Columns

ધૂળ પર ધૂળ

એક દિવસ એક સંત પોતાની પત્ની સાથે પગપાળા એક ગામથી બીજે ગામ જતા હતા.બંને અપરિગ્રહ વ્રત પાળતાં હતાં.અપરિગ્રહ વ્રત એટલે કંઈ જ ભેગું કરવું નહિ , બે જોડીથી વધુ વસ્ત્ર પણ નહિ અને એક સ્થળે દસ દિવસથી વધુ રોકાવું નહિ.પાસે ઝોળી પણ નહિ કે તેમાં કંઈ મૂકવાનું મન થાય. ભોજનના સમયે જે ભિક્ષામાં મળે તે ખાઈ લેવું નહિ તો માત્ર પાણી પી લેવું.આ વ્રત તેઓ અખંડ પાળતાં અને ભગવદ્ ભક્તિમાં મસ્ત રહેતાં. રસ્તામાં સંત આગળ ચાલી રહ્યા હતા અને તેમનાં પત્ની બે ડગલાં પાછળ. થોડે આગળ સંતનું ધ્યાન જમીન પર પડેલી કોઈ ચમકતી વસ્તુ પર ગયું. થોડા પાસે પહોંચ્યા તો તે ચમકતી વસ્તુ સોનાનો હાર હતો. સોનાનો હાર જોઇને સંતને થયું, મારી પત્ની આમ તો સદાચારી છે, પણ છે તો સ્ત્રી એટલે સોનાનું ઘરેણું તેનું મન ચલિત કરે અને તેના મનમાં આહાર લેવાની કે ઉપાડીને એક વાર પહેરવાની ઈચ્છા જાગે તો ખોટું એટલે લાવ કૈંક એવું કરું કે તેનું ધ્યાન આ હાર પર જાય જ નહિ.

સંતે પોતાની ચાલવાની ઝડપ થોડી વધારી અને હાર જયાં પડ્યો હતો ત્યાં પહોંચી જઈને વાંકા વળીને સોનાના હાર પર ધૂળ ઉપાડીને એવી રીતે નાખી કે તે હાર ધૂળની નીચે ઢંકાઈ જાય અને પત્નીનું ધ્યાન તે હાર પર પડે જ નહિ. સંતે ચાલવાની ઝડપ વધારી એટલે સંત પત્ની થોડાં પાછળ રહી ગયાં અને તેમણે પણ ચાલવાની ઝડપ વધારી. સંતને નીચે નમીને હાથમાં ધૂળ લેતાં જોઇને સંત પત્ની બોલ્યાં, ‘સ્વામી, આ શું કરો છો, ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો.

આમ કરવાથી તમારા હાથ ખરાબ થશે. અહીં હાથ ધોવા માટે આજુબાજુ પાણી પણ ક્યાંય દેખાતું નથી.’ સંત પત્ની ધીમેથી આગળ બોલ્યાં, ‘સ્વામી, ધૂળ પર ધૂળ નાખવાનું રહેવા દો …સોનાનો હાર હોય કે અન્ય કોઈ ચીજ આપણા માટે તો ધૂળ  બરાબર ને.’ સંત ચમકી ઊઠ્યા. બોલ્યા, ‘દેવી , તમે હાર જોયો? અને પછી પત્નીના પગમાં પડ્યા..સંત પત્ની બોલ્યાં, ‘સ્વામી, તમે મને પાપમાં પાડો છો. આ શું કરો છો?’સંત બોલ્યા, ‘દેવી, તમે સન્માન અને વંદનના અધિકારી છો. મને સોનું દેખાયું, તેની પર ધ્યાન ગયું અને વળી મારા મનમાં સંદેહ થયો કે તમને સોનું જોઈ લાલચ થશે, પણ સોનું જોઇને પણ તમે તેને ધૂળ કહો છો એટલે તમારી સમજ વધુ પરિપક્વ અને ઉચ્ચ કોટિની છે.તમારી પર સંદેહ કરવા માટે મને માફ કરો.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top