડશે.એક દિવસમાં કે એક અઠવાડિયાના વર્ગમાં જવાથી વ્યક્તિત્વમાં નિખાર આવતો નથી. તે તો સતત કરવી પડતી પ્રક્રિયા છે.આ વાત તમે બરાબર રીતે સમજી લેશો તો તમે તમારી પર્સનાલીટીનું સાચી દિશામાં ડેવલોપમેન્ટ કરી શકશો.

હવે મારો પહેલો પ્રશ્ન છે કે તમે પર્સનાલીટી ડેવલોપ કરવા શું કામ માંગો છો?’ બધાએ જવાબ આપ્યા આત્મવિશ્વાસ મેળવવા માટે….સફળતા મેળવવા માટે …જીવનમાં આગળ વધવા માટે …દરેક તબક્કે જે હરીફાઈ છે તેમાં અવ્વલ રહેવા માટે …વિદેશ જવા માટે …બીજાને પ્રભાવિત કરવા માટે વગેરે વગેરે…. સ્પીકર બોલ્યા, ‘વાહ બધાને ખબર છે કે જીવનમાં આગળ વધવાનો રસ્તો છે આ …પણ શું કોઈ પાસે હજી કોઈ જુદો જવાબ છે …’કોઈએ જવાબ ન આપ્યો.સ્પીકર બોલ્યા, ‘દોસ્તો હવે ચાલો પર્સનાલીટી ડેવલોપમેન્ટની શરૂઆત કરીએ …બાહ્ય દેખાવ …કપડાં …શરૂઆતનાં પગલાં છે..પણ સાથે જરૂરી છે ભાષા …ભણતર અને આવડત …સૌથી વધુ જરૂરી છે સારું વર્તન અને વ્યવહાર…અને હવે હું તમને કહું કે આ અઠવાડિયાના વર્ગમાં તમે જે જે શીખશો તેનાથી તમે જે કહ્યું તે બધું તો મેળવી શકશો જ, પણ સાથે સાથે એક અમૂલ્ય વસ્તુ મેળવી શકશો જેની તમે કોઈએ વાત નથી કરી…’ બધા સ્પીકર કઈ વસ્તુની વાત આગળ કરશે તે જાણવા આતુર બન્યા.

સ્પીકરે કહ્યું, ‘દોસ્તો, તમે જે શીખશો તે હંમેશ માટે જીવનમાં અપનાવી લેશો તો તમારી પર્સનાલીટીને ચાર ચાંદ તો લાગશે જ, એને સાથે સાથે તમે દરેકના દિલ પર રાજ કરી શકશો.તે માટે સૌથી મહત્ત્વના છે તમારા વિચાર…વાણી …વર્તન અને વ્યવહાર. આ ચારને હંમેશ માટે સારા કરવા માટે હું તમને શીખવાડીશ દસ નાનાં સૂત્રો …હંમેશા સકારાત્મક વિચારો …સારું અને સાચું બોલો…એકબીજાનો આદર કરો …કોઈનું અપમાન ન કરો …વિનમ્રતા અને વિવેક ક્યારેય ન ચૂકો …પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારો …ભૂલ થાય તો માફી માંગો …બીજાની ભૂલ એકલામાં કહો…અન્યની ભૂલને ભૂલી આગળ વધી જાવ …આભાર માનો…જો આ દસ સૂત્રો તમે આજે જાણીને ,સમજીને યાદ કરી લેશો અને સતત તેની પર અમલ કરશો તો તમે જીવનમાં બધું જ મેળવી શકશો અને વિશેષ દરેકના દિલ પર રાજ કરી શકશો.’સ્પીકરે નાનાં નાનાં સૂત્રોમાં સુંદર વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top