Editorial

ટ્વીટરને થ્રેડ્સ બરાબર ટક્કર આપશે

સોશ્યલ મીડિયા હવે સામાન્ય લોકો માટે પણ અજાણી બાબત નથી. સોશ્યલ મીડિયામાં સૌથી વધુ પ્રચલિત સાઇટ્સ, એપ્સ વૉટ્સએપ અને ફેસબુક રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામે પણ વ્યાપ વધાર્યો છે. જો કે, રાજકીય અને સામાજીક પ્રવાહો વગેરે બાબતે ચર્ચાઓ કરવા, વિચારો રજૂ કરવા માઇક્રોબ્લોગિંગ સાઇટ અને એપ ટ્વીટર સૌથી અગ્રેસર રહ્યું છે. પરંતુ જ્યારથી વિશ્વના ટોચના અબજપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે આ ટ્વીટર ખરીદી લીધું અને તેમાં આડેધડ ફેરફારો કરવા માંડ્યા પછી તેના યુઝરોમાં, બુદ્ધિજીવી વર્ગમા થોડી નારાજગી અને ઉચાટ હતા અને ઘણા યુઝરો મેસ્ટોડોન, ટમલર, હાઇવ સોશ્યલ જેવી અન્ય માઇક્રોબ્લોગિંગ સેવાઓ તરફ વળવા માંડ્યા હતા પણ આ સર્વિસો ટ્વીટર સામે કંઇક ઉણી ઉતરતી જણાઇ. હવે ટ્વીટરને સખત ટક્કર આપવા થ્રેડ આવી ગયું છે જે ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ તૈયાર કર્યું છે.

એલન મસ્કની માલિકીની માઇક્રોબ્લોગિંગ સર્વિસ અને એપ ટ્વીટરને ટક્કર આપવા ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ તૈયાર કરેલ એપ થ્રેડ્સ પહેલા તો એપ સ્ટોર્સ પર મૂકાયું અને ગુરુવારે વિધિવત રીતે લોન્ચ થઇ ગયું હતું તે લોન્ચ થયાના થોડા કલાકોમાં જ વિશ્વભરમાં ૧૦૦ લાખથી વધુ લોકોએ તેના પર સાઇન અપ કર્યું હતું. અને શુક્રવાર સાંજ સુધીમાં તો આ આંકડો પાંચ કરોડને વટાવી ગયો હતો જે સ્પષ્ટ સંકેત આપે છે કે થ્રેડ્સ હવે ટ્વીટરને સખત ટક્કર આપી શકે છે.

ફેસબુકના બોસ માર્ક ઝુકરબર્ગે પોતાના કટ્ટર હરીફ એલન મસ્કના ટ્વીટરને ટક્કર આપવા હાલ થોડા દિવસ પહેલા જ આ થ્રેડ રજૂ કરવાની જાહેરાત કરી હતી. થ્રેડ્સ આઇફોન અને એન્ડ્રોઇડના એપ સ્ટોરો પર તો મૂકાઇ જ ગયું હતું, જે ગુરુવારથી લાઇવ પણ થઇ ગયું છે. યુકેમાં સ્થાનિક સમય પ્રમાણે બુધવારે મધરાત પછી તે લાઇવ બન્યું હતું. આજે વિશ્વભરના ૧૦૦ કરતા વધુ દેશોમાં આ એપ્લિકેશન લાઇવ બનવાની સાથે જ થોડા કલાકોના સમયગાળામાં જ દુનિયાભરમાં એક કરોડ કરતા વધુ લોકોએ તેના પર સાઇન અપ કર્યું હતું, મેટાની ઇન્સ્ટાગ્રામ સર્વિસના યુઝરો તેમના ઇન્સ્ટાગ્રામના પાસવર્ડનો જ ઉપયોગ કરીને થ્રેડ્સમાં લોગ ઇન કરી શકશે જેનાથી મસ્કના ટ્વીટરને મોટી ટક્કર મળી શકે છે.

આ એપ પર પોસ્ટ કરતા ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગે લખ્યું હતું કે સાત કલાકમાં ૧૦ મિલિયન સાઇન અપ. તેમણે આ અગાઉ એક ટ્વીટ પણ કર્યું હતું જે તેમણે ૧૧ વર્ષમાં પ્રથમ વાર ટ્વીટ કર્યુ હતું અને તેમાં તેમણે પોતાના હરીફ એવા એલન મસ્ક પર દેખીતું નિશાન સાધતા બે કાર્ટૂન સ્પાઇડર મેન એકબીજા સામે આંગળી ચિંધતા હોય તેવું પણ દર્શાવ્યું હતું અને દાવો કર્યો હતો કે ટ્વીટરના ૪૫ કરોડ યુઝરોનાં આંકથી આગળ નીકળી જશે અને તે એક અબજ યુઝરો પણ મેળવી શકે છે. થ્રેડ્સ એ ટ્વીટર જેવું જ એક માઇક્રોબ્લોગિંગ સોશ્યલ મીડિયા એપ છે. ટ્વીટર પરની પોસ્ટને ટ્વીટ કહેવાય છે તો આમાં થ્રેડ કહેવાશે. ટ્વીટરમાં કોઇ ટ્વીટને અન્ય યુઝરો ફરી ટ્વીટ કરે તેને રીટ્વીટ કહેવાય છે જે આમાં રીપોસ્ટ કહેવાશે.

ટ્વીટરની જેમ જ આમાં લાઇ્સ અને રિપ્લાઇઝની સંખ્યા દર્શવાતા કાઉન્ટરો છે. જો કે ટ્વીટરમાં વધુમાં વધુ ૨૮૦ અક્ષર ધરાવતી ટ્વીટ જ હાલ કરી શકાય છે, જ્યારે એક થ્રેડની મહત્તમ મર્યાદા ૫૦૦ અક્ષરની રાખવામાં આવી છે. થ્રેડમાં લિન્ક્સ, ફોટા, વીડિયોઝ શામેલ કરી શકાશે. વીડિયો પાંચ મિનીટ જેટલી લંબાઇનો મૂકી શકાશે. જો કે થ્રેડ્સ તેના વપરાશકારોની ગોપનિયતા અંગે કેટલીક ચિંતાઓ જન્માવી રહ્યું છે. થ્રેડ્સ દ્વારા એપ સ્ટોર પર મૂકવામાં આવેલ ડેટા પ્રાઇવસી ડિસક્લોઝરમાં જણાવાયું છે કે તે યુઝરના આરોગ્ય, નાણાકીય બાબતો, કોન્ટેક્ટ્સ, બ્રાઉઝિંક અને સર્ચ હિસ્ટ્રી, લોકેશન ડેટા, ખરીદીઓ અને સંવેદનશીલ માહિતી ભેગી કરી શકે છે.

આ બાબત તેના વપરાશકારોની ગોપનીયતા બાબતે ચિંતા કરાવી શકે છે. ટ્વીટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીએ આ ડિસક્લોઝરના સ્ક્રીનશોટ સાથે એક કટાક્ષભરી ટ્વીટમાં કહ્યું હતું કે ‘તમારા તમામ થ્રેડ્સ અમારા છે!’ અને તેના જવાબમાં મસ્કે કહ્યું હતું ‘યસ!’ યુરોપિયન યુનિયનના ૨૭ દેશોમાં થ્રેડ્સ લોન્ચ થયું નથી જે યુનિયન ડેટા પ્રાઇવસી અંગેના કડક નિયમો ધરાવે છે. થ્રેડ્સ લોન્ચ થતા જ તેના પર સેલિબ્રિટી શેફ ગોર્ડન રામસે, પોપ સ્ટાર શાકીરા, અભિનેતા જેક બ્લેક વગેરે અનેક સેલિબ્રિટીઓએ સાઇન અપ કર્યું હતું. આ ઉપરાંત એરબ્નબ, ગિનેસ વર્લ્ડ રેકર્ડ્સ, નેટફ્લીક્સ, વોગ મેગેઝિન તથા અન્ય મીડિયા આઉટલેટ્સે એકાઉન્ટો બનાવ્યા હતા. ત્યાર પછી પણ અનેક મહાનુભાવો થ્રેડ્સ સાથે જોડાયા છે. ભારતમાંથી અનેક કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ક્રિકેટરો, અભિનેતાઓ થ્રેડ્સ સાથે જોડાયા છે.

જો કે એલન મસ્કનો સ્વભાવ જોતા તેઓ થ્રેડ્સ માટે મુશ્કેલીઓ તો ઉભી કરશે જ એમ લાગે છે. તેમણે મેટા પર કાનૂની પગલા લેવાની ધમકી આપી દીધી છે. તેમના વકીલે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને આની ચેતવણી આપી દીધી છે. ટ્વીટરનો આક્ષેપ છે કે થ્રેડસ ટ્વીટરના ધંધાકીય રહસ્યોની તફડંચી કરી છે અને તેની સામે બૌદ્ધિક સંપદાની તફડંચી અંગે પણ પગલા લેવામાં આવશે. આ બધુ તો થશે, પરંતુ ટ્વીટરને થ્રેડ્સ બરાબર ટક્કર આપશે એમ હાલ તો લાગે છે.

Most Popular

To Top