Comments

દેશ રાજકારણીઓ ચલાવે તે કે અધિકારીઓ કે તજજ્ઞો ચલાવે તે સારું?

લોકસભામાં એક વાર પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે? શું અધિકારીઓ બધું જ કરશે? ..આપણે આ પ્રકારની વ્યવસ્થા અને માનસિકતા ક્યાં સુધી ચલાવીશું? વાત સાચી છે.ભારત આઝાદ થયું ત્યારથી સમયાન્તરે આ પ્રશ્નો ઊભા થયા છે કે અંગ્રેજોએ ગોઠવેલી બાબુશાહીમાંથી આપણે ક્યારે આઝાદ થઈશું? આમ તો,અંગ્રેજોએ જે આંશિક આઝાદી આપવાની શરૂઆત કરી હતી તેમાં આ અધિકારવાદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જ્યાં કામ ભરતીઓ કરે પણ તેમણે કામ કેવી રીતે કરવું તે નક્કી અંગ્રેજ અફસરો કરે. ગુલામી હતી ત્યાં સુધી આ બધું હોય એ સમજી શકાય. પણ, આઝાદ ભારતમાં પણ આવું ચાલવા દેવાય? હા, આઝાદી પછી આપણે મિશ્ર અર્થતંત્રમાં સમાજવાદ તરફ ઢળ્યા અને મોટા ભાગનું અર્થતંત્ર સરકારના કાબૂમાં રહ્યું, જ્યાં અગત્યના નિર્ણયો સરકારી અધિકારીઓ લેતા હતા.ઉદ્યોગ રેલ્વે સંદેશ વ્યવહાર બેંક વીજળી ,દવાખાનાં અને શિક્ષણ બધું જ સરકાર હસ્તક મતલબ અધિકારીઓ દ્વારા ચાલતું.કેટલાક નીતિવિષયક નિર્ણય રાજનેતા કરતા પણ રોજિંદો વહીવટ અધિકારીઓના પરિપત્રથી થતો.માટે જ ઘણા આને “લાયસન્સ રાજ”કહેતા.

1991 થી ખાનગીકરણ અને ઉદારીકરણ શરૂ થયું અને 2021 માં આ નવી આર્થિક નીતિને ત્રીસ વર્ષ પૂરાં થશે. કોંગ્રેસનો ઝોક જેમ સમાજવાદ તરફ હતો તેમ આ સરકારનો ઝોક મૂડીવાદ એટલે કે મુક્ત અર્થતંત્ર તરફ છે. માટે જ આપણે ડીસ ઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા કરીએ છીએ. સરકાર પોતાને હસ્તક ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિ ખાનગી ક્ષેત્રને સોંપે તે ડીસ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આ વખતના બજેટમાં સરકારે ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા કમાવાનો ઉદે્શ રાખ્યો છે. સાથે સાથે એસેટ મોનેટાઈઝેશન દ્વારા પણ રૂપિયા ભેગા કરવાના છે.એસેટ મોનેટાઈઝેશન એટલે સરકારી સંપત્તિ વેચીને રૂપિયા કમાવા જેમકે રેલ્વે પાસે વધારાની જમીન પડી છે તે બજારમાં વેચીને રૂપિયા અંકે કરવા

વર્ષોથી કેટલાક પ્રશ્નો દરેક અભ્યાસુઓને થતા હતા.જેમકે ખેતીના અગત્યના નિર્ણય સચિવો કેવી રીતે કરી શકે. જેમ ક્રિકેટ ન રમનારા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના નિર્ણાયકો હોય છે તેમ ખેતરમાં પગ ન મૂકનારા અધિકારીઓ ખેતી વિષે યોજનાઓ બનાવે,નિયમો બનાવે ….આવું જ શિક્ષણમાં …રમતગમતમાં, વહીવટમાં બધે જ …માટે વડા પ્રધાને અત્યારે જે પ્રશ્ન ઊભો કર્યો છે તે નવો નથી પણ આશ્ચર્યકારક જરૂર છે. કારણ કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ટેવ પાડી હતી કે વાતવાતમાં ધારાસભ્યો અને નેતાઓએ દખલ કરવી નહિ અને અધિકારીઓએ નિયમ મુજબ કામ કરવું. આગળ જતાં આ ટેવ એવી વ્યવસ્થા થઇ કે અધિકારીઓ કોઈનું માને જ નહીં.

જે પ્રશ્ન લોકસભામાં વડાપ્રધાને પૂછ્યો તે જ પ્રશ્ન આપણે આ કોલમમાં વારંવાર પૂછતા આવ્યા છીએ કે શા માટે ગુજરાતમાં આટલું બધું અધિકારીઓનું શાસન છે.શાળા કોલેજોના વેકેશન ,સેમેસ્ટર સીસ્ટમ ,પરીક્ષા બધું જ અધિકારીઓ નક્કી કરે છે. સરકારી ભરતીઓમાં લાયકાતનાં ધોરણો રાતોરાત બદલાય છે. નેતાઓનું ધ્યાન દોરીએ તો કહે છે સચિવને પૂછો. ગુજરાતમાં કૃષિ મેળા ,કન્યા કેળવણી, વાંચે ગુજરાત ….થી માંડીને મહોત્સવો ઉજવણીઓ,ઔદ્યોગિક નીતિઓ બધું જ અધિકારીઓ નક્કી કરે છે  અને માટે જ આ કિરીટ પટેલ જેવા અનેક આ દુર્વ્યવસ્થા અને બાબુશાહીનો લાભ લે છે.

સત્તામાં સતત ભાજપ છે અને શાસનમાં સતત કેટલાક અધિકારીઓ. વળી ગુજરાતમાં તો છેલ્લાં વર્ષોમાં મુખ્યમંત્રી બદલાયા, પણ કેટલાક મહત્ત્વનાં સ્થાનો પર અધિકારીઓ તો એના એ જ છે માટે જ ઉત્સવોનાં નામ અને સ્થળ ભલે બદલાય, તેના કોન્ટ્રાકટરો, કલાકરો એના એ જ હોય છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ હસતાં હસતાં આપેલી સલાહ ઘણી સૂચક છે કે “તમે તમારા કામ માટે અમને મળો. અમે મંત્રીશ્રીઓને કહીએ. મંત્રીશ્રી અધિકારીને જણાવે એના કરતાં તમે સીધા જ અધિકારીને મળી લો. કામ વહેલું પતશે.”

આમ તો ખાનગીકરણનાં ત્રીસ વર્ષ પછી લાયસન્સ અને બાબુશાહી લગભગ ખતમ થવી જોઈએ, પણ ગુજરાતમાં સરકારીકરણ વધતું જાય છે.આપણે સિનેમા જેવા ખાનગી ક્ષેત્રમાં પણ સર્વિસ ચાર્જના પત્રો સરકારી બાબુઓ કરે છે. કોરોના કાળમાં તો લગભગ અધિકારીઓ જ નક્કી કરતા રહ્યા કે સમાજ અને અર્થતંત્ર કેવી રીતે ચાલશે. આવા સંજોગોમાં જો ખુદ સરકારના વડા જ માનતા હોય કે “બધે બાબુઓની જરૂર નથી”..જે તે ક્ષેત્રના તજજ્ઞો ત્યાં નિર્ણય કરે. તે તરફ દેશને ગતિ કરવાની છે તો ગુજરાત સરકારના આગેવાનો પણ આ વાત સમજે. શિક્ષણના નિર્ણયો શિક્ષણના તજજ્ઞોને કરવા દો,યુનિવર્સિટી સ્વતંત્ર રીતે ચાલવા દો.સિનેમાનિર્માણ અને પ્રદર્શનમાં સરકાર કરવેરા સિવાયની દખલ ઓછી કરે. ઉદ્યોગો અને વાહન વ્યવહાર, સંદેશ વ્યવહારમાં ,આર્થિક વ્યવહારોમાં અધિકારીઓની ડખલ ઓછી કરે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top