Dakshin Gujarat

ભાજપના આગેવાનોને બદનામ કરવાના કાવતરામાં ગણપત વસાવાના અંગત સહિત ત્રણની ધરપકડ

સુરત: ગુજરાત ભાજપમાં (GujaratBJP) ચાલી રહેલા આંતરિક જુથવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CRPatil) સહિત મંત્રી મુકેશ પટેલ (MukeshPatel) અને ધારાસભ્ય સંદીપ દેસાઈને (SandipDesai) બદનામ કરવા માટે તેમની પર વિવિધ આક્ષેપો કરતી પત્રિકા તેમજ જીનેન્દ્ર શાહનો (JinendraShah) સીઆર પાટીલ પર આક્ષેપો કરતો વિડીયો સાથેની પેનડ્રાઈવ ભાજપના જ ધારાસભ્યો તેમજ સાંસદોને મોકલવામાં ખુદ ભાજપના જ કાર્યકરોના નામો બહાર આવ્યા છે.

  • દોઢેક માસ પહેલા ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સુરત ક્રાઈમ બ્રાંચમાં અરજી કરાઈ હતી, જેના આધારે ગુનો નોંધાયો
  • ગણપત વસાવાના નિકટના મનાતા અને તરસાડા પાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશ સોલંકી, તેના સાગરીત ખુમાન પટેલ અને દિપુ યાદવે કાવતરું ઘડ્યું
  • રાકેશ સોલંકીએ સીઆર પાટીલ, સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યોને બદનામ કરતી પત્રિકા તેમજ પેનડ્રાઈવ તૈયાર કરી
  • બાદમાં ખુમાન તેમજ દિપુએ ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ ભાજપના જ નેતાઓને મોકલાવી
  • આગામી દિવસોમાં આ પ્રકરણમાં ભાજપના જ અન્ય આગેવાનો પણ વરૂણીમાં આવે તેવી સંભાવના

આ અંગે દોઢેક માસ પહેલા ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે આજે સુરત ક્રાઈમ બ્રાંચમાં ભાજપના જ એક સમયના મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવાના નિકટના મનાતા અને તરસાડા પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ઉમરપાડા તાલુકા ભાજપના પ્રભારી રાકેશસિંહ રણજીતસિંહ સોલંકી સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે આ ફરિયાદને પગલે રાકેશ સોલંકી , તેના સાગરીત ખુમાનસિંહ જશવંતસિંહ પટેલ અને દિપુ લાલચંદ યાદવની આજે ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, ગત તા.15મી જુનના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ સરકારના બીજા મંત્રી અને ધારાસભ્યો સહિતના આગેવાનોને બદનામ કરતી અને તેમની પર ભ્રષ્ટાચારથી માંડીને વિવિધ આક્ષેપો કરતી પત્રિકાઓ તેમજ તાજેતરમાં જ જેની સીઆર પાટીલ પર આક્ષેપો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે તેવા જીનેન્દ્ર શાહનો વિડીયો ધરાવતી પેનડ્રાઈવ તેમજ ફરતી કરવામાં આવી હતી. આ પેનડ્રાઈવ ધારાસભ્ય સંદીપ દેસાઈની સાથે સાથે ભાજપના આગેવાનો, ધારાસભ્યો તેમજ સાંસદોને મોકલવામાં આવી હતી.

આ પત્રિકા તેમજ પેનડ્રાઈવ મળતાં જ ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ભાજપમાં જ ચાલતા આંતરિક જુથવાદમાં ફરતી થયેલી પેનડ્રાઈવમાં ચૂંટણી ફંડના દુરૂપયોગથી માંડીને અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સુરતની ક્રાઈમ બ્રાંચમાં દોઢ માસ પહેલા અરજી કરવામાં આવી હતી. અરજીને આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં રાકેશ સોલંકી, તેના સાગરીત ખુમાન પટેલ તેમજ દિપુ યાદવના નામો બહાર આવ્યા હતા.

ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા એવી હકીકતો બહાર આવી હતી કે, આ કાવતરાનો મુખ્ય સુત્રધાર રાકેશ સોલંકી છે. તેણે પોતાની ઓફિસના હેમંત પરમાર પાસે આ પત્રિકા ટાઈપ કરાવીને બાદમાં ઈરફાન કાપડીયા પાસે પેનડ્રાઈવ મંગાવીને પત્રિકાઓ તેમજ પેનડ્રાઈવ બનાવી હતી અને બાદમાં આ પત્રિકાઓ સાથેની પેનડ્રાઈવ ખુમાન પટેલ તેમજ દિપુ યાદવ દ્વારા ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવી હતી. પોલીસે ત્રણની ધરપકડ તો કરી જ છે પરંતુ એવું માની શકાય છે કે, આ પ્રકરણમાં આગામી દિવસોમાં અન્યોના નામો પણ બહાર આવે તો નવાઈ નહીં હોય.

સીઆર પાટીલ ગત ચૂંટણીમાં 156 સીટ લાવતાં તેમનું કદ વધી જશે તેમ જણાતાં મેં તેમને બદનામ કરવા પ્રયાસ કર્યો: રાકેશ સોલંકી
ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં જે ફરિયાદ કરવામાં આવી તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે રાકેશ સોલંકીની પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે એવી કબૂલાત કરી હતી કે સીઆર પાટીલ ગત ચૂંટણીમાં 156 સીટ લઈ આવતાં તેમનું કદ વધી જશે તેમ જણાતાં પોતે નારાજ થઈને સીઆર પાટીલ તેમજ અન્યો પર આક્ષેપ કરતું લખાણ ટાઈપ કરાવી, હાલમાં જ વાઈરલ થયેલી સીઆર પાટીલની વિરૂદ્ધની વિડીયો ક્લિપને પેનડ્રાઈવમાં કોપી કરી સીઆર પાટીલને પક્ષમાં મોટો કોઈ હોદ્દો નહીં મળે તે માટે તેને આગેવાનોમાં મોકલી હતી.

રાકેશ સોલંકીના ગોડફાધર મનાતા ગણપત વસાવા હાલમાં અમેરિકા
જેની ધરપકડ કરવામાં આવી છે તેવા રાકેશ સોલંકીના ગોડફાધર મનાતા ગણપત વસાવા હાલમાં અમેરિકા છે. બની શકે કે આગામી દિવસોમાં ભાજપ દ્વારા આ મામલે ગણપત વસાવાનો ખુલાસો પણ પુછવામાં આવે.

અન્ય ધારાસભ્યો તેમજ આગેવાનો સાથે મસલત કરીને બાદમાં ફરિયાદ કરી: ધારાસભ્ય સંદીપ દેસાઈ
ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, સીઆર પાટીલની સાથે સાથે અન્ય આગેવાનોની વિરૂદ્ધ પેનડ્રાઈવ મારફત પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમની પર આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તમામની સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ મેં અરજી અને હાલમાં ફરિયાદ કરી છે.

પેન ડ્રાઈવમાં અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવેલી પેનડ્રાઈવમાંથી અનેક ડોક્યુમેન્ટ મળ્યા હતા. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સાથે સાથે સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા માટેની પત્રિકા સાથેના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ભાજપનો વકરી રહેલો જુથવાદ ભાજપનો જ ભોગ લઈ જાય તો નવાઈ નહીં હોય
સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદે ભાજપમાં ચાલી રહેલા આંતરિક જુથવાદને વધુ વિકરાળ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ વર્સિસ ભાજપની લડાઈ શરૂ થઈ ગઈ છે. આ લડાઈ પ્રદેશ લેવલથી શરૂ કરીને છેક શહેર અને ગામડાઓમાં પણ પહોંચી ગઈ છે અને તેમાં પણ એકબીજાને બદનામ કરવા માટે થઈ રહેલો ‘ખેલ’ અતિગંભીર બની ગયો છે. તેમાં પણ આગેવાનોની એકબીજાને બદનામ કરીને પતાવી દેવા માટેની ચાલી રહેલી પ્રવૃત્તિ જુથવાદને વકરાવી રહ્યો છે. ભાજપને ભલે કોંગ્રેસ નહીં હરાવે પણ જો આ જ રીતે ભાજપમાં જુથવાદ ચાલતો રહ્યો તો ભાજપને ખુદ ભાજપ જ હરાવશે તેવી સંભાવના છે.

Most Popular

To Top