Editorial

સાંસદો તોડવા માટે ભાજપ નહીં અન્ય પક્ષના નેતાઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા જવાબદાર છે

બાળાસાહેબ ઠાકરેના પુત્ર અને ઉદ્ધવના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી અલગ થવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ 2006માં પોતાની પાર્ટી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની સ્થાપના કરી. 18 ડિસેમ્બર, 2005ના રોજ, રાજ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્ક જીમખાના ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાથી અલગ થવાની જાહેરાત કરી.આ પત્રકાર પરિષદમાં બોલતા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમણે માન-સન્માન માંગ્યું હતું પરંતુ અપમાન સિવાય કંઈ મળ્યું નહીં. હકીકતમાં, રાજ ઠાકરેને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસદાર માનવામાં આવતા હતા, કારણ કે તેમની પાસે તેમના કાકા જેવું જ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. વધુમાં, તેઓ ઉદ્ધવ ઠાકરે કરતાં શિવસેનામાં વધુ સક્રિય હતા.

તૃણમૂલ કોંગ્રેસને નંદીગ્રામ ચળવળે સત્તા અપાવી દીધી હતી. હવે શુભેન્દુ અધિકારીની વાત કરીએ તો  2007માં તેમણે નંદીગ્રામમાં જમીન સંપાદન વિરોધી ચળવળનું નેતૃત્વ કર્યું હતુ તેમજ તેમણે ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ સમિતિનું નેતૃત્વ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં શાસક ડાબેરી મોરચાની સરકારે ખાસ આર્થિક ક્ષેત્ર સ્થાપવા માટે ગામમાં 10,000 એકર જમીન સંપાદન કરવાની યોજના બનાવી હતી. તેના વિરોધે ચળવળે મમતા બેનર્જીને બંગાળી રાજકારણના કેન્દ્રમાં લાવી દીધા હતા. નંદીગ્રામમાં અધિકારીની સફળતા પછી, બેનર્જીએ તેમને જંગલ મહલ એટલે કે પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા અને બાંકુરા જિલ્લાઓના પક્ષના પ્રભારી) બનાવ્યા હતા અહીં તેમણે તૃણમુલ કોંગ્રેસને મજબૂત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

2009માં તેઓ તામલુક મતવિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા. તેમણે તેમના નજીકના હરીફ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના લક્ષ્મણ સેઠને લગભગ 173,000 મતોના માર્જિનથી હરાવ્યા હતાં. ૨૦૧૬ ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અધિકારી નંદીગ્રામ મતવિસ્તારમાં ડાબેરી મોરચા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગઠબંધનના અબ્દુલ કાદિર શેખ સામે ઉભા રહ્યા હતા. ચૂંટાયા પછી, તેમણે તામલુક મતવિસ્તારમાંથી સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું અને ૨૭ મે ૨૦૧૬ ના રોજ બીજા મમતા બેનર્જી મંત્રાલયમાં પરિવહન મંત્રી તરીકે શપથ લીધા

અધિકારીએ 26 નવેમ્બર 2020 ના રોજ પશ્ચિમ બંગાળ સરકાર હેઠળની એક વૈધાનિક સંસ્થા, હુગલી રિવર બ્રિજ કમિશન (HRBC) ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે 27 નવેમ્બર 2020 ના રોજ પશ્ચિમ બંગાળ પરીવહન મંત્રી તરીકે પણ રાજીનામું આપ્યા બાદ 16 ડિસેમ્બર 2020 ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું જે શરૂઆતમાં સ્પીકરે તકનીકી કારણોસર સ્વીકાર્યું ન હતું. જોકે, આખરે 21 ડિસેમ્બર 2020 ના રોજ તે સ્વીકારવામાં આવ્યું હતું.

17 ડિસેમ્બર 2020 ના રોજ તેમણે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ, તેઓ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા હતા. અધિકારીનું પક્ષપલટો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાથેની તેમની દુશ્મનાવટને કારણે હોવાનું કહેવાય છે , જેમને તેમના વારસદાર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. [ 34 ]તૃણમૂલ કોંગ્રેસમાં તેમના પ્રભાવને કારણે વધુ પક્ષપલટો થયો, અને તેમના ઘણા અનુયાયીઓ પાછળથી ભાજપમાં જોડાયા હતાં તેમણે 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભા બેઠક પર પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને 1,956 મતોથી હરાવ્યા હતા. મમતા બેનર્જીએ નંદીગ્રામના ચુકાદાને પડકારતી કલકત્તા હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરી છે. ખરેખર તો મમતા બેનર્જી પછી તૃણમુલના વારસદાર તરીકેનો હક તેમનો હતો પરંતુ તૃણમુલ પક્ષ નહીં કોઇ પેઢી હોય તેમ મમતા બેનર્જીએ વારસદાર તરીક તેમના ભત્રીજા પર પસંદગી ઉતારી આ એક અન્યાય જ હતો. ભારત માટે આ નવી વાત નથી.

મહાભારત કાળથી શરુ થયેલો આ સીલસીલો આધુનિક ભારતમાં પણ યથાવત રહ્યો છે. મહાભારત પરથી શીખ લેવાને બદલે અત્યારના જુદા જુદા પક્ષના સુપ્રીમનેતા ધૃતરાષ્ટ્રને જ અનુસરી રહ્યાં છે. પાંડુ પુત્ર યુધિષ્ઠીર જ હસ્તિનાપુરની ગાદીના અસલ હકદાર હતા પંરતુ ધૃતરાષ્ટ્રના પુત્ર પ્રેમને કારણે તેમને અન્યાય થયો અને અંતે મહાભારત સર્જાયું. અત્યારે જે રીતે રાજકારણમાં પક્ષ પલટો થઇ રહ્યો છે તેમાં ભાજપનો કોઇ જ વાંક નથી. વાંક છે પુત્ર પ્રેમનો. જેઓ પક્ષના અસલ વારસદાર છે તેમનું સ્થાન નજીકના સગાને આપવામાં આવે છે એટલે અન્યાયના કારણે પક્ષ પલટા થઇ રહ્યાં છે.

અત્યારે સમગ્ર દેશમાં એક ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદો તોડવા માટે જવાબદાર છે. એ એક રાજકીય પક્ષ છે અને તે સ્થિતિ મજબૂત કરવા માટે જે કંઇ કરે તેમાં ખોટુ કંઇ નથી. ભાજપ ભાજપ માટે નહીં કરે તો શું કોંગ્રેસ માટે કરશે? સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહે પણ પાર્ટીના વારસદાર તરીકે પુત્ર ઉપર જ પસંદગી ઉતારી છે તો માયાવતીએ પણ ભત્રીજાને જ પ્રાધાન્ય આપ્યું છે.

Most Popular

To Top