National

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી ટીમ પેને રાજીનામું આપ્યું, આ વિવાદમાં સપડાયો હતો

એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન (Australia Cricket) ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેને (Captain Tim Paine) પોતાના પદ પરથી રાજીનામું (Resigns) આપી દીધું છે. ટીમ પેન વિરુદ્ધ એક મહિલા સહકર્મીને પોતાની અશ્લીલ તસવીર અને મેસેજ મોકલવાના આરોપોની તપાસ ચાલી રહી હતી. જેને લઈને ટીમ પેને પોતાની કેપ્ટનશિપ છોડી દીધી છે. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગ કેસમાં પકડાયો હતો. ત્યાર બાદ ટીમ પેનની સ્વચ્છ છબીને ધ્યાને લઈને તેને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની ટેસ્ટ મેચ માટેની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી, પરંતુ હવે તે પોતે એક મોટા કેસમાં ફસાઈ ગયો છે. તેના પગલે હવે ટીમ પેનએ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.

ટીમ પેને શુક્રવારે જાહેરમાં માફી માંગી, ઓસ્ટ્રેલિયન બોર્ડે રાજીનામું સ્વીકારી લીધું

ટીમ પેને શુક્રવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, તે પોતાના વર્તન બદલ બધાની માફી માંગે છે અને પોતાના પદ પરથી રાજીનામુ આપે છે.  ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે પણ ટીમ પેનના રાજીનામાની પુષ્ટિ કરી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે કહ્યું હતું કે, ‘ટીમે પોતાના અને પરિવારના હિતમાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે અને બોર્ડે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ પેને મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે 2017માં એક મહિલાને અશ્લીલ મેસેજ કર્યા હતા. મીડિયા સમક્ષ ટીમ પેન આ વાત કરતી  વખતે રડી પડ્યો હતો. તેને રડતા રડતાં કહ્યું કે તે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટનશિપ છોડી રહ્યો છે. જોકે, ટીમ પેને કહ્યું કે તે ટીમમાં પોતાની ભૂમિકા નિભાવતો રહેવા માંગે છે.

હવે આ ખેલાડી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન બને તેવી સંભાવના

ટીમ પેને પોતાની વાતમાં આગળ  કહ્યું હતું કે, ‘4 વર્ષ પહેલા મેં એક સહકર્મચારી મહિલાને અશ્લીલ મેસેજ મોકલ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તે બાબતની તપાસ કરી રહ્યું હતું અને મેં સમગ્ર તપાસ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તપાસ દરમિયાન, પ્રાથમિક ધોરણે તપાસ કમિટીને જાણવા મળ્યું હતું કે મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. જો કે, જ્યારે તે ઘટના બની ત્યારે મેં માફી માંગી હતી. મેં મારી પત્ની અને પરિવારની માફી પણ માંગી હતી. પરંતુ હવે હું મારી નૈતિક જવાબદારી સમજીને કેપ્ટનશિપ છોડી રહ્યો છું. ટીમ પેને કેપ્ટનશિપ છોડી દેતા હવે ટીમના વાઇસ કેપ્ટન પૈટ કમિન્સને કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Most Popular

To Top